જિન્દ (હરિયાણા)ઃ ભારતે રેલવે સેક્ટરમાં ઇતિહાસ રચ્યો છે, હરિયાણાના જિન્દથી દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની સફળતાપૂર્વક ટ્રાયલ કરાઇ છે. લલીત ખેરા સુધી દોડેલી આ ટ્રેનમાં આઠ કોચ હતા અને તેની ઝડપ 70થી 80 કિમી હતી. આશરે 20 કિમી સુધી આ ટ્રેનને દોડાવીને તેની ટ્રાયલ કરાઇ હતી, અને આગામી દિવસોમાં પણ આ જ પ્રકારના પરીક્ષણ કરાશે.
હરિયાણાના જિન્દમાં હાઇડ્રોજન પ્લાન્ટ સ્થાપિત કરાયો છે, જેના પગલે આ વિસ્તારથી હાઇડ્રોજન ટ્રેન પ્રોજેક્ટની શરૂઆત કરાઇ છે જે આગામી દિવસોમાં હાઇડ્રોજન ટ્રેનો માટે દેશનું મુખ્ય કેન્દ્ર સ્થાન બની રહેશે. હાઇડ્રોજન ટ્રેનની અનેક ખાસિયતો છે જેમ કે ટ્રેન બહુ ઘોંઘાટ નથી કરતી, આ ટ્રેનને ભારતમાં જ ડિઝાઇન કરાઇ છે. અને તેમાં એક એન્જિન આગળ અને એક પાછળ લગાવાયું છે.
હાલ ભારતમાં ડીઝલ એન્જિનથી ચાલતી ટ્રેનો સક્રિય છે, જેમાં ગ્રીનહાઉસ ગેસ એમિશન (સીઓ-૨ અને એનઓએક્સ) અને ફોસિલ ફ્યૂલ (હાઇ સ્પીડ ડીઝલ) યોગ્ય રીતે બળી નથી શકતા જેના કારણે ખૂબ પ્રદૂષણ ફેલાય છે. જ્યારે ઇલેક્ટ્રિક ટ્રેનો ડીઝલથી ચાલતી આ ટ્રેનોનો એક વિકલ્પ જરૂર છે પરંતુ તેને ચલાવવા પાછળ ખર્ચ બહુ થાય છે. ઓવરહેડ લાઇનોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જંગી ખર્ચ થાય છે. તેની સરખામણીમાં હાઇડ્રોજનથી ચાલનારી ટ્રેનો મોંઘા ઇલેક્ટ્રિફાઇડ ટ્રેક વગર દોડી શકે છે.
કઇ રીતે દોડે છે આ ટ્રેન?
અન્ય ટ્રેનની સરખામણીએ હાઇડ્રોજન ટ્રેન અલગ છે, કેમ કે આ ટ્રેનમાં મોડિફાઇડ કમ્બશન એન્જિનનો ઉપયોગ કરીને ઉર્જા આપવાની તાકાત હોય છે, પ્રદૂષણને ઓછુ કરવા માટે કમ્બશન એટલે કે દહનની પ્રક્રિયામાં ફેરફાર કરાયા છે. જેમાં સામાન્ય રીતે હાઇડ્રોજન ફ્યૂલ સેલનો ઉપયોગ થાય છે. આ સેલ બે હિસ્સા વચ્ચે કેમિકલ રિએક્શનથી વીજળી પેદા કરે છે, જેમાં એક નેગેટિવ એનોડ અને એક પોઝિટિવ કેથોડ હોય છે. ફ્યૂલ સેલમાં હાઇડ્રોજન ઓક્સીજન સાથે મળીને ઇલેક્ટ્રિકલ એનર્જી બનાવે છે, હાઇડ્રોજનને સમુદ્રી પાણીમાંથી મેળવી શકાય. ફ્યૂલ સેલ હાઇડ્રોજનથી કેમિકલ એનર્જીને વીજળીમાં ફેરવી નાખે છે.
એક હાઇડ્રોજન ટ્રેન પાછળ કેટલો ખર્ચ થાય ?
એક માહિતી મુજબ હાઇડ્રોજનથી ચાલનારી એક ટ્રેન પાછળ આશરે 80 કરોડ રૂપિયાનો ખર્ચ થઇ શકે છે. જ્યારે એક રૂટ પર તેના માટે ગ્રાઉન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા આશરે 60 કરોડ રૂપિયાનો ખર્ચો થાય છે. હાલમાં એક પાયલટ પ્રોજેક્ટ લોન્ચ કરાયો છે, પ્રથમ ટ્રેન હરિયાણામાં જિન્દથી સોનીપત સુધી ચાલશે. આ રૂટ પર 90 કિમીનું અંતર કાપવામાં અન્ય સામાન્ય ટ્રેનો બે કલાકનો સમય લે છે જ્યારે હાઇડ્રોજન ટ્રેન વધુ ઝડપે દોડશે તેથી મુસાફરોનો સમય બચી શકશે. સાથે જ ભાડું પણ ઓછું રહેવાની શક્યતા છે કેમ કે હાલ જે ટ્રેનો ચાલી રહી છે તેને ચલાવવા પાછળ જે ખર્ચ થાય છે તેની સરખામણીમાં હાઇડ્રોજન ટ્રેન ચલાવવાનો ખર્ચ ઓછો આવશે તો મુસાફરો પર બોજ નહીં આપે.
ઇકોફ્રેન્ડલી ટ્રેન મનાય છે
હાઇડ્રોજન સાથે ઓક્સીજનનું રિએક્શન કરવા માટે ફ્યૂલ સેલનો ઉપયોગ કરીને આ ટ્રેન બાયપ્રોડક્ટ તરીકે માત્ર પાણીની વરાળ અને ગર્મી જ પેદા કરે છે, જેના કારણે ધ્વનિ પ્રદૂષણ બહુ જ ઓછું થઇ જાય છે, હાઇડ્રોજન ટ્રેનો સોલાર કે વાયુ જેવા રિન્યુએબલ સોર્સથી મળતા ગ્રીન હાઇડ્રોજનથી ચાલે છે, જેને કારણે આ અસલી સસ્ટેનેબિલિટી પ્રાપ્ત કરી શકે છે. એટલે કે પર્યાવરણ પર ઓછામાં ઓછી અસર થાય તે રીતે લાંબા સમય સુધી આ ટ્રેનનો ઉપયોગ કરવો શક્ય છે.


