પુત્રે પિતાની ઇચ્છા પૂરી કરવા તેમના શબ સામે લગ્ન કર્યા

Saturday 17th August 2019 06:00 EDT
 
 

વિલ્લુપુરમઃ તામિલનાડુના વિલ્લુપુરમ જિલ્લામાં એક અજીબ ઘટના ઘટી છે. સામાન્ય રીતે વ્યક્તિ મૃત્યુ પામે એટલે તેને નવડાવી-ધોવડાવીને કોરા કપડાં પહેરાવીને અંતિમયાત્રાની તૈયારી કરવામાં આવે. જોકે સિંગનૂર ગામમાં દૈવમણિ નામના બુઝુર્ગનું મૃત્યુ થયું એ પછી વાતાવરણ સાવ બદલાયેલું હતું.
વાત એમ હતી કે બીજી સપ્ટેમ્બરે તેમના ૩૧ વર્ષના દીકરા ડી. એલેક્ઝાન્ડરનાં લગ્ન ૨૭ વર્ષની અન્નપૂર્ણાની સાથે નક્કી થયેલાં હતાં. દીકરાના લગ્નની ધામધૂમથી ઊજવણી કરવાનો અભરખો પિતાને બહુ જ હતો. જોકે અચાનક જ તેમનું અવસાન થતાં પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. આ સમયે દીકરા એલેક્ઝાન્ડરે નક્કી કર્યું કે ભલે પપ્પાનું નિધન થઈ ગયું હોય, પરંતુ હજી તેમનું શરીર તો આપણી વચ્ચે છે. એની હાજરીમાં લગ્ન કરી લેવામાં આવે. આ વાત સાથે કન્યા પક્ષના સગાઓ પણ સહમત થયા. ઘરના બધા જ લોકો પિતાને ગુમાવ્યાનો માતમ ભૂલી લગ્નની તૈયારીમાં લાગ્યા. ધામધૂમને બદલે સીધીસાદી વિધિની વ્યવસ્થા કરાઇ. પિતાના મૃતદેહને નવાં કપડાં પહેરાવીને ખુરસીમાં બેસાડાયો અને એની સામે જ દીકરાએ લગ્નવિધિ પૂરી કરી. વિધિ પછી પિતાના શબને સ્ટેજ પર લઈ જઈને વારાફરતી બધાએ પિતાના શબ અને નવયુગલની સાથે તસવીરો પડાવી.
આ તસવીરોમાંથી એક તસવીર સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે. શુક્રવારે પિતાનું મોત થયું અને તરત જ લગ્ન લેવાયાં અને શનિવારે પિતાના અગ્નિસંસ્કાર કરાયા હતા. દીકરા એલેક્ઝાન્ડરનું કહેવું છે કે હવે બીજી સપ્ટેમ્બરે લગ્નની વિધિ નહીં થાય, પરંતુ એ પછી રિસેપ્શનનો કાર્યક્રમ રાબેતામુજબ ચાલુ રાખશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter