ચાર વર્ષનો ટેણિયો અયાન ભારતનો સૌથી યુવા લેખક

Saturday 23rd June 2018 06:49 EDT
 
 

લખીમપુર (આસામ)ઃ આસામના ઉત્તર લખીમપુરના ચાર વર્ષના બાળકે 'હનીકોમ્બ' નામનું પુસ્તક લખીને ધ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા 'યંગેસ્ટ ઓથર ઓફ ઇન્ડિયા'નો ખિતાબ મેળવ્યો છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા આ પુસ્તકમાં ૩૦ જેટલા રમૂજી પ્રસંગો અને ચિત્રોના માધ્યમથી વાર્તાઓ કહેવામાં આવી છે.
આ પુસ્તકમાં એક નર્સરીમાં ભણતા બાળકની વાત છે જે માત્ર એક વર્ષની ઉંમરથી જ ચિત્રો દોરતા શીખ્યો છે અને ત્રણ વર્ષની ઉંમરથી જાતે વાર્તા લખતો થયો છે. આ પુસ્તક લખનાર ચાર વર્ષનો અયાન ગોગોઈ ગોહૈન વાત ભલે કાલીઘેલી ભાષામાં કરતો હોય, પરંતુ તેના વિચારો એકદમ સ્પષ્ટ રીતે રજૂ કરી જાણે છે.
અયાન કહે છે કે, 'આ પુસ્તક લખવાનો વિચાર મને દાદાજીએ આપ્યો હતો. દાદાજીએ મને રોજ-બરોજની ઘટનાઓ અને મારાં સપનાઓ, કલ્પનાઓ વિશે લખવાનું કહ્યું હતું.'
'હું દરરોજની ઘટનાઓને જોતો અને મારા દાદાજી સાથે તેની વાત કરતો, તેઓ મારા પ્રેરણાસ્ત્રોત છે, સ્ટોરીટેલર છે, રોક સ્ટાર છે, મારા બેસ્ટ બેસ્ટ ફ્રેન્ડ છે, અને દાદાજી મારા ચોકલેટ મેન પણ છે’ એમ મોટા સ્માઈલ સાથે અયાને જણાવ્યું હતું.
ચાર વર્ષના અયાનને કાર્ટૂન જોવાનું, ફુટબોલ અને બેડમિન્ટન રમવાનું અને યોગ કરવાનું બહુ ગમે છે. આ પુસ્તકના વખાણ કરતા અમેરિકાના નોર્થ કેરોલિનાના રાઇટર અને પર્ફોમર જોન લિઓટાએ કહ્યું કે, 'આ પુસ્તક વાચક માટે ખરેખર એક ટ્રીટસમાન છે, પુસ્તક કઈ વયની વ્યક્તિ દ્વારા લખાયું છે તે મહત્વનું નથી. અયાનનું લખાણ અને ચિત્રો યુવાનોનો ઉત્સાહ વધારનારા છે, દરેક ઉંમરના વાચકને પુસ્તક ગમશે જ.'


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter