મહામારીના આ દિવસોમાં લિવિંગ રૂમમાં ઉછરી રહ્યાં છે ઓક્સિજન પ્લાન્ટસ

Monday 26th July 2021 12:26 EDT
 
 

જોધપુરઃ ભારત હોય કે બ્રિટન કે પછી વિશ્વનો અન્ય કોઇ પણ દેશ, કોરોનાના કારણે આપણી દિનચર્યા અને ઘરના ઇન્ટિરિયરમાં ઘણો બધો બદલાવ આવી રહયો છે. વૃક્ષો અને છોડના જતન-સંવર્ધન પરત્વે લોકોમાં જાગૃતિ આવી રહી છે. પોતાના ઘરોમાં લિવિંગ રૂમમાં અને બેડરૂમમાં ઓક્સિજનની કમી પૂરી કરતા છોડ રાખવાનો ક્રેઝ વધ્યો છે.
કેટલાય એવા ઇન્ડોર પ્લાન્ટસ છે કે જે ડ્રોઇંગ રૂમ અને બેડરૂમમાં રાખવાનું ચલણ વધ્યું છે. આ છોડની ખાસિયત એ હોય છે કે સુંદર દેખાવાની સાથે તે કાર્બન ડાયોકસાઇડ અને અન્ય ઝેરીલા ગેસ ગ્રહણ કરીને વાતાવરણમાં ઓક્સિજન ફેલાવે છે.
અરલીયા નામનો ઇન્ડોર પ્લાન્ટ એક રીતે ઔષધીય ગુણ ધરાવે છે. દેખાવમાં ખુબસુરત છે. આ છોડને બેડરૂમમાં રાખી શકાય છે. તેના પાંદડાને સ્પર્શ કરવા માત્રથી આપણો સ્ટ્રેસ ઘટે છે. છોડના જાળવણી પાછળ કોઇ વિશેષ ધ્યાન આપવાની જરૂર રહેતી નથી.
આયુર્વેદનું મહત્વ ધરાવતો સ્પાઇડર નામનો છોડ આફ્રિકી મૂળનો છે. તેનું વૈજ્ઞાનિક નામ કલોરોફાઇટમ કોમોસમ છે. આ પ્લાન્ટ ઘરમાં ફેલાતી ઝેરીલી ગેસને શોષી લેવાનું કામ કરે છે. આયુર્વેદમાં પણ તેનું વિશેષ મહત્વ છે. આના મૂળમાંથી જ સફેદ મુસળી બનાવવામાં આવે છે.
પીસ લીલી નામનો પ્લાન્ટ વાતાવરણ ચોખ્ખુ કરવાનું કામ કરે છે. આ છોડમાં ઘાટા લીલા રંગ ઉપરાંત સફેદ પાંદડા ધરાવે છે આથી તેને પીસ લીલી કહેવાય છે. ઘરના વાતાવરણમાં ટોક્સિન, કાર્બન ડાયોકસાઇડ, બેજીન જેવા ઝેરીલા તત્વોને શોધી કાઢી વાતાવરણ શુદ્ધ કરવાનું કામ આ છોડ કરે છે.
તો વળી, સંસેવિયા ટ્રીફસીયાટા નામનો આ છોડ જીભની જેમ લાંબો છે. આ પ્લાન્ટ ર૪ કલાક ઓક્સિજન આપવાનું કામ કરે છે. આ છોડની વિશેષતા એ છે કે દિવસ ઢળી ગયા પછી પણ તે ઓક્સિજન છોડવાનું કામ કરે છે. કાર્બન ડાયોકસાઇડને ગ્રહણ કરતો આ છોડ ઓછા પાણી અને ઓછા સુર્યપ્રકાશમાં પણ હર્યોભર્યો રહે છે.
વનસ્પતિશાસ્ત્રના નિષ્ણાત કહે છે કે એક વ્યકિતને આખી જિંદગી માટે ૮ વૃક્ષોની જરૂર પડે છે. ઘરમાં ફુલઝાડ રાખવાથી પણ મનોવૈજ્ઞાનિક પ્રભાવ પડે છે. તુલસી, ગળો, અશ્વગંધા જેવા છોડ પણ ઘરની અંદર રાખી શકાય છે. એક જ પ્રકારના ઇન્ડોર પ્લાન્ટસની બબ્બે જોડી રાખવાથી તેમને એક પછી એક સુર્ય પ્રકાશમાં અને ખુલ્લા વાતાવરણમાં રાખી શકાય છે. આ વખતે જુદા જુદા પ્લાન્ટસની ઘણી ડિમાન્ડ નીકળી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter