ભારતના પ્રથમ રોબોટિક ટેલિસ્કોપ ‘ગ્રોથ ઈન્ડિયા’ દ્વારા અવકાશ સંશોધનનો પ્રારંભ

Wednesday 27th June 2018 07:00 EDT
 
 

અમદાવાદઃ ભારતનું પ્રથમ રોબોટિક ટેલિસ્કોપ લદ્દાખના હાનલેમાં તાજેતરમાં ખુલ્લું મૂકી દેવાયું છે. ‘ગ્લોબલ રીલે ઓફ ઓબ્ઝર્વેટરિઝ વોચિંગ ટ્રાન્ઝીટ હેપ્પન (જીઆરઓટી ડબલ્યુએચ-ગ્રોથ)’ નામનું આ ટેલિસ્કોપ ભારત ઉપરાંત અન્ય દેશોની સહાયથી બન્યું છે. માટે તેનું નામ ‘ગ્રોથ-ઈન્ડિયા’ રાખવામાં આવ્યું છે. રોબોટિક હોવાને કારણે આ ટેલિસ્કોપનું સંચાલન ઓટોમેટિક થાય છે, તેમાં માનવીય દખલગીરીની જરૂર નથી.
હાનલેમાં ‘ઈન્ડિયન એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરી’ આવેલી છે. તેની સાથે જ આ ટેલિસ્કોપ ફીટ કરી દેવાયું છે. બ્રહ્માંડમાંથી આવતા તરંગોનો ટેલિસ્કોપ પોતાની રીતે જ અભ્યાસ કરીને કન્ટ્રોલ મથક સુધી માહિતી મોકલતું રહેશે. આ પ્રોજેક્ટમાં ભારત ઉપરાંત યુકે, ઈઝરાયેલ, જર્મની, જાપાન, તાઈવાન અને અમેરિકા પણ શામેલ છે.
ભારત વતી આ ટેલિસ્કોપમાં મુંબઈ સ્થિત આઈઆઈટી અને બેંગાલુરુ સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ મુખ્યત્વે સંકળાયેલી છે. એ ઉપરાંત બેંગાલુરુ સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ સહિતની વિવિધ સંસ્થાઓનું તેની સાથે જોડાણ છે. આકાશ-દર્શન માટે પ્રદૂષણ-રહિત અને માનવીય પ્રવૃત્તિ-રહિત વિસ્તાર જોઈએ. માટે લદ્દાખનો દુર્ગમ વિસ્તાર પસંદ કરાયો છે. કેમ કે ત્યાં બ્રહ્માંડથી આવતા કિરણોને ઓછામાં ઓછો અવરોધ, પૃથ્વીનું પ્રદૂષણ અને વાતાવરણની અસર નડે છે. ૧૪,૮૦૦ ફીટની ઊંચાઈએ આવેલું આ ટેલિસ્કોપ જગનના સૌથી ઊંચા ટેલિસ્કોપમાં સ્થાન ધરાવે છે. ભારતે આ ટેલિસ્કોપના નિર્માણ પાછળ ૩.૫ કરોડનો ખર્ચ કર્યો છે. ટેલિસ્કોપનો વ્યાસ ૭૦ સેન્ટિમિટર છે. આ ટેલિસ્કોપ વર્ષે ૧ હજારથી વધારે ગીગાબાઈટ જેટલી માહિતી કન્ટ્રોલ મથકમાં ઠાલવશે એવો સંશોધકોનો અંદાજ છે.
ટેલિસ્કોપે કામ શરૂ કર્યા પછી સૌથી પહેલા ઉત્તર ગોળાર્ધમાંથી દેખાતા આકાશના કિરણો ઝિલ્યા હતા. કેમ કે આ વિસ્તાર અત્યંત સાફ છે અને ત્યાં અનેક તારામંડળ આવેલા છે. ટેલિસ્કોપનો મૂળભૂત ઉદ્દેશ બ્રહ્માંડમાંથી આવતા વિવિધ કિરણોને ઓળખવા, સમજવા અને એ રીતે બ્રહ્માંડ અંગેના પ્રશ્નો ઉકેલવાનો છે. ખગોળશાસ્ત્રના ઈતિહાસમાં હજુ સુધી વિજ્ઞાનીઓ બ્રહ્માંડ અને તેની રચના સમજી શક્યા નથી. માટે દુનિયાભરમાં અનેક ટેલિસ્કોપ પોતાની રીતે દૂરના અવકાશમાંથી આવતા કિરણોની તપાસ કરતા રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter