પતિના પાસપોર્ટ પર પરદેશ પ્રવાસ!

ગીતાબહેન પતિના પાસપોર્ટ પર માંચેસ્ટરથી દિલ્હી જઇ પહોંચ્યા

Wednesday 09th May 2018 07:37 EDT
 
 

માન્ચેસ્ટરઃ પરદેશના પ્રવાસે રવાના થતી વેળા શરતચૂકથી એકના બદલે બીજો સામાન સાથે આવી જાય એ તો સમજ્યા, પણ એકના બદલે બીજો પાસપોર્ટ હાથમાં આવી જાય તો?! તમે કહેશો કે એરપોર્ટથી જ ઘરભેગા થવું પડે, પણ માંચેસ્ટરનાં ગીતા મોઢાની વાત અલગ છે. બિઝનેસવુમન ગીતાબહેન ભૂલથી પતિ દિલીપભાઇનો પાસપોર્ટ લઇને એરપોર્ટ પહોંચી ગયા એટલું જ નહીં, ૪૨૦૦ માઇલનો હવાઇ પ્રવાસ કરીને માંચેસ્ટરથી દિલ્હી પણ જઇ પહોંચ્યા. ગીતાબહેન છેક ભારત પહોંચી ગયા તે પછી આ લોચો ધ્યાને આવતાં હવે એરલાઇન સત્તાવાળાઓએ ૨૩ એપ્રિલની આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે.
માન્ચેસ્ટર ઈવનિંગ ન્યૂઝના રિપોર્ટ્સ અનુસાર ૫૫ વર્ષીય ગીતા મોઢા માન્ચેસ્ટરના રશોલ્મ વિસ્તારમાં અલંકાર બૂટિક ચલાવે છે. તેઓ ૨૩ એપ્રિલે નવી દિલ્હી જવા નીકળ્યાં, પરંતુ ભૂલથી પોતાના પાસપોર્ટના બદલે પતિનો પાસપોર્ટ લઈ લીધો હતો. આમ છતાં, તેઓ ફ્લાઈટમાં ચેક-ઈન અને બોર્ડિંગ પણ કરી શક્યાં તેમજ દુબઈના સ્ટોપઓવરમાંથી પણ પસાર થઈ શક્યાં હતા. સામાન્ય સંજોગોમાં આ તમામ સ્થળે સુરક્ષા એજન્સીઓ દ્વારા એક યા બીજા પ્રકારે પાસપોર્ટ સહિત અન્ય મુદ્દે તપાસ થતી હોય છે. આમ છતાં તેઓ કોઇના ધ્યાનમાં આ ચૂક ન આવી. છેક નવી દિલ્હી એરપોર્ટ ખાતે આ ભૂલ પકડાઈ હતી.
ગીતાબહેન ઓવરસીઝ ઈન્ડિયન સિટીઝનશિપ (OCI) કાર્ડ ધરાવતાં હોવાથી તેમણે એરપોર્ટ સત્તાધીશો સમક્ષ પોતાનો પાસપોર્ટ રજૂ કરવાનો હતો, જે રજૂ કરી ન શકતાં તેમને ભારતમાં પ્રવેશનો ઈનકાર કરી દેવાયો હતો અને પરત દુબઈ મોકલી દેવાયાં હતાં. આ પછી ગીતાબહેનના ૩૨ વર્ષીય પુત્ર સાગરે તેમનો સાચો પાસપોર્ટ એરપોર્ટ પર પહોંચાડ્યો હતો, જે એમિરેટ્સ એરલાઇન્સના મેનેજમેન્ટે દુબઈ પહોંચાડતા ગીતાબહેનની મુશ્કેલીનો અંત આવ્યો હતો.
અવારનવાર એર ટ્રાવેલ કરનારાં અને બે સંતાનનાં માતા ગીતાબહેનને ટાંકીને અખબારમાં જણાવાયું હતું, ‘લોકોનું યોગ્ય ચેકિંગ કરાતું નથી તે ગંભીર અને ચિંતાજનક બાબત છે. તેઓ એરપોર્ટ્સ પર સિક્યોરિટી ખૂબ જ ચુસ્ત હોવાનું કહે છે, પરંતુ ૨૦૧૮માં પણ આવું બની શકે છે.
ચેક-ઈન સમયે સ્ટાફ મેમ્બરે મારા સામાનનું વજન બે કિલો વધુ હોવાથી બેગોમાંથી સામાનની અદલાબદલી પણ કરાવી હતી, પરંતુ મને ખોટા પાસપોર્ટ પર પ્રવાસ કરવા દીધો.’
ગીતાબહેન મોઢાએ ઉમેર્યું હતું કે, ‘આ અનુભવે મારી એ વાતે ચિંતા વધારી દીધી છે કે પેસેન્જર્સ યોગ્ય ચેકિંગ વિના પણ વિદેશના હવાઈપ્રવાસે જઈ શકે છે. જો આ ભૂલ ચેક-ઈન સમયે જ પકડી લેવાઈ હોત તો તેમણે કોઈને પોતાનો પાસપોર્ટ લઇને ટર્મિનલ પર આવવા જણાવ્યું હોત. તેમણે માત્ર મારી અટક જ જોઈ હતી. પાસપોર્ટમાં મારો ફોટો કે ફર્સ્ટ નેમ ચકાસ્યાં જ ન હતાં.’
માન્ચેસ્ટર એરપોર્ટે જણાવ્યું હતું કે પાસપોર્ટની ચકાસણી કરવાની જવાબદારી એરપોર્ટ સ્ટાફની છે. બીજી તરફ, એમિરેટ્સના પ્રવક્તાએ કહ્યું હતું કે અન્ય તમામ એરલાઈન્સની માફક અમે પણ પાસપોર્ટ ચેકિંગ સંબંધિત તમામ નિયમોનું ગંભીરતાથી પાલન કરવા માટે અમારા એરપોર્ટ હેન્ડલર્સ સાથે મળીને કામ કરીએ છીએ. આ ઘટનામાં અમારા ઉચ્ચ માપદંડનું અનુસરણ થયું નથી અને અમે મિસિસ મોઢાની માફી માગીએ છીએ. આ ઘટના કેવી રીતે થઈ તેની તપાસ અમે કરી રહ્યા છીએ.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter