ત્રણ વર્ષ સુધી આધ્યાત્મિક યોગીના ઇશારે ચાલ્યું નેશનલ સ્ટોક એક્સચેન્જ!

Monday 14th February 2022 09:27 EST
 
 

નવી દિલ્હીઃ ભારતમાં મોટા ભાગના લોકો બે સ્ટોક એક્સચેન્જથી માહિતગાર છે. એક બીએસઇ એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને બીજું એનએસઇ એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ. બીએસઈ દેશનું સૌથી જૂનું એક્સચેન્જ છે તો એનએસઈ સૌથી મોટું એક્સચેન્જ છે. ભારતના આ સૌથી મોટા સ્ટોક એક્સચેન્જની માર્કેટ કેપ આશરે ૪ ટ્રિલિયન ડોલર છે. આ બધી માહિતી રજૂ કરવાનું કારણ છે કે તાજેતરમાં ‘સેબી’ (સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇંડિયા)એ ખુલાસો કર્યો છે તે પ્રમાણે દેશનું આ સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ ત્રણ વર્ષ સુધી હિમાલયના એક આધ્યાત્મિક યોગીના ઈશારે ચાલતું રહ્યું. આ યોગીનો આદેશ સર્વોપરી હતો અને તે મુજબ તત્કાલિન મેનેજિંગ ડિરેક્ટર ચિત્રા રામકૃષ્ણ કામ કરતાં હતાં. હદ તો એ વાતની છે કે ૪ ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપ ધરાવતા આ સ્ટોક એક્સચેન્જનું સંચાલન જે યોગીના ઇશારે થતું હતું તેને ક્યારેય કોઇએ જોયા પણ નથી.
બજાર નિયામક ‘સેબી’ના એક રિપોર્ટ મુજબ એનએસઈના પૂર્વ એમડી અને સીઈઓ ચિત્રા રામકૃષ્ણને એક હિમાલયી યોગીએ બહુ જ પ્રભાવિત કર્યા હતા, જેમની અસર તળે તેમણે આનંદ સુબ્રમણ્યમની એનએસઇમાં ચીફ સ્ટ્રેટેજિક એડવાઇઝર તરીકે નિમણૂક કરી હતી. બાદમાં તેમને ગ્રૂપ ઓપરેટિંગ ઓફિસર અને એમડીના એડવાઇઝર તરીકે પણ કાર્યભાર સોંપાયો હતો, અને મનફાવે તેમ પગારવધારો અપાયો હતો. ‘સેબી’એ ચિત્રા રામકૃષ્ણ તેમજ અન્યો વિરુદ્ધ ૧૧ ફેબ્રુઆરીએ પસાર કરેલા આદેશમાં આ બધી વાતોનો ઉલ્લેખ કર્યો છે. ‘સેબી’એ આવા ગતકડાં બદલ રામકૃષ્ણ તથા અન્યોને દંડ પણ ફટકાર્યો છે. સુબ્રમણ્યમની નિયુક્તિમાં નિયમો નેવે મૂકવામાં આવતા આ દંડ કરાયો છે. ‘સેબી’એ પોતાના આદેશમાં ૨૩૮ વાર અજ્ઞાત વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે. ચિત્રા રામકૃષ્ણ એપ્રિલ ૨૦૧૩થી ડિસેમ્બર ૨૦૧૬ સુધી એનએસઈના એમડી તથા સીઈઓ હતા. તેઓ યોગીને શિરોમણી કહેતા હતા, જે તેમના મતે એક આધ્યાત્મિક શક્તિ છે અને છેલ્લા ૨૦ વર્ષથી વ્યક્તિગત અને વ્યવસાયિક રીતે તેમનું માર્ગદર્શન કરી રહ્યા છે.
ચિત્રા રામકૃષ્ણ અનુસાર એક અજ્ઞાત વ્યક્તિ અથવા યોગી કથિતરૂપે એક આધ્યાત્મિક શક્તિ છે જે ક્યાંય પણ પ્રગટ થઈ શકે છે. તેઓ તેમની સાથે ઈ-મેઈલથી સંવાદ કરતાં હતાં. ‘સેબી’એ પોતાના ૧૯૦ પાનાનાં આદેશમાં જણાવ્યું છે કે આ યોગીએ ચિત્રા રામકૃષ્ણને આનંદ સુબ્રમણ્યમની નિયુક્ત માટે નિર્દેશિત કર્યા હતા. પૂર્વ એમડી ચિત્રાએ ‘સેબી’ સમક્ષ બચાવ કર્યો હતો કે લાઇફ કોચ, ગુરુ અથવા કોઈ વરિષ્ઠ પાસે સલાહ-માર્ગદર્શન લેવા જેવું તેમને આ લાગ્યું હતું. ગોપનીયતા અને નિષ્ઠાભંગનો કોઈ સવાલ જ નથી.
આ મામલે આકરી કાર્યવાહી કરતા ‘સેબી’એ ચિત્રા રામકૃષ્ણ અને આનંદ સુબ્રમણ્યમની સાથે સાથે એનએસઈ તેમજ તેના પૂર્વ સીઇઓ રવિ નારાયણ તથા અન્યોને દંડ ફટકાર્યો છે. ‘સેબી’એ રામકૃષ્ણને રૂ. ૩ કરોડ જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ, રવિ નારાયણ અને આનંદ સુબ્રમણ્યમને રૂ. બે - બે કરોડનો દંડ ફટકાર્યો છે.

હિમાલયના યોગી સિદ્ધપુરુષ છેઃ ચિત્રા રામકૃષ્ણ

‘સેબી’ની તપાસ દરમિયાન ચિત્રા રામકૃષ્ણે હિમાલયના આધ્યાત્મક યોગી સંદર્ભે એવું નિવેદન આપ્યું હતું કે તેના સ્પિરિચ્યુઅલ ગુરુ એક સિદ્ધપુરુષ અથવા પરમહંસ છે, જેનું કોઈ ફિઝિકલ વ્યક્તિત્વ નથી અને તેઓ પોતાની ઇચ્છા પ્રમાણે રૂપ ધારણ કરી શકે છે. ચિત્રા રામકૃષ્ણએ એવો પણ દાવો કર્યો હતો કે આ સિદ્ધ ગુરુ હિમાલય રેન્જમાં રહે છે અને પાછલા ૨૦ વર્ષથી તેને વ્યક્તિગત અને પ્રોફેશનલ મોરચે માર્ગદર્શન આપતા હતાં. જોકે ‘સેબી’ની તપાસમાં ખુલ્યું છે કે અજાણી વ્યક્તિ અને ચિત્રા રામકૃષ્ણ વર્ષ ૨૦૧૫માં અનેક વખત મળ્યા હતા. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter