પ્રશંસનીય... ડોક્ટરે કોલેજને દાન કરી દીધા રૂ. 80 કરોડ

Friday 04th September 2026 10:31 EDT
 
 

હમીરપુરઃ હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના નિવૃત્ત ડોક્ટર રાજેન્દ્ર સિંહ કંવરે પોતાની આશરે 80 કરોડ રૂપિયાની તમામ સ્થાવર-જંગમ (ચલ-અચલ) સંપત્તિ શહેરની ડો. રાધાકૃષ્ણન્ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના નામે દાન કરી દીધી છે. દેશના 78મા સ્વતંત્રતા દિન 15 ઓગસ્ટના રોજ તેમણે આ અંગેના સંબંધિત તમામ ગિફ્ટ ડીડ (દાનપત્ર)ની ફાઈલ રાજ્યના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુને સોંપી દીધી છે. એટલું જ નહીં, ડો. રાજેન્દ્રે પોતાના મૃત્યુ પછી દેહદાન કરવાનો પણ નિર્ણય લીધો છે.

તેમણે મેડિકલ કોલેજમાં તમામ જરૂરી વિભાગોને વહેલામાં વહેલી તકે શરૂ કરવાની માગ પણ કરી છે, જેથી સ્થાનિક નગરજનોને ઉત્કૃષ્ટ તબીબી સેવા મળી રહે. ધનેટા ગામના સ્વ. અમર સિંહ અને સ્વ. ગુલાબ દેવીના પુત્ર ડો. રાજેન્દ્રએ 1977માં આરોગ્ય વિભાગમાં નોકરી શરૂ કરી હતી અને ઓક્ટોબર 2010માં નિવૃત્ત થયા હતા. તેમણે ભોરંજ, નાદૌન, બિલાસપુરના દધોલ અને 1984થી છેક નિવૃત્તિ સુધી કાંગુ હોસ્પિટલમાં સેવાઓ આપી હતી. તેમના પત્ની સ્વ. કૃષ્ણા કંવર શિક્ષણ વિભાગમાંથી પ્રિન્સિપાલ પદેથી નિવૃત્ત થયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter