મેઘાલયમાં ઈટલી, આર્જેન્ટિના, સ્વિડન પણ મતદાન કરશે!

Wednesday 14th February 2018 06:04 EST
 
 

મેઘાલયઃ ભારતમાં ચૂંટણીઓનું આયોજન કરતા કેન્દ્રીય ચૂંટણી પંચ (સીઇસી)ના નિયમ અનુસાર દેશમાં યોજાતી ચૂંટણીઓમાં માત્ર ભારતીય નાગરિક જ મતદાન કરી શકે છે. પરંતુ આ જ ભારતના ઉત્તર-પૂર્વમાં આવેલા મેઘાલય રાજયમાં આવતા પખવાડિયે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ઇટલી, આર્જેન્ટિના અને સ્વીડન પણ મતદાન કરવાના છે! વાત ભલે માન્યામાં આવે તેવી ન હોય, પણ હકીકત છે. તો શું આ દેશો ખોબા જેવડા મેઘાલયમાં મતદાન કરવાના વિશેષાધિકાર ધરાવે છે? જી ના... વાત એમ છે કે મેઘાલયના એલાકા નામના ગામના લોકોને જાતભાતના અંગ્રેજી નામ રાખવાનું ઘેલું છે, પરિણામે ગામમાં આવા નોખા-અનોખા નામ ધરાવતા અનેક મતદારો જોવા મળે છે.
મેઘાલયના એલાકા નામના આ ગામના પ્રજાજનોમાં વિવિધ પ્રકારના અંગ્રેજી નામ રાખવાનું વળગણ એ હદે જોવા મળે છે કે ત્યાં સંતાનોને વિવિધ દેશ-પ્રદેશ તેમજ વસ્તુઓના અંગ્રેજી નામો આપવાની જાણે પ્રથા પડી ગઇ છે. આથી જ મેઘાલયની વિધાનસભા ચૂંટણીઓમાં ઈટલી, આર્જેન્ટિના અને સ્વીડન પણ ‘મતદાન’ કરતા જોવા મળશે. મેઘાલયમાં વસતા ઘણાં મતદારો આ પ્રકારના નામ ધરાવે છે. મેઘાલયમાં ૨૭મી ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણીઓ માટે મતદાન થવાનું છે.
પૂર્વ ખાસી જિલ્લાની શેલા વિધાનસભા બેઠકના એલાકા ગામના મોટા ભાગના રહેવાસીઓના નામ વિચિત્ર અને આશ્ચર્યજનક છે. આ ગામની મતદારયાદી આવા નામોથી ભરચક છે. આ ગામના સરપંચનું નામ પણ પ્રીમિયર સિંઘ છે. પ્રીમિયર સિંઘનું કહેવું છે કે ગામના ૫૦ ટકા લોકોને અમુક અંગ્રેજી નામોનો અર્થ પણ ખબર નથી છતાં પણ અંગ્રેજી નામોનું તેમને ખૂબ જ વળગણ છે. અમુક અંગ્રેજી નામો સાંભળવામાં અને બોલવામાં આકર્ષક હોવાના કારણે તેઓ આ નામો અપનાવે છે. આથી જ ગામમાં આર્જેન્ટિના, ઇટલી, સ્વીડન નામના મતદારો તો છે જ પરંતુ જેરુસલેમ, સન્ડે, મન્ડે, ત્રિપુરા, ગોવા પણ જોવા મળે છે. ખાસી સમુદાયના ઘણા ગામોમાં આવા નામનો ટ્રેન્ડ છે.
ઓફિસમાં જોવા મળતી ટેબલ, પેપરવેઈટ અને ગ્લોબ જેવી અનેકવિધ વસ્તુઓ પરથી પણ અહીં લોકોના નામ રાખવામાં આવે છે. તો અરેબિયન સી, પેસિફિક અને કોન્ટિનેન્ટ નામની વ્યક્તિઓ પણ ગામમાં જોવા મળે છે.
સૌથી રમૂજી વાત તો એ છે કે સ્વિટર નામની મહિલાએ તેની પુત્રીનું નામ ‘આઇ હેવ બિન ડિલિવર્ડ’ રાખ્યું છે. સરપંચ પ્રીમિયર સિંઘનું કહેવું છે કે મોટા ભાગના માતા-પિતા એટલા શિક્ષિત નથી હોતા કે નામોનો અર્થ સમજી શકે, પરંતુ તેમને અંગ્રેજીનો એટલો બધો મોહ છે કે તેઓ ઝાઝું વિચાર્યા વગર જ સંતાનનું નામકરણ કરી નાખે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter