જયપુરઃ રાજસ્થાનના સૂકા ભઠ પશ્ચિમ વિસ્તારમાંથી પુરાતત્વવિદોને પહેલી વખત હડપ્પા સંસ્કૃતિના પ્રાચીન અવશેષો મળ્યા છે. આ અવશેષોથી પ્રાચીન સિંધુ ખીણની સંસ્કૃતિ સંદર્ભે આશ્ચર્યજનક હકીકતો મળવા સંભાવના છે.
રાજસ્થાનના રણ વિસ્તારમાં મળેલા અવશેષોને ઉત્તર રાજસ્થાન અને ગુજરાતમાંથી મળેલી હડપ્પા સભ્યતાના પુરાવાને જોડતી મહત્ત્વની કડી માનવામાં આવે છે. હડપ્પા કાલીન ગ્રામ્ય સંસ્કૃતિની ઝલક આપતાં અવશેષો ઈસ પૂર્વે 2600થી ઈસ પૂર્વે 1900ની વચ્ચેના એટલે કે 4600થી 3900 વર્ષ પ્રાચીન જણાય છે.
રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં રામગઢ તહેસીલથી 60 કિમી દૂર અંતરિયાળ વિસ્તાર રાતાડી રી દહેરીમાંથી આ અવશેષો મળ્યા છે. પાકિસ્તાનના સંધાનવાલા, જ્યાંથી અગાઉ હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળ્યા હતા, તેનાથી 70 કિમીના અંતરે આ સાઈટ આવેલી છે. આર્કિયોલોજિસ્ટ પંકજ જાગાણી દ્વારા આ વિસ્તારમાં સંશોધન હાથ ધરાયું હતું. રણમાંથી અનેક પ્રાચીન કલાકૃતિઓ મળી છે, જે ઉન્નત હડપ્પા સંસ્કૃતિની ઝલક આપે છે. તેમાં માટીના વાસણો, છિદ્રોવાળી બરણી, ટેરાકોટાની વસ્તુઓ, પથ્થરના તિક્ષ્ણ ઓજાર, માટી અને છીપલાની બંગડીઓનો સમાવેશ થાય છે.
હડપ્પાકાલીન સ્થાપત્ય શૈલી મુજબના સ્થાપત્યની ડિઝાઈન મળી છે, જેમાં સ્થાપત્યની વચ્ચે મોટી કોલમ અને સુવ્યવસ્થિત ગોઠવેલી ઈંટો જોવા મળે છે. રાજસ્થાન વિદ્યાપીઠના આર્કિયોલોજિસ્ટ ડો. જીવનસિંઘ ખારકવાલના મતે, હડપ્પન સંસ્કૃતિની સાઇટ નાની પરંતુ, મહત્ત્વની છે અને તેનો સમયગાળો ઈસ પૂર્વે 2600થી ઈસ પૂર્વે 1900 વચ્ચેનો હોઈ શકે છે. ભૌગોલિક વિસ્તાર અને લાક્ષણિકતાઓને જોતાં ઉત્તર રાજસ્થાન અને ગુજરાતમાંથી મળેલા પુરાતત્વીય અવશેષોને સાંકળતી કડી તરીકે આ સાઈટને જોવામાં આવે છે.
નિષ્ણાતોના મતે કાલિબંગન અને મોહેંજો દડો જેવી જ ભઠ્ઠી મળી છે. હાલના સમયમાં જીવન પાંગરવા માટે દુષ્કર મનાતા રણ પ્રદેશમાં એક સમયે અદ્યતન સામાજિક-આર્થિક વ્યવસ્થા પાંગરી હોવાનું પુરાવા પરથી જણાય છે.