મધ્ય પ્રદેશમાં મુસ્લિમ મહિલા જેલ અધિકારીએ જન્મટીપ ભોગવી ચૂકેલા કેદી સાથે લગ્ન કર્યા!

Saturday 16th May 2026 05:05 EDT
 
 

ભોપાલઃ કહેવાય છે કે પ્રેમ ના જુએ નાત-જાત, પ્રેમ ના જુએ ઊંચ-નીચ કે ના જુએ ગરીબ-તવંગર. ધર્મ, જ્ઞાતિ કે અમીરી-ગરીબીની ભેદરેખાને પાર કરનારા યુવક-યુવતીએ લગ્ન કરી સુખેથી જીવન પસાર કર્યું હોવાના સમાજમાં અનેક દાખલા છે, પરંતુ તમે ક્યારે એવું સાંભળ્યું છે કે એક મહિલા જેલ ઓફિસરે તેની જ જેલમાં રહી ચૂકેલા એક કેદી સાથે લગ્ન કર્યા હોય? કદાચ નહીં સાંભળ્યું હોય કેમ કે આવી ઘટના જવલ્લે જ બનતી હોય છે.
મધ્ય પ્રદેશના સતનામાં જેલના સળિયા પાછળ શરૂ થયેલી એક નાની સરખી મુલાકાત છેક લગ્નમંડપના સાત ફેરા સુધી પહોંચી છે. સતના સેન્ટ્રલ જેલના આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ ફિરોજા ખાતુને હત્યાકેસમાં આજીવન જેલની સજા કાપી ચૂકેલા ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે અભિલાષ સાથે હિંદુ રીત-રિવાજ અને વૈદિક વિધિથી લગ્ન કરી લીધા છે. લગ્નની વિશેષ બાબત એ હતી કે ફિરોજા ખાતુન મુસ્લિમ હતી અને અભિલાષ હિંદુ હોવાથી ફિરોજાના પરિવારજનોને આ લગ્ન મંજૂર ન હોવાથી તેઓ પુત્રીને આશીર્વાદ આપવા પણ હાજર રહ્યા નહોતા. આ સમયે વિશ્વ હિંદુ પરિષદના જિલ્લા ઉપ-પ્રમુખ રાજબહાદૂર મિશ્રા અને તેમની પત્નીએ ફિરોજાના માતા-પિતાની ભૂમિકા ભજવીને કન્યાદાન કર્યું હતું. ફિરોજા ખાતુન સતના જેલમાં વોરંટ શાખામાં કામ કરતાં હતાં તે સમયે ધર્મેન્દ્રસિંહ તેને તેમના કામમાં મદદ કરતો હતો. આ રીતે તેઓ વચ્ચે રોજ રોજ વાતો થતી હતી, તેમાંથી મિત્રતા થઈ અને ત્યારબાદ તેઓ ક્યારે એકબીજાને દીલ દઈ બેઠા તેનું ધ્યાન પણ ના રહ્યું, કેમ કે પ્રેમ કરાતો નથી, થઈ જાય છે.
જેલમુક્તિ પછી પણ સંબંધ અતૂટ રહ્યો
ધર્મેન્દ્રને તેના સારા વહેવાર-વર્તુણૂંકના કારણે ચાર વર્ષ પહેલાં જ જેલમાંથી છોડી મૂકાયો હતો. જોકે જેલની બહાર આવ્યા બાદ પણ તેમનો સંબંધ અતૂટ રહ્યો હતો. ફોન ઉપર કલાકો સુધી થતી વાતો અને અવારનવારની મુલાકાતોના પગલે તેઓનો સંબંધ મજબૂત બની ગયો. છેવટે બંને જણે સમાજ અને ધર્મની દિવાલો ઓળંગીને લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો અને પાંચમી મેના રોજ ધર્મેન્દ્ર અને ફિરોજા લગ્નબંધને બંધાઇ ગયા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter