નવી દિલ્હીઃ જો તમે મચ્છરોના ત્રાસથી પરેશાન હોવ તો આઈઆઈટી-દિલ્હીનું આ સંશોધન તમારા માટે ખુશખબર લઇને આવ્યું છે. આઈઆઇટી-દિલ્હીના સંશોધકોની ટીમે મચ્છરના ત્રાસથી બચવા માટે એવું સમાધાન શોધી કાઢ્યું છે કે દરરોજ ઘરમાં વસ્ત્રો ધોવા સાથે મચ્છરોની સમસ્યાનું પણ સમાધાન થઈ જશે. સંશોધકોએ મચ્છરના ત્રાસ સામે લડવા માટે ડિટર્જન્ટ પાવડરને હથિયાર બનાવ્યો છે. ટેકસ્ટાઈલ એન્ડ એન્જિનિયરીંગ વિભાગના પ્રોફેસર જાવેદ નબીબક્ષ શેખની ટીમે સ્માર્ટ મચ્છર નિરોધક ડિટર્જન્ટ વિકસાવ્યો છે. પાવડર અને લિક્વિડ એમ બંને સ્વરૂપે ડિટર્જન્ટ વિકસાવવામાં આવ્યો છે. દિલ્હી સહિત દેશના અનેક ભાગોમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કારણે દર વર્ષે લાખો લોકો મુશ્કેલીમાં મુકાતા હોય છે. ડેન્ગ્યુને કારણે કેટલાક તો જીવ ગુમાવે છે. મચ્છરોથી બચાવ માટે અત્યાર સુધીમાં ક્રીમ, સ્પ્રે, કોઈલ, રોલ ઓન સહિતની સામગ્રી બજારમાં આવી ચૂકી છે, પરંતુ ગણતરીના કલાકમાં જ તેમનો પ્રભાવ ઘટી જતો હોય છે. આ સંજોગોમાં આઇઆઈટી દિલ્હી દ્વારા વિકસાવવામાં આવેલો આ ડિટર્જન્ટ ગેમ ચેન્જર બની શકે છે.
પ્રોફેસર શેખનું કહેવું છે કે ટ્રોપિકલ ક્રીમ અને લોશન સમય જતાં પોતાનો પ્રભાવ ગુમાવી દેતા હોય છે. તેના કારણે મચ્છર કરડવાનું જોખમ વધતું જાય છે, પરંતુ તેમના દ્વારા તૈયાર થયેલા ડિટર્જન્ટની ખાસિયત છે કે વસ્ત્રો ધોવાની સાથે જ તે ડિટર્જન્ટ રેશા સાથે ચોંટી જઈને પ્રોટેક્શન લેયર તૈયાર કરી દે છે. તે એક એવું લેયર હોય છે જેને મચ્છર પસંદ નથી કરતા. તે ડિટર્જન્ટ ગંધ અને સ્વાદ એમ બંને સંવેદનાને પ્રભાવિત કરે છે. અર્થાત મચ્છર વસ્ત્રો પર બેસતા જ નથી.
એક કોમર્શિયલ લેબમાં હેન્ડ ઈન કેજ ટેસ્ટથી આ ટેકનોલોજીનું પરીક્ષણ થઈ ચૂક્યું છે. ભૂખ્યા મચ્છરોથી ભરેલા બોક્સમાં હાથ નાખીને પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પરિણામ સામે આવ્યું કે આ ડિટર્જન્ટથી ધોવામાં આવેલા વસ્ત્રોથી મચ્છરો દૂર રહેતા હતા.


