દેવભૂમિમાં ૫૦૦ વર્ષ જૂની રમ્માણની છટા

Tuesday 03rd May 2022 12:36 EDT
 
 

જોશીમઠ: દેવભૂમિ ઉત્તરાખંડમાં ચમોલી જનપદના જોશીમઠ તહેસીલના સલૂડ ગામ (પેનખંડા)માં રમ્માણનું સમાપન તો થયું છે, પરંતુ તેના રંગ - છટા - સંગીત - નૃત્યશૈલી લોકોના દિલોદિમાગ પર અવિસ્મરણીય છાપ મૂકી ગયા છે. પાંચ સદી પુરાણી પરંપરા અનુસાર દર વર્ષે વૈશાખ મહિનામાં આ રમ્માણ યોજાય છે અને તેને માણવા સ્થાનિક લોકો જ નહીં, પર્યટકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. એક પખવાડિયા ચાલતી રમ્માણનું ૨૭ એપ્રિલે સમાપન થયું જેમાં માસ્ક શૈલી અને ભલ્દા પરંપરાની લોકસંસ્કૃતિમાં રામ, લક્ષ્મણ, સીતા, હનુમાનનાં પાત્રો દ્વારા નૃત્યશૈલીમાં રામકથાની પ્રસ્તુતિ અપાઇ હતી. રમ્માણમાં ૧૮ માસ્ક, ૧૮ તાલ, ૧૨ ઢોલ, ૧૨ દમાઉં, ૮ ભંકોરાનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ બધાનો તાલબદ્ધ સમન્વય લોકોના મન મોહી લે છે.
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સ્થાન
પેનખંડાના રમ્માણને ૨૦૦૯માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજમાં સ્થાન અપાયું છે. આદિ ગુરુ શંકરાચાર્ય દ્વારા શરૂ કરાયેલા ચાર પીઠોની સ્થાપના સમયે રામાયણ અને મહાભારતના અમુક અંશોને લોકો સુધી પહોંચાડવા માટે માસ્ક નૃત્યોને પ્રોત્સાહિત કરાયાં. રમ્માણ તે જ લોકસંસકૃતિનો એક ભાગ હોવાનું માનવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter