વિશ્વમાં સૌથી મોંઘી કેરી મિયાઝાકી: એક કિલોના રૂ. 2.70 લાખ

Saturday 09th July 2022 09:22 EDT
 
 

નવી દિલ્હી: ભારતમાં કેરીની મોસમ હવે પૂર્ણતાને આરે છે ત્યારે વિશ્વમાં સૌથી મોંઘી કેરીનું તરીકેનું બહુમાન ધરાવતી મિયાઝાકી પ્રજાતિની કેરીની અચરજ પમાડે તેવી વિગતો બહાર આવી છે. જબલપુરનાં પરિહાર નામના ખેડૂત દ્વારા જાપાનીઝ પ્રજાતિની આ કેરી ઉગાડવામાં આવી છે. અને ટોચના ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ ટ્વિટ કરીને તેની ખાસિયતોથી લોકોને માહિતગાર કર્યા છે. મોંઘામાં મોંઘી આ કેરીની કિંમત સહુ કોઇને આશ્ચર્યચકિત કરી દે તેવી છે. આ કેરી કિલોના રૂ. 2.70 લાખના ભાવે વેચાય છે. રૂબી કલરની આ કેરી તેમજ વાડીની સુરક્ષા માટે ખેડૂત દ્વારા 3 સિક્યોરિટી ગાર્ડ અને 6 કૂતરાનો 24 કલાકનો ચોકીપહેરો ગોઠવવામાં આવ્યો છે. આમ તો આ કેરીનો વિપુલ પાક જાપાનમાં થાય છે અને ભારતમાં તો તે દુર્લભ જ ગણાય છે પણ જબલપુરના ખેડૂતે તેને પકવવાનું સાહસ ખેડયું છે.

કેરીના ગોટલાએ નસીબ આડેથી પાંદડુ હટાવ્યું
પરિહાર પરિવાર ટ્રેનમાં પ્રવાસ કરતો હતો ત્યારે તેને કોઈની પાસેથી કેરીનો ગોટલો મળ્યો હતો. તે વખતે આ ખેડૂત દંપતીને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે આ ગોટલામાંથી મિયાઝાકી નામની રૂબી રંગની કેરીનો પાક થશે અને તેમને નામ અને દામ બન્ને અપાવશે. મિયાઝાકી કેરીને જાપાનમાં એગ્સ ઓફ સનશાઈન તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને તેના આકાર અને રંગને કારણે તેની અલગ ઓળખ બની છે.
જાપાનીઝ શહેર મિયાઝાકી પરથી નામ
કેરી મિયાઝાકીનું નામ જાપાનના એક શહેર પરથી પડયું છે. એક કેરીનું વજન સરેરાશ 350 ગ્રામ હોય છે. તેમાં આપણા સ્વાસ્થ્ય માટે ઉપયોગી એન્ટિ ઓક્સિડન્ટ, બીટા કેરોટીન, ફોલિક એસિડ વિપુલ માત્રામાં હોય છે. એપ્રિલથી ઓગસ્ટ વચ્ચે તેનો મબલક પાક ઉતરે છે. મિયાઝાકી એ ઈરવાઈન પ્રકારની કેરી છે જે પીળા રંગની પેલિકન કેરીથી અલગ પડે છે. મોટા ભાગે સાઉથ ઈસ્ટ એશિયામાં તેનો પાક થાય છે. આખા જાપાનમાં તેનું વેચાણ થાય છે. ઓકિનાવા પછી જાપાનમાં તેનું ઉત્પાદન સૌથી વધારે બીજા ક્રમે છે. મિયાઝાકીનું ઉત્પાદન 70ના દાયકાના અંતમાં અને 80ના દાયકાની શરૂઆતમાં કરાયું હતું. તે હૂંફાળા વાતાવરણમાં થાય છે.
ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાનું ટ્વિટ
આરપીજી ગ્રૂપના ચેરમેન હર્ષ ગોએન્કાએ ટ્વિટ કર્યું હતું કે, કેરીની એક અસાધારણ રૂબી રંગની જાપાનીઝ પ્રજાતિ મિયાઝાકીને વિશ્વની સૌથી મોંઘામાં મોંઘી કેરી તરીકે ઓળખવામાં આવે છે. જે કિલોના રૂ. 2.70 લાખની કિંમતે વેચાય છે. મધ્ય પ્રદેશના જબલપુરમાં એક ખેડૂત પરિહાર દ્વારા કેરીના બે આંબાની સુરક્ષા માટે 3 સુરક્ષા ગાર્ડ અને 6 કૂતરાની વ્યવસ્થા કરવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter