લૂડોની રમત હારી જતાં પુત્રીએ પિતા સામે કેસ ઠોકી દીધો

Friday 02nd October 2020 07:26 EDT
 
 

ભોપાલઃ લૂડોની રમતમાં પિતા સામે હારી ગયેલી પુત્રી એટલી તો ગુસ્સે ભરાઇ હતી કે એણે પિતા સામે કોર્ટમાં છેતરપિંડીનો કેસ ઠોકી દીધો છે. વાત ભલે માન્યામાં ન આવે તેવી લાગતી હોય, પરંતુ મધ્ય પ્રદેશમાં બનેલી આ હકીકત છે. ભોપાલની ફેમિલી કોર્ટમાં કાઉન્સેલર ફરજ બજાવતા સરિતા રાજાણી પાસે ૨૪ વર્ષની યુવતીએ જઇને કહ્યું હતું કે તેના પિતાએ લૂડોમાં જીત મેળવવા છેતરપિંડી કરી હતી અને મને જીતવાની તક આપી નહોતી. પિતાએ કેટલીક ગોટીઓ ગેમમાંથી ઉઠાવી લીધી હતી.
પુત્રીએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે પિતાના આ વ્યવહારથી હવે તેના મનમાં પિતા પ્રત્યેનું આદર - સન્માન ઘટી ગયા છે. એટલું જ નહીં, આ વ્યવહાર પછી હવે તો એ પિતા સાથેનો સંબંધ કાપી નાંખવા મક્કમ બની છે.
પુત્રીની પાછળ પાછળ જ ફેમિલી કોર્ટમાં કાઉન્સેલર પાસે દોડી ગયેલા લાચાર પિતાએ પુત્રીને સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મને ખબર જ નહોતી કે મારી દીકરી હારને આટલી બધી ગંભીરતાથી લેશે. અને રમતથી શરૂ થયેલી વાત આટલી હદે વણસી જશે.
જોકે સાથોસાથ તેમણે એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે પત્નીના અવસાન પછી તેઓ પુત્રીને પિતા અને માતાનો પ્રેમ આપી શક્યા નથી.
ચાર - ચાર વખત કાઉન્સેલીંગ બાદ પુત્રી માંડ માંડ પિતા સાથે સંબંધ રાખવા તૈયાર થઇ હતી. પુત્રીએ કહ્યું હતું કે મારી નાની-મોટી દરેક માગ અને સુવિધાની સંભાળ લેનાર પિતાએ મને ઇરાદાપૂર્વક રમતમાં હરાવી હતી. જોકે પિતાએ કહ્યું હતું કે લોકડાઉનમાં પુત્રી તેની મિત્રોને મળી શકતા ના થોડી પરેશાન જણાતી હતી. આમ એકાંત અને પિતાના વાત્સલ્યની ઉણપના કારણે પુત્રી હતાશ બની ગઇ હતી.
પિતાએ કહ્યું હતું કે લૂડોની રમતથી લોકોએ પોતાના સંતાનોને દૂર રાખવા જોઇએ. કાઉન્સેલરે પિતાને કહ્યું હતું કે તમે બાળકોને સહનશીલ અને હારને પચાવતા શીખવાડો, લોકોને અને મિત્રોને માફ કરતા શીખવાડો. સંતાન માટે સમય ફાળવશો તો તેઓ એકાંત મહેસુસ નહીં કરે અને આનંદિત રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter