બોયફ્રેન્ડ ઓન રેન્ટઃ સતત રિજેક્શનથી કંટાળેલા શકુલનું તીર નિશાન પર લાગ્યું છે!

Thursday 18th February 2021 10:51 EST
 
 

નવી દિલ્હીઃ દુનિયા આખી ૧૪ ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે ઉજવે છે. પોતાની પ્રિય વ્યક્તિ સાથે આ દિવસ ઉજવવાની મજા જ કંઇક અલગ છે. દિલ્હીના શકુલ ગુપ્તાના દિલમાં પણ કંઇક આવા જ અરમાન ઉઠતા. પણ તેના અરમાન મનમાં જ રહી જતા. તે જ્યારે પણ કોઇ યુવતી સમક્ષ પ્રેમનો એકરાર કરતો ત્યારે તેને નિષ્ફળતા જ સાંપડતી. અને તે નિરાશ થઇ જતો. વેલેન્ટાઇન્સ ડે પર તેના મિત્રો ગર્લફ્રેન્ડ સાથે ડેટ પર જતા ત્યારે શકુલ આખો દિવસ એકલા જ પસાર કરતો. સતત જાકારો મળ્યા પછી એક દિવસ તેણે વિચાર્યું કે તે જેમ એકલો વેલેન્ટાઇન્સ ડે વીતાવે છે એમ તેના જેવી યુવતીઓ પણ હશે જ કે જેમની પાસે આ દિવસ સેલિબ્રેટ કરવા પાર્ટનર નહીં હોય. આમ વિચારીને તેણે આવી યુવતીઓનો સહારો બનવાનું નક્કી કરી પોતાને રેન્ટ પર આપવાનું શરૂ કરી દીધું. શકુલ છેલ્લા ૩ વર્ષથી ‘બોયફ્રેન્ડ ઓન રેન્ટ’ નામથી સોશિયલ મીડિયા પર પોતાનું પ્રમોશન કરી રહ્યો છે, અને તેની આ સર્વિસની જબરી ડિમાન્ડ છે.
એક સમયે જે શકુલ સાથે કોઇ યુવતી ડેટ પર જવા તૈયાર નહોતી જ્યારે તે જ શકુલ અત્યાર સુધીમાં ૪૫ યુવતી સાથે ડેટ પર જઇ ચૂક્યો છે. તે જણાવે છે કે, મારી ક્યારેય કોઇ ગર્લફ્રેન્ડ નથી રહી. મારી એટલી જ ઇચ્છા હતી તે કોઇ યુવતી તો મને હા પાડે. જો રિજેક્શન શબ્દનો કોઇ પર્યાય હોત તો તે ચોક્કસપણે હું જ હોત.
શકુલ કહે છે કે રિજેક્શનથી નિરાશા જરૂર થતી હતી, પણ હવે મારો સમય બદલાયો છે. ‘બોયફ્રેન્ડ ઓન રેન્ટ’ સર્વિસ શરૂ કર્યા પછી અત્યાર સુધીમાં હું ૪૫ યુવતીઓને મળી ચૂક્યો છું. જેમની સાથે ડેટ પર જાઉં છું તે યુવતીઓ સાથે ખૂબ વાતો કરું છું. તેઓ તેમની ફીલિંગ્સ મારી સાથે શેર કરે છે. કેટલીક યુવતીઓ ડેટિંગ પછી મારી સારી ફ્રેન્ડ પણ બની ગઇ છે. અને અમે આજે પણ એકમેકના સંપર્કમાં છીએ. શકુલને પ્રિયતમા મળી છે કે નહીં એ તો આપણે નથી જાણતા, પણ ‘બોયફ્રેન્ડ ઓન રિક્વેસ્ટ’થી ગર્લફ્રેન્ડ જરૂર મળી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter