માંડ્યા (કર્ણાટક)ઃ આપણે સહુ જાણીએ છીએ કે જો વ્યક્તિમાં ધગશ હોય તો કોઇપણ કામ અશક્ય નથી. જોકે કર્ણાટકના માંડ્યા જિલ્લાના હરલહલ્લી ગામના રહેવાસી 77 વર્ષીય એન્કે ગૌડાએ તો આ શબ્દો સાબિત કરી દેખાડ્યા છે. તેમણે એકલા હાથે ‘પુસ્તક માને’ એટલે કે લાઈબ્રેરીની સ્થાપના કરી છે. અને આજે તે દેશની સૌથી મોટી લાઇબ્રેરી છે જ્યાં વિવિધ વિષયો પર 20 લાખથી વધુ પુસ્તકો છે. આ પુસ્તકાલય માટે ઘણું બલિદાન આપ્યું છે એમ કહીએ તો ખોટું નથી. એન્કે ગૌડા પુસ્તકો પાછળ 80 ટકા પગાર ખર્ચી નાખતા પણ ખચકાયા નથી.
તેઓ પોતાનો આખો દિવસ આ પુસ્તકોની વચ્ચે પસાર કરે છે. એમ પણ કહી શકાય કે તેઓ પુસ્તકની સાથે રહે છે, સૂવે છે ને જીવે છે. તેમને આ વર્ષે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હોવાથી તેમના જુસ્સાને પદ્મશ્રી પુરસ્કાર દ્વારા નવી ઓળખ મળશે. મુખ્ય માર્ગ પર સ્થિત પુસ્તકાલયની આ ઇમારત બહારથી જોવા પર એવું લાગતું નહોતું કે તેમાં તેમાં જ્ઞાનનો અમૂલ્ય ખજાનો છે.
વિવિધ વિષયો પરના પુસ્તકો અહીં ઉપલબ્ધ છે. વિશ્વભરમાં ક્યાંય પણ પ્રકાશિત થયેલું કોઈ મોટું પુસ્તક ભાગ્યે જ અહીં ઉપલબ્ધ નહીં હોય. ગૌડાએ જણાવ્યું કે છેલ્લા 50 વર્ષોમાં 22 ભાષામાં 20 લાખથી વધુ પુસ્તકો ખરીદ્યા છે. વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે આ એક અમૂલ્ય ખજાનો છે. તે દેશનું સૌથી મોટું ખાનગી લાઇબ્રેરી છે.
એન્કે ગૌડા શરૂઆતમાં બસ કંડક્ટર તરીકે કામ કરતા હતા. તેમણે કન્નડ સાહિત્યમાં એમએ પણ કર્યું. તે પછી તેમણે લગભગ 30 વર્ષ સુધી નજીકની ખાંડ ફેક્ટરીમાં કામ કર્યું. પુસ્તકો પ્રત્યેના તેમના જુસ્સાને કારણે તેમણે તેમના પગારનો 80 ટકા હિસ્સો પુસ્તકો પર ખર્ચ કર્યો. તેમણે મૈસુરમાં તેમની મિલકત પણ પુસ્તકો ખરીદવા માટે વેચી દીધી. તેઓ તેમના પત્ની અને પુત્ર સાથે પુસ્તકાલયમાં રહે છે. તેઓ ફ્લોર પર સૂવે છે.
લાઇબ્રેરીમાં કેટલાંક પુસ્તકો બે થી ત્રણસો વર્ષ જૂનાં છે
અહીં પુરાણો, ઉપનિષદો અને કુરાન સાથે બે થી ત્રણસો વર્ષ જૂના ઇતિહાસ પુસ્તકો, રામાયણ અને મહાભારતની ત્રણ હજાર આવૃત્તિઓ છે. મહાત્મા ગાંધી પર અઢી હજારથી વધુ પુસ્તકો છે. આ ઉપરાંત નોબેલ પુરસ્કાર, સાહિત્ય અકાદમી અને જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતાઓ પરના પુસ્તકો પણ મળી શકે છે.


