વર્ષમાં ૩૦૦ દિવસ ઉંઘે છે આજના જમાનાનો ‘કુંભકર્ણ’

Saturday 24th July 2021 04:50 EDT
 
 

નાગૌર (રાજસ્‍થાન): પશ્ચિમી રાજસ્‍થાનના નાગૌર જિલ્લામાં એક એવો વ્‍યક્‍તિ છે જે વર્ષમાં ૩૦૦ દિવસ ઊંઘે છે. તે નહાવાનું અને ખાવાનું પણ ઊંઘમાં જ કરે છે. તમને વાત સાંભળીને અજીબ લાગતી હશે પણ આ હકીકત છે.
૪૨ વર્ષીય પુરખારામ એક અજીબ બીમારીથી પીડાઈ રહ્યા છે. ડોકટરોના મતે આ એક એક્‍સેસ હાયપરસોમ્‍નિયાનો કેસ છે. આ બીમારી ખૂબ જ ઓછા લોકોમાં જોવા મળે છે. આ એક મનોવૈજ્ઞાનિક બીમારી છે. પુરખારામ એક વાર સૂઈ જાય, ત્‍યારબાદ તે ૨૫ દિવસ સુધી ઊઠતા નથી. આ બીમારીની શરૂઆત ૨૩ વર્ષ પહેલા થઈ હતી. આ બીમારીથી પીડિત પુરખારામને હવે ગ્રામજનો કુંભકર્ણ તરીકે ઓળખાવે છે.
આ કિસ્સો નાગૌર જિલ્લાના પરબતસર ઉપખંડના ભાદવા ગામ સાથે જોડાયેલો છે. પુરખારામને કરિયાણાની દુકાન છે, પણ ઊંઘવાની બીમારીના કારણે તેઓ મહિનામાં માત્ર પાંચ દિવસ દુકાન ખોલી શકે છે. નિષ્‍ણાંતો અનુસાર પુરખારામને એક્‍સેસ હાયપરસોમ્‍નિયા નામની બીમારી છે. પુરખારામના પરિવારજનોના કહેવા પ્રમાણે એક વાર ઊંઘ્‍યા બાદ તે ૨૦-૨૫ દિવસો સુધી ઊઠતા નથી. બીમારીની શરૂઆતમાં તો એકધારું પાંચ-સાત દિવસ સુધી ઊંઘતા હતા, પરંતુ તેમને ઊઠાડવામાં ખૂબ જ મહેનત કરવી પડતી હતી. સમયના વહેવા સાથે તેમનો ઊંઘવાનો સમય પણ લંબાયો છે. આ સમસ્‍યાથી પરેશાન પરિવારજનો પુરખારામને ડોકટર પાસે પણ લઈ ગયા, પરંતુ તેમને બીમારી વિશે ખબર પડી નહીં. ધીરે ધીરે પુરખારામના ઊંઘવાનો સમય વધી ગયો. આ સમસ્‍યામાં વધારો થતાં પુરખારામ ઘણી વખત ૨૫ - ૨૫ દિવસ સુધી ઊંઘ્‍યા કરે છે.
તબીબી નિષ્ણાતો આ બીમારીને ખૂબ જ દુર્લભ ગણાવે છે. આ બીમારીમાં વ્‍યક્‍તિ કલાકોના કલાકો, દિવસોના દિવસો ઊંઘ્‍યા કરે છે. વીતેલા સપ્તાહે પુરખારામને તેમના પત્‍ની લિછમી દેવીએ ખૂબ જ મહેનત કરીને ઊંઘમાંથી ઉઠાડ્‍યા છે. તો પણ તેમણે ૧૨ દિવસની ઊંઘ તો કરી છે. ઊંઘ પૂરી થતાં પુરખારામે દુકાન ખોલી છે. પુરખારામ જણાવે છે કે તેમને બીજી કોઈ સમસ્‍યા નથી, બસ તેમને માત્ર ઊંઘ આવે છે. તેઓ ઊઠવા ઈચ્‍છે છે પરંતુ તેમનું શરીર તેમને સાથ જ આપતું નથી. ગમેતેટલી મહેનત કરે ઊંઘથી આંખ મિચાઇ જ જાય છે.
વર્ષ ૨૦૧૫થી પુરખારામની આ સમસ્‍યામાં વધારો થયો છે. પહેલા તેમને ૧૮-૧૮ કલાક ઊંઘ આવતી હતી, ધીરે ધીરે તેમનો ઊંઘવાનો સમય વધતો ગયો. ક્‍યારેક ક્‍યારેક તેઓ ૨૦-૨૫ દિવસ સુધી ઊંઘ્‍યા કરે છે. પરિવારજનો તો આ બીમારીથી થાક્યા જ છે, પરંતુ પુરખારામ ખુદ આ બીમારીનો ઈલાજ કરાવીને થાકી ગયા છે. તેઓ કહે છે કે હવે બધું જ રામભરોસે છે. પુરખારામે જણાવ્‍યું કે તેઓ ભૂખ્‍યા રહે છે તો તેમને ઊંઘ આવતી નથી.
પુરખારામે જણાવ્‍યું કે તેમને વધુ ઊંઘ આવશે તેવી તેમને પહેલાથી જ ખબર પડી જાય છે, એટલે તેઓ ઝપાટાબંધ અગત્યના કામો આટોપી લે છે. તેમને એક દિવસ પહેલાં માથું દુખવા લાગે છે. ઊંઘ્‍યા બાદ તેઓ ઊઠી શકતા નથી. પરિવારજનો તેમને ઊંઘમાં જ જમાડે છે. પુરખારામની બીમારીનો ઈલાજ થઈ શક્‍યો નથી. તેમના માતા કંવરી દેવી અને પત્‍ની લિછમી દેવીને આશા છે કે બધું જ જલ્‍દી સારું થઈ જશે અને પુરખારામ સામાન્‍ય જીવન જીવવા લાગશે.
આ બીમારી વિશે ફિઝિશિયન ડોકટર બી. આર. જાંગિડ કહે છે કે આ એક હાયપરસોમ્‍નિયાનો કેસ છે. આ બીમારી ખૂબ જ જૂજ લોકોમાં જોવા મળે છે. આ એક મનોવૈજ્ઞાનિક બીમારી છે. જૂનું ટ્‍યૂમર કે માથાની ઈજાને કારણે આ પ્રકારની બીમારી થઈ શકે છે. આવી બીમારી મેડિકલ સાયન્‍સમાં જોવા મળી છે અને તેને મનોવૈજ્ઞાનિક બીમારી જ માનવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter