ભિલાઇ: છત્તીસગઢના રાજનાંદગાવ જિલ્લાનું મરકાકસા ગામ છે તો સાવ નાનકડું, પણ મિત્રતાના સંબંધો માટે પ્રખ્યાત છે. આપણે જેવી રીતે નામકરણ, લગ્ન સહિત ૧૬ સંસ્કાર વિધિ-વિધાનથી નિભાવીએ છીએ એવી જ રીતે આ ગામ મિત્રતાને સંસ્કારની જેમ નિભાવે છે. એટલું જ નહીં, આ માટે વિશેષ પર્વ કે પ્રસંગને પસંદ કરવામાં આવે છે. અને એક વખત મિત્ર બન્યા પછી લોકો પેઢી - દર પેઢી મિત્રતા નિભાવે છે.
ગામના સરપંચ ઈશ્વરી ઠાકુર કહે છે કે ૧૯૦ ઘરના આ ગામમાં દરેક ઘરમાં ‘મિતાન’ એટલે ‘મિત્ર’ છે. અહીં મિત્રતા પેઢી - દર પેઢી નિભાવાય છે. આજુબાજુનાં ગામડાંઓમાં પણ આ જ પરંપરા છે. અનેક લોકોના મિત્ર મહારાષ્ટ્રના ગામમાં પણ છે. ખાસ વાત એ છે કે તમે એક વખત કોઈને મિતાન બનાવી લો એટલે તેનું નામ લઈ શકો નહીં.
મિત્રનું નામ ન ઉચ્ચારે!
જો તમે મિત્રનું નામ ઉચ્ચારો તો પંચાયતમાં નારિયેળ અને પૈસાનો દંડ આપવાનો હોય છે. જરૂર પડે તો લોકો મિતાનનું નામ લખીને જ બતાવે છે, પણ પોતાના મોઢે તો બોલતાં જ નથી. તો આ લોકો બોલચાલમાં મિત્રનો ઉલ્લેખ કઇ રીતે કરે છે? તેઓ મિત્રને મહાપ્રસાદ, ગંગાજલ, તુલસીજલ કે ફૂલ-ફૂલવારી કહીને સંબોધે છે.
સુખ-દુઃખના સાથી
૯૦ વર્ષના ભૂષણ કહે છે કે, મહારાષ્ટ્રના ચિલ્હાટી ગામમાં મારા મહાપ્રસાદ (અગનુ) છે. હું ૭ વર્ષનો હતો ત્યારે કબડ્ડી રમવા ગામે-ગામ જતો હતો. ત્યાં તેમને મળ્યો હતો. દરેક સુખ-દુ:ખમાં અમે સાથે ઊભા રહ્યા છીએ.
તેઓ કહે છે કે, મહિલા અને પુરુષ બંને મિતાન બનાવી શકે, પરંતુ પુરુષનો મિત્ર પુરુષ અને મહિલાની મહિલા જ હોય છે. આ સંબંધ પરિવારો વચ્ચે જોડાઈ જાય છે. રાજકુમારે કહ્યું કે, તે અને કોડીકસા ગામનો શત્રુઘ્ન રોજી-રોટી માટે આંધ્ર પ્રદેશ ગયા હતા. શત્રુઘ્ન પડછાયાની જેમ તેની સાથે રહ્યો છે. રાધેલાલે કહ્યું કે, તેને બળદગાડાં હરિફાઈનો શોખ હતો. આ દરમિયાન મહારાષ્ટ્રના એક હરીફ સાથે દોસ્તી થઈ અને આજે ૪૦ વર્ષથી મિતાન છીએ.
સ્વજનો મિતાન બની શકે નહીં
દોસ્તીનો સંબંધ પેઢી - દર પેઢી ચલાવવા માટે વડીલો પોતાનાં બાળકોનાં મિતાન નક્કી કરી દે છે. જેને એરેન્જ ફ્રેન્ડશિપ કહી શકાય. ગામની રાંજીએ કહ્યું કે, ૧૩ વર્ષની વયે ઘરવાળાના કહેવાથી તેણે મહારાષ્ટ્રના મોહગાંવમાં મહાપ્રસાદ બનાવી હતી. સંબંધીઓ એક-બીજાના ફૂલ-ફૂલવારી બની શકે નહીં. મોટા ભાગના લોકો જાતિ, ધર્મ-ગામથી બહાર જ ફૂલ-ફૂલવારી બનાવે છે.
ગણેશજી-ગૌરી સામે દોસ્તીની વિધિ
મિતાન બનાવવાની વિધી સાદગીપૂર્ણ, પરંતુ પરંપરાગત છે. કેટલાક લોકો ગામના બેગા (ધાર્મિક ક્રિયા કરાવનાર) કે નાઈને વિધિ કરવા બોલાવે છે. દેવી ગૌરી અને તેમના પુત્ર ગણેશ સામે પાંચ મિનિટની વિધિ હોય છે. વિધિમાં મિત્રો સામ-સામે લાકડાના પાટલા પર બેસે છે. સિંદૂર, નારિયેળ, પૈસા-અનાજનું લેણ-દેણ થાય છે. એક-બીજાના માથા પર સિંદૂર લગાવે છે, પાન ખવડાવે છે. મિત્રના પિતાને ફૂલ બાબુ, માતાને ફૂલ દાઈ બોલાવાય છે.