કોલકતાઃ મહાનગરના એક ટીનેજરે માત્ર 24 કલાકમાં 4 વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. 15 વર્ષના અર્ણવ ડાગાએ 1 કલાક, 8 કલાક, 12 કલાક અને 24 કલાકમાં સૌથી ઊંચુ કાર્ડ્સનું ઘર બનાવીને આ સિદ્ધિ હાંસલ કરી છે. ગિનેસ વર્લ્ડ રેકોર્ડે જણાવ્યું હતું કે, ભારતના એક ટીનેજરે કાર્ડ સ્ટેકિંગના પોતાના કૌશલ્ય વડે 24 કલાકમાં રેકોર્ડ બનાવવાનો પડકાર ઝીલ્યો હતો, અને એમાં તે સફળ રહ્યો છે. આ પહેલા અર્ણવે 2023માં વિશ્વનું સૌથી મોટું પ્લેઈંગ કાર્ડ સ્ટ્રક્ચર બનાવીને વિશ્વ વિક્રમ નોંધાવ્યો હતો. તે સમયે તેણે 1.43 લાખ કાર્ડસ વડે - કોઈ ગ્લૂ કે ટેપનો ઉપયોગ કર્યા વગર - કોલકાતાના ચાર ઐતિહાસિક સ્થળો - રાઈટર્સ બિલ્ડિંગ, શહીદ મિનાર, સોલ્ટ લેક સ્ટેડિયમ અને સેન્ટ પોલ્સ કેથેડ્રલની 40 ફૂટ લાંબી, 11 ફૂટ ઊંચી અને 16.8 ઈંચ પહોળી રચના બનાવી હતી.