ફળોના બાદશાહ કેરીની ‘નૂરજહાં’ના મોંઘેરા મૂલ

નંગનો ભાવ એક હજાર રૂપિયા, છતાં ખરીદવા પડાપડી

Friday 11th June 2021 07:33 EDT
 
 

ઈન્દોર: મધ્ય પ્રદેશના અલીરાજપુરમાં પ્રખ્યાત ‘નૂરજહાં’ કેરીની ખેતી કરવામાં આવે છે. ચાલુ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં કેરીનો સારો પાક થયો છે અને કેરીનું કદ પણ ગયા વર્ષની સરખામણીમાં વધારે મોટું છે. ચાલુ વર્ષે નૂરજહાં કેરીના એક નંગનો ભાવ ૧૦૦૦ રૂપિયા ચાલી રહ્યો છે, અને આમ છતાં તેને ખરીદવા પડાપડી છે. તમે કેરી બુક કરાવો અને નસીબમાં સ્વાદ લખ્યો હોય તો વારો આવે, નહીં તો આવતા ઉનાળાની રાહ જોવાની.
નૂરજહાંના આંબા એના વજનદાર ફળ માટે દુનિયાભરમાં જાણીતા છે. નૂરજહાં કેરીના સ્વાદના રસિયાઓ ગયા વર્ષે તો નિરાશ થવું પડ્યું હતું, પરંતુ આ વર્ષે સારો પાક થયો છે. આવી રસીલી કેરી દુનિયાભરમાં ખૂબ ઊંચા ભાવે વેચાઈ રહી છે. એટલું જ નહીં, એનું લોકો અગાઉથી જ બુકિંગ પણ કરાવી લે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાન મૂળની માનવામાં આવતી આ કેરીની થોડાક જ વૃક્ષ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના કટ્ટીવાડામાં જોવા મળે છે. આ વિસ્તાર મધ્ય પ્રદેશમાં આવેલો હોય, પણ ગુજરાતની સરહદે સાથે જોડાયેલો છે. આમ તેના સ્વાદશોખીન ખરીદદારોમાં ગુજરાતીઓની સંખ્યા પણ વિશેષ જોવા મળે છે.
ઇન્દોરથી ૨૫૦ કિલોમીટરના અંતરે આવેલા કટ્ટીવાડાના કેરી ઉત્પાદક શિવરાજસિંહ જાધવ કહે છે કે મારા બગીચામાં રસીલી ‘નૂરજહાં’ કેરીના ત્રણ આંબા છે અને તેના પર કુલ ૨૫૦ ફળો લાગ્યા છે. આ તમામ કેરીઓનું બુકિંગ અગાઉથી જ થઇ ગયું છે. લોકો આ પ્રજાતિની એક કેરી માટે ૧૦૦૦ રૂપિયા ચૂકવતા પણ ખચકાતા નથી.
એક કેરીનું વજન બેથી સાડા ત્રણ કિલો
જાધવ કહે છે કે આ કેરીનું એડવાન્સ બુકિંગ કરાવનારા લોકોમાં મધ્ય પ્રદેશ અને ગુજરાતના લોકોનો સમાવેશ થાય છે. બાગાયતી નિષ્ણાતો કહે છે, આ વખતે મધ્ય પ્રદેશમાં નૂરજહાં આંબાની એક કેરીનું વજન બેથી સાડા ત્રણ કિલો સુધીનું છે. કઠવાડામાં ‘નૂરજહાં’ની ખેતી કરતા નિષ્ણાંત શાક મનસૂર કહે છે કે આ વખતે નૂરજહાંનો પાક સારો થયો છે, પરંતુ કોવિડ પ્રોટોકોલને કારણે કેરીના વેપાર પર થોડીક અસર પડી છે.
ક્લાઇમેટ ચેન્જની વિપરિત અસર
ક્લાઈમેટ ચેન્જની અસર ‘નૂરજહાં’ના આંબા પર પણ અસર પડી છે. ગયા વર્ષે ‘નૂરજહાં’ના આંબા પર મોર જ નહોતા આવ્યા, જેને કારણે અનેક શોખીનોને એના સ્વાદથી વંચિત રહેવું પડ્યું હતું. મનસૂર કહે છે, ૨૦૧૯માં નૂરજહાંનાં ફળોનું સરેરાશ વજન ૨.૭૫ કિલોની આસપાસ હતું. એ વર્ષે ખરીદદારોએ એના એક ફળના રૂ. ૧૨૦૦ જેટલી ઊંચી રકમ ચૂકવી હતી.
નૂરજહાંનું એક વજનદાર ફળ આશરે એક ફૂટ લાંબું હોઈ શકે છે. ગયા વર્ષે તો જળવાયુ પરિવર્તનની વિપરિત અસરોને કારણે ‘નૂરજહાં’ કેરીના વૃક્ષ પર કેરીના ફળ જ આવ્યા ન હતાં. જેના કારણે આ કેરીના શોખીનો વંચિત રહ્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter