તમારા પર હુમલો થશે કે તરત મદદ માગશે સ્માર્ટ બ્રેસલેટ

જ્યુન પટેલનું સંશોધન યુવતીઓ માટે બહુ ઉપયોગી બનશે

Wednesday 18th April 2018 07:03 EDT
 
 

લંડનઃ દુનિયાભરમાં યુવતીઓની છેડતીના કિસ્સા વધી રહ્યા છે ત્યારે જ્યુન પટેલ નામની ગુજરાતી યુવતીએ ફેશન અને આધુનિક ટેકનોલોજીનો સમન્વય સાધીને સિક્યુરિટી બ્રેસલેટ નામનું એક અનોખું ડિવાઇસ તૈયાર કર્યું છે. મોતીની સાથે ડિજિટલ સર્કિટથી તૈયાર કરવામાં આવેલું આ ડિવાઇસ ઇમર્જન્સીમાં ઓટોમેટિક કોલિંગની સુવિધા આપશે. આથી કોઇ યુવતી સાથે જ્યારે પણ કોઇ જબરજસ્તી થશે કે તરત જ બ્રેસલેટ એક્ટિવ થઇ જશે અને અગાઉથી સેવ કરેલા નંબર પર કોલ કરશે.
આ સમગ્ર બ્રેસલેટ સિગ્નલ સિસ્ટમ પર કામ કરે છે. સ્માર્ટ બ્રેસલેટ અગાઉથી સેટ કરેલા સંપર્કોને ઇમર્જન્સીના સમયમાં એલર્ટ આપશે. યુવતીને જો કોઇ નુકસાન થશે તો આપમેળે તે પોલીસને એલર્ટ આપશે કેમ કે બેલ્ટમાં પોલીસનો નંબર ઇનબિલ્ટ સેટ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તે રેડ લાઇટ સાથે મોટા અવાજથી એક એલાર્મ પણ વગાડશે, જેનાથી હુમલો કરનારને ભયભીત કરશે.
બર્મિંગહામસ્થિત યુનિવર્સિટી ઓફ અલાબામામાં માસ્ટર્સ ડિગ્રી માટે અભ્યાસ કરતા સિક્યોર એન્ડ ટ્રસ્ટવર્થી કોમ્પ્યુટીંગ લેબમાં ગ્રેજ્યુએટ રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે કાર્યરત જયુન પટેલે વિકસાવેલું આ ડિવાઇસ દેખાવમાં એકદમ ફેશનેબલ છે. જેમ બ્રેસલેટમાં મોતી અને ડેકોરેશન હોય છે તેમ આ બ્રેસલેટમાં પણ મોતીની સજાવટ છે. આ બ્રેસલેટ વિકસાવનાર જયુન પટેલની ટીમે આશા વ્યક્ત કરી છે કે, શારીરિક શોષણ અને હુમલા વખતે આ ડિવાઇસ યુવતી માટે બહુ ઉપયોગી સાબિત થશે. ખાસ કરીને કોલેજ વિસ્તારમાં અને કોર્પોરેટ એરિયામાં થતી છેડતીને અટકાવવામાં આ ડિવાઇસ કામ આવશે.
જ્યુન કહે છે કે ‘બ્રેસલેટના સેન્સર્સ તેના પહેરનારની હલનચલનની ઝીણામાં ઝીણી વિગતો સતત નોંધતા રહેશે, જેમ કે વ્યક્તિ ઉભી છે કે સૂતી છે તેની પણ નોંધ લેશે. વળી, તેની રચના એ પ્રકારની છે કે તે વ્યક્તિની સામાન્ય હલનચલન અને અસામાન્ય તથા અણધારી હલનચલનનો તફાવત પણ પારખી શકશે. આમ તેને હુમલો થયાનો સંકેત મળી રહેશે.’
આ બ્રેસલેટ બ્લૂટૂથ વડે તેના પહેરનારના સ્માર્ટફોન સાથે જોડાયેલું હશે અને જેવો કોઇ પણ અણધાર્યો સંકેત મળશે કે તરત જ બ્રેસલેટ મોટો અવાજ કરવા લાગશે સાથોસાથ લાલ લાઇટ ફ્લેશ થવા લાગશે. નિષ્ણાત ડો. રગીબ હસને જણાવ્યું કે, સામાન્ય રીતે છેડતી કે તેના જેવી ઘટનાઓ બની ગયા બાદ પગલાં લેવાય છે પરંતુ આ ડિવાઇસથી તંત્રને તાત્કાલિક સંદેશાઓ મળી રહેશે અને ઘટનાને બનતી અટકાવી શકાશે.

ઓટોમેટિક એલર્ટ સિસ્ટમ

સામાન્ય રીતે કોઇ પણ ડિવાઇસ કે એપ્લિકેશનમાં પ્રેસ સિસ્ટમથી (એટલે બટન દબાવવાથી) એલર્ટના સિગ્નલ ટ્રાંસમિટ થતા હોય છે. જો બટન દાબી ન શકાય તો કોઇ એલર્ટ કે સિગ્નલ મળતું નથી અને મદદ મેળવી શકાતું નથી. ઇજાના કારણે પીડિત આ બટન કે એપ્સને એક્ટિવ ન કરે તો સરવાળે ઇમર્જન્સીમાં બધું ઠપ્પ થઇ જાય છે. જ્યારે આ ડિવાઇસમાં ઓટોસેન્સર મૂકવામાં આવ્યું છે. બ્રેસલેટ પહેરનાર સાથે કોઇ બળજબરી થશે તો પણ આ ડિવાઇસના સેન્સર વડે તેના સિગ્નલ પોલીસને મળી રહેશે અને વ્યક્તિને તાત્કાલિક મદદ મળી રહેશે. સાથોસાથ ચોક્કસ વ્યક્તિઓને પણ મેસેજ મળી જશે.

કેવી રીતે કામ કરશે?

જે તે વ્યક્તિ સાથે કોઇ જબરજસ્તી કે હુમલો થશે ત્યારે ચોક્કસ પ્રકારના અવાજ અને પ્રેશરથી આ ડિવાઇસ ઓટોમેટિકલ એક્ટિવ થશે. જેમાં અગાઉથી નક્કી કરાયેલા નંબર પર એલર્ટ જશે સાથે પોલીસને પણ સિગ્નલ મળશે. તેથી વ્યક્તિનું લોકેશન અને સમય ટ્રેક થશે. તાત્કાલિક મદદ માટે પોલીસ એ દિશામાં તપાસ શરૂ કરશે. જીપીએસ હોવાના કારણે જે દિશામાં યુવતીને લઇ જવાશે તેનું યોગ્ય લોકેશન મળતું રહેશે. શારીરિક છેડતીની કોઇ ઘટના વખતે વ્યક્તિના મિત્રોએ આ ડિવાઇસ પહેર્યું હશે તો એને પણ તેનું સિગ્લન જશે તેથી આ ડિવાઇસ ધરાવતા બે લોકો એક સાથે એક્ટિવ થશે. આ સાથે જ વ્યક્તિની શારીરિક સ્થિતિ જોખમાશે તો પણ ડિવાઇસ એક્ટિવ રહેશે. મતલબ તબિયત લથડશે તો પણ મેસેજ આવશે. યુવતી ચક્કર ખાઇને પડશે તો પણ આપમેળે કોલ એક્ટિવ થઇ જશે.
માત્ર ૪૦ ડોલરમાં તૈયાર થયેલા આ નમૂના બ્રેસલેટનું જો વ્યાપારિક ધોરણે ઉત્પાદન કરવામાં આવે તો તેની પડતર કિંમત આથી પણ ઘણી ઓછી રહેવાની શક્યતા છે. બ્રેસલેટ પ્રોજેક્ટમાં સફળતા મળવાથી ઉત્સાહિત જ્યુન પટેલ હવે ઇયરીંગ્સ, જૂતાં વગેરે સાથે પણ આ ટેક્નોલોજી જોડવા પ્રયત્નશીલ છે, જેથી મોટી વયની કે શારીરિક અશક્ત વ્યક્તિ પડી જાય કે મુશ્કેલીમાં મૂકાય તો તરત સંદેશો મેળવીને યોગ્ય પગલાં લઇ શકાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter