બીસ સાલ બાદ...

સંન્યાસી પતિ સિદ્ધિપ્રાપ્તિની આશાએ ભિક્ષા માગવા પોતાના જ ઘરે પહોંચ્યો, પણ પત્નીએ પહેલી નજરે ઓળખી લીધો

Tuesday 24th August 2021 07:07 EDT
 
 

કાંડી (ઝારખંડ): આજથી ૨૨ વર્ષ અગાઉ લાપતા થયેલા સ્વજન અચાનક આંખો સામે આવીને ઉભા રહી જાય તો શું થાય? આ અહેસાસ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી, માત્ર અનુભવી શકાય તેમ છે. કંઇક આવો જ અહેસાસ ઝારખંડના કાંડીના સેમૌરા ગામની સવિતાને થયો જ્યારે તેનો પતિ ઉદય સાહ ગયા પખવાડિયે તેની સામે આવીને ઊભો રહ્યો. વાત એમ છે કે ઉદય તેની પત્ની સવિતા, બે સંતાનો અને માતા-પિતાને નોંધારા મૂકીને અચાનક ક્યાંક ચાલ્યો ગયો હતો.
તેમની ઘણી શોધખોળ કરી પણ ના મળ્યો. સવિતા સહિત પરિવારજનોએ તો એમ જ માની લીધું હતું કે ઉદય હવે આ દુનિયામાં નથી. સવિતા આને જ નિયતિ માનીને છત્તીસગઢમાં તેના પિયરમાં જતી રહી હતી. થોડાક સમય પછી ઝારખંડ પરત ફરીને ખેતીવાડી કરીને બંને બાળકોને મોટા કર્યા, એકલા હાથે જ ઘરની તમામ જવાબદારીઓ સંભાળી. હવે સંતાનોએ પણ મદદ કરવાનું શરૂ કરી દીધું હતું, પણ ગયા રવિવારે ઉદય સંન્યાસી બનીને હાથમાં સારંગી વગાડતાં વગાડતાં પૈતૃક ઘરે પહોંચ્યા અને ગોરખનાથના ભજન ગાઇને ભિક્ષા માગવા લાગ્યા. તેઓ સાધુજીવનમાં સિદ્ધિપ્રાપ્તિની આશાએ પોતાના ઘરેથી જ ભિક્ષા મેળવવા પહોંચ્યા હતા.
ગામમાં તો કોઇ તેમને ઓળખી ન શક્યું પણ પત્નીની નજરમાંથી ન બચી શક્યા. સવિતાએ ઉદયને પહેલી જ નજરે ઓળખી લીધા. પતિને આટલા વર્ષો બાદ અચાનક નજર સમક્ષ જોઇને તે ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડવા લાગી, પણ ઉદય પોતાની ઓળખ છુપાવતા જ રહ્યા. થોડી વારમાં તો ઘર આગળ ગ્રામજનો પણ ભેગા થવા લાગ્યા.
આખરે ઉદયે સત્ય સ્વીકારવું જ પડ્યું. પછી તે પત્ની પાસે ભિક્ષા માગવા લાગ્યા. તેમણે જણાવ્યું કે પત્નીના હાથેથી ભિક્ષા લીધા વિના તેમને સિદ્ધિ નહીં મળે, જેથી ભિક્ષા આપીને તેમને સાંસારિક જીવનથી મુક્તિના કર્તવ્યનું પાલન કરવા દો. પરંતુ સવિતા આટલા વર્ષો પછી પરત મળેલા પતિને જવા દેવા તૈયાર નહોતી. ઉદયના નજીકના સંબંધીઓ અને ગામના વડીલો-આગેવાનોએ ઉદયને સમજાવવા-મનાવવા પ્રયાસ શરૂ કર્યા કે તે સંસારમાં પાછો આવી જાય. આ માટે બાબા ગોરખનાથના ધામ પર યજ્ઞ અને ભંડારો કરાવવા માટે લોકો અનાજ અને પૈસા પણ ભેગા કર્યા.
ઉદય ઘર છોડીને ગયા હતા ત્યારે દીકરો ત્રણ વર્ષનો અને દીકરી એક વર્ષની હતી. પિતાના પ્રેમ માટે તરસતા રહેલાં બંને સંતાનોએ માતા સાથે મળીને ઉદયને સાંસારિક જીવનમાં પાછા ફરવા માટે મનાવવા ઘણો પ્રયાસ કર્યો, પણ ઉદયે સાફ ઇનકાર કરી દીધો.
બીજી તરફ ઉદય ભગવા ત્યજવા તૈયાર નહોતા. આમને આમ થોડાક દિવસ વીતી ગયા. ગયા મંગળવારે ઉદયે બે યોગી સાથે કારમાં રવાના થવા તૈયારી શરૂ કરી તો સવિતા અને સંતાનો પણ તેની સાથે બેસી ગયા. આખરે ઉદયે પરિવારજનોને સાથે લઇ જતાં ગ્રામજનોને ખાતરી આપી હતી કે, ‘સાથી યોગીઓને મનાવીને જલદી પાછો આવીશ.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter