મોઢેરાનું સૂર્યમંદિર અને વડનગર યુનેસ્કોની હેરિટેજ સાઇટના લિસ્ટમાં

Tuesday 03rd January 2023 08:32 EST
 
 

નવી દિલ્હીઃ ગુજરાતની ઐતિહાસિક ધરોહરને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન મળ્યું છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ્સના કામચલાઉ લિસ્ટમાં મોઢેરાના સૂર્યમંદિર અને વડનગરનો સમાવેશ થયો છે. ત્રિપુરાના ઉનાકોટી શિલ્પોને પણ યાદીમાં સામેલ કરાયા છે. કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી જી. કિશન રેડ્ડીએ ટિ્વટ કરીને માહિતી આપતાં આ ત્રણ સાઇટ્સની તસવીરો પણ દર્શાવી હતી. તેમણે ટિ્વટ કર્યું હતું કે, ‘ભારતને અભિનંદન... યુનેસ્કોની કામચલાઉ યાદીમાં ભારતની વધુ 3 સાઇટ્સનો સમાવેશ: વડનગર – ઐતિહાસિક નગર, મોઢેરાનું સૂર્યમંદિર અને સંલગ્ન સ્મારકો, ઉનાકોટીના શિલ્પો.’ વડનગર મહેસાણા જિલ્લાનું પ્રાચીન શહેર છે. તે ભવ્ય વારસો ધરાવે છે. આ ઉપરાંત તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહનગર પણ છે. પુરાતત્વ વિભાગે પણ કેન્દ્રીય મંત્રીની ટિ્વટ શેર કરીને જણાવ્યું હતું કે, આ પગલાથી ભારતની સાંસ્કૃતિક ધરોહરને પ્રોત્સાહન મળશે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, યાદીમાં ભારતની આ ત્રણ સાઇટ્સના સમાવેશ માટે નામ લગભગ 15 દિવસ પહેલાં મોકલાયા હતા. તેમણે જણાવ્યું હતું કે, ‘યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ માટે નામ મોકલાયા હતા અને ત્રણેય નામનો સમાવેશ કરાયો છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં સમાવેશ માટે દર વર્ષે કામચલાઉ યાદીમાંથી નામ મોકલાય છે. સાઇટની પસંદગી કેન્દ્ર સરકાર દ્વારા કરાય છે.’

મોઢેરાનું સૂર્યમંદિરઃ સ્થાપત્ય કલાનો ઉત્કૃષ્ટ નમૂનો
મોઢેરાનું સૂર્ય મંદિર સૂર્ય ભગવાનને સમર્પિત છે. ભારતનું મંદિર સ્થાપત્ય કલાનો તે ઉત્કૃષ્ટ નમૂનો છે. તે માત્ર સ્થાપત્ય કલા જ નહીં, ટેક્નોલોજી અંગેની સિદ્ધિઓથી પણ પ્રભાવિત કરે છે. મંદિર શિલ્પોથી સુશોભિત છે, જે તે કલાત્મક ઉત્કૃષ્ટતાનું ઉદાહરણ પૂરું પાડે છે. મંદિર 11મી સદીમાં પશ્ચિમ ભારત ખાતે સોલંકી વંશની મરુ-ગુર્જર સ્થાપત્ય શૈલીનું ઉત્તમ દ્રષ્ટાંત છે. ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન મોદીએ ઓક્ટોબરમાં મોઢેરાના સૂર્યમંદિરની મુલાકાત લીધી હતી. આ સમયે તેમણે હેરિટેજ લાઇટિંગનું પણ ઉદઘાટન કર્યું હતું. આ સાથે મોઢેરાનું સૂર્યમંદિર માત્ર સૂર્ય ઊર્જાથી ચાલતી ભારતની પહેલી હેરિટેજ સાઇટ બની હતી.

ઉનાકોટીઃ ભગવાન શિવના શિલ્પોની હારમાળા
ત્રીજી સાઇટ ઉનાકોટી ‘ઉત્તર-પૂર્વનું અંગકોર વાટ’ ત્રિપુરાના ઉત્તર ભાગમાં છે. તે ભગવાન શિવના શિલ્પોની હારમાળા ધરાવે છે. અગરતલાથી લગભગ 180 કિમી દૂર રઘુનંદન પર્વતમાળામાં આવેલું ઉનાકોટી 8-9મી સદીના વિરાટ શિલ્પોથી સમૃદ્ધ છે. આ શિલ્પો મોટા પર્વતમાંથી કંડારાયા છે.
યુનેસ્કોની વેબસાઇટ પ્રમાણે વર્લ્ડ હેરિટેજ સાઇટની કામચલાઉ યાદીમાં બાવન સાઇટ સામેલ છે. જેમાં પશ્ચિમ બંગાળના બિશ્નુપુર મંદિરો (1998), કેરળનો મત્તન્ચેરી મહેલ (1998), કચ્છના નાના રણમાં ઘુડખર અભયારણ્ય (2006) સામેલ છે. ચાલુ વર્ષે કામચલાઉ યાદીમાં કુલ છ ભારતીય સાઇટ્સનો ઉમેરો કરાયો છે.
ભારતની કુલ 40 સાઇટ્સ ‘યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ’નું બહુમાન ધરાવે છે. તેમાં 32 સાંસ્કૃતિક સાઇટ્સ સામેલ છે. જેમાં આગરાનો કિલ્લો, તાજમહાલ, હડપ્પન સંસ્કૃતિની સાઇટ ધોળાવીરા, એલિફંટાની ગુફાઓ, દિલ્હીનો લાલ કિલ્લો અને બિહારના બોધગયામાં આવેલા મહાબોધી મંદિર સંકુલનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter