ટીવી સિરિયલ નિહાળતા સાસુ વાસી રસોઇ જમાડતા હોવાથી પુત્રવધુએ પોલીસ બોલાવી

Friday 26th March 2021 08:28 EDT
 

ગોરખપુરઃ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં સાસુ-વહુની તકરારનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. રસોઇ બનાવવા જેવી વાત પર બંને વચ્ચે ઝઘડો થયો અને તે પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યો. ટીવી સિરિયલ જોઇ રહેલા સાસુએ રસોઇ બનાવવાની ના પાડતાં વાસી ભોજન જમીને કંટાળેલી પુત્રવુધએ પોલીસ કન્ટ્રોલમાં કોલ કરીને પોલીસ બોલાવી લીધી. પોલીસ તરત ઘરે પહોંચી તો ખરી, પણ બંનેને ચેતવણી પણ આપી કે ફરી આવું થશે તો બંને સામે કડક કાર્યાવાહી કરાશે.

બનાવ ગોરખપુરમાં ગગહા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. જ્યાં મંઝગાંવામાં એક પરિવારમાં સાસુ-વહુ ઘરમાં એકલાં જ રહે છે. બંનેના પતિ બહારગામ રહીને નોકરી કરે છે. સાસુ-વહુ એકલાં રહેતા હોવાથી નાની-નાની વાતે વિવાદ થતા રહે છે. પોલીસે જણાવ્યું કે મંઝગાંવાની એક મહિલાનો ફોન આવ્યો હતો કે તેની સાસુએ તેને વાસી ખાવાનું આપ્યું, જેથી તેની તબિયત ખરાબ થઇ ગઇ છે. સાસું તેને અવારનવાર વાસી ભોજન આપે છે.
આ માહિતી મળ્યા બાદ પોલીસ વાન ઘટનાસ્થળે પહોંચી. જ્યાં જઇને પોલીસને ખ્યાલ આવ્યો કે સાસુ-વહુ બંનેના પતિ બહારગામ રહીને નોકરી કરે છે. ઘરમાં માત્ર સાસુ અને વહુ જ રહે છે. જ્યારે આ અંગે મહિલા પાસેથી જાણકારી લેવામાં આવી તો તેણે જણાવ્યું કે તેની સાસુ તેને વાસી ખાવાનું આપે છે. અને તેના કારણે તે વારંવાર બીમાર પડે છે. જ્યારે તેની સાસુ આખો દિવસ ટીવી જોયા કરે છે.
પોલીસનું કહેવું છે કે મહિલાની સાસુનો આરોપ છે કે પુત્રવધૂ ખોટું બોલી રહી છે. તે પુત્રવધુને હંમેશા ગરમ જમવાનું જ આપે છે. સાસુએ કહ્યું કે તેની પુત્રવધૂ ક્યારેય જમવાનું નથી બનાવતી અને આખો દિવસ પોતાના મોબાઇલમાં બિઝી રહે છે. પોલીસની હાજરીમાં જ સાસુ-વહુ ઝઘડવા લાગ્યાં, જે જોઇને પોલીસ બંનેને જેમ-તેમ કરીને માંડ સમજાવીને શાંત કર્યા. પોલીસની મધ્યસ્થી બાદની સાસુ-વહુએ હાલ તો હથિયાર હેઠાં મૂક્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter