ભારતમાં કુલ 229 બિલિયોનેર, વર્ષમાં 24 ઉમેરાયાઃ મુકેશ અંબાણી પહેલા ક્રમે

Wednesday 18th March 2026 08:29 EDT
 
 

વોશિંગ્ટનઃ વિશ્વખ્યાત બિઝનેસ મેગેઝિન ‘ફોર્બ્સ’ દ્વારા ‘વર્લ્ડ્સ બિલિયોનેર્સ 2026’ની યાદી જાહેર કરાઇ છે. જે અનુસાર, ભારતમાં બિલિયોનેર્સની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં દેશમાં 24 નવા બિલિયોનેર્સ ઉમેરાયા છે, જેનાથી કુલ સંખ્યા વધીને 229 થઈ ગઈ છે. આ યાદીમાં ઉદ્યોગપતિ લક્ષ્મી નિવાસ મિત્તલની સંપત્તિમાં થયેલો તોતિંગ વધારો સૌથી વધુ ચર્ચામાં છે. જેનાથી લક્ષ્મી મિત્તલ દેશના સૌથી અમીર લોકોની યાદીમાં ચોથા સ્થાને પહોંચી ગયા છે.

‘ફોર્બ્સ’ની આ યાદી મુજબ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ તરીકે ટોચના સ્થાને યથાવત્ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નફામાં છેલ્લા એક વર્ષમાં અંદાજે 12 ટકાના વધારા સાથે તેઓ એશિયા અને ભારતના સૌથી અમીર વ્યક્તિ છે. જોકે મુકેશ અંબાણી બે વર્ષ પહેલાંની જેમ 100 બિલિયન ડોલરની ક્લબમાં ફરી સામેલ થવાથી થોડાક માટે પાછળ રહી ગયા છે.
રિપોર્ટ અનુસાર, સ્ટીલ કંપની આર્સેલર મિત્તલના શેરમાં છેલ્લા વર્ષમાં 80 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. જેના કારણે લક્ષ્મી મિત્તલની કુલ સંપત્તિ વધીને લગભગ 31 બિલિયન ડોલર (આશરે 2.87 લાખ કરોડ રૂપિયા) થઈ ગઈ છે. છેલ્લા એક વર્ષમાં તેમની સંપત્તિમાં 20 બિલિયન ડોલર એટલે કે લગભગ 1.85 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. આ હિસાબે તેમણે વિતેલા વર્ષમાં સરેરાશ પ્રતિદિન આશરે 274 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

‘ફોર્બ્સ’ની આ યાદીમાં આ વખતે અનેક નવા નામો પણ જોડાયા છે. એડટેક પ્લેટફોર્મ ‘ફિઝિક્સવાલા’ના સ્થાપક અલખ પાંડે અને પ્રતીક બૂંબ પ્રથમ વખત બિલિયોનેર્સની યાદીમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે. કંપનીના આઈપીઓ પછી તેમની સંપત્તિમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ, જેનાથી તેઓ આ પ્રતિષ્ઠિત ક્લબમાં સામેલ થયા.
‘ફોર્બ્સ’ના લિસ્ટ પ્રમાણે, ઓ.પી. જિંદાલ ગ્રૂપના ચેરપર્સન સાવિત્રી જિંદાલ ભારતની સૌથી અમીર મહિલા તરીકે યથાવત છે અને તેઓ દેશના બિલિયોનેર્સની યાદીમાં ત્રીજા સ્થાને છે. આ વર્ષની યાદીમાં કુલ 20 ભારતીય મહિલા બિલિયોનેર સામેલ છે, જે દેશમાં મહિલાઓની વધતી આર્થિક ભાગીદારી દર્શાવે છે.
બેન્કિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ ઉદય કોટકે પણ આ વર્ષે ટોપ-10 બિલિયોનેરમાં સ્થાન બનાવ્યું છે. કોટક મહિન્દ્રા બેન્કના સ્થાપક ઉદય કોટકને તાજેતરમાં દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ ભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા. તેમની એન્ટ્રી બાદ રિયલ એસ્ટેટ ક્ષેત્રના ઉદ્યોગપતિ કુશલ પાલ સિંહનું રેન્કિંગ ઘટીને 12મા સ્થાને પહોંચી ગયું છે.

રેન્ક નામ નેટવર્થ
1. મુકેશ અંબાણી 99.7 બિલિયન ડોલર
2. ગૌતમ અદાણી 63.8 બિલિયન ડોલર
3. સાવિત્રી જિંદાલ 39.1 બિલિયન ડોલર
4. લક્ષ્મી મિત્તલ 31.0 બિલિયન ડોલર
5. શિવ નાદર 30.9 બિલિયન ડોલર


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter