શિલ્પકારની દિલદાર ગાંધીગીરીઃ રૂ. ૬૦ કરોડની મિલકત ભેટ આપી

Wednesday 17th October 2018 07:15 EDT
 
 

અમદાવાદઃ ગાંધીજીના ટ્રસ્ટીશિપના સિદ્ધાંત સાથે જીવનારા પદ્મશ્રી શિલ્પકાર કાંતિભાઈ બી. પટેલે પોતાની અંદાજે ૬૦ કરોડ રૂપિયાની મિલકત - જમીન તેમજ ચીકુવાડી દિલ્હીસ્થિત લલિતકલા અકાદમીને ભેટ ધરી દીધી છે. આ ભેટનો વિધિવત્ સ્વીકાર કરવા દિલ્હીથી અકાદમીનું એક પ્રતિનિધિ મંડળ આવ્યું હતું.
૧૯૬૭ના અરસામાં અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આવીને વસેલાં, ગાંધીવિચારને વરેલાં કલાકાર-શિલ્પી કાંતિભાઈ બી. પટેલે પોતાની અંગત કમાણીમાંથી ખરીદેલી જમીન અને એની ઉપર સાકાર કરેલા એશિયાના સૌથી વિશિષ્ટ એવા ફાઉન્ડ્રી સાથેના સ્ટુડિયો - ‘શિલ્પ-ભવન’નું નિર્માણ કર્યું. બે-અઢી દાયકા પહેલાં, પોતાના વસિયતનામામાં એમણે કુલ ૯૨૭૦ ચોરસ વારમાં ફેલાયેલી આ સમગ્ર મિલકત, જમીન, તેના ઉપરનો સ્ટુડિયો તેમજ વલસાડી ચીકુ પકવતી આખી વાડી કે જેની કિંમત આજે તો કરોડો રૂપિયામાં થવા જાય છે તે બધું જ અકાદમીને ભેટ આપવાની જાહેરાત કરી હતી. આ મિલકત વેચાણ આપવાની નહિ હોવાથી તેનું વેલ્યૂએશન તો તેમણે કરાવ્યું નથી, પણ એક અંદાજ મુજબ આ મિલકતની કિંમત અંદાજે ૬૦ કરોડ રૂપિયા જેટલી થાય છે.
કાંતિભાઈએ ગાંધીજીના ટ્રસ્ટીશિપના સિદ્ધાંત મુજબ આગામી પેઢીના કલાકારો માટે લલિતકલા અકાદમી-દિલ્હીને ભેટ ધરી છે. આગામી પેઢીના કલાકારો માટે ભારતના પશ્ચિમ વિભાગના ગુજરાત અને એમાંય અમદાવાદ સ્થિત આ સ્ટુડિયો લલિતકલા અકાદમીનું મુખ્ય કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. એ રીતે પણ ગુજરાત અને ખાસ અમદાવાદ માટે આ આનંદોત્સવ છે.
તાજેતરમાં ૧૦મી ઓક્ટોબરના રોજ દિલ્હીસ્થિત રવીન્દ્રભવનમાં કાર્યરત લલિતકલા અકાદમીના અધ્યક્ષ ઉત્તમજી પાચારણેએ મંત્રી રાજન ફૂલારી અને કાયદાકીય સલાહકાર મહેન્દ્રકુમાર ભારદ્વાજ સાથે શિલ્પભવનની મુલાકાત લીધી હતી અને કાંતિભાઈ પટેલ દ્વારા લલિતકળાના ઉમદા કાર્ય માટે અપાઈ રહેલી આ અમૂલ્ય ભેટનો વિધિવત સ્વીકાર કર્યો હતો.
એક તપસ્વી કળાકારે સમાજ પ્રત્યે, પોતાની જેવા કળાકારોની આગામી પેઢી માટે પોતાનું સર્વસ્વ દાન કરીને એક અનુકરણીય માર્ગ દર્શાવ્યો છે, એમ કહીને એમણે કાંતિભાઈની આ દાનવૃત્તિને મુક્ત કંઠે બિરદાવી હતી. એટલું જ નહીં, તેમણે પશ્ચિમ વિભાગના પ્રમુખ કેન્દ્રનું નામકરણ - ‘શિલ્પભવન લલિતકલા અકાદમી કેન્દ્ર, અમદાવાદ’ તરીકે કર્યું હતું. ટૂંક સમયમાં નવોદિત અને સિદ્ધહસ્ત કળાકારો માટે વિવિધ કળાઓના કેમ્પ, સેમિનાર જેવી અનેકવિધ પ્રવૃત્તિઓથી શિલ્પભવન કેન્દ્ર ધબકતું થશે એવો નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો.
અધ્યક્ષ પાચારણે ખુદ પણ શિલ્પી છે એટલે એમણે ફાઉન્ડ્રીની સાધનસામગ્રીથી માંડીને સમગ્ર સ્ટુડિયોની મુલાકાત લીધી હતી. લલિતકલા અકાદમીના અધિકારીઓની મુલાકાત સમયે કાંતિભાઈના સ્વજનો-સ્નેહીઓ જયશ્રીબહેન નિરંજનભાઈ મહેતા, વાસુદેવ મહા, અમલાબહેન, જગદીશ પટેલ, ગુલાબભાઈ અને હરેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
૯૨૭૦ ચોરસ વારમાં ફેલાયેલી છે મિલકત
પદ્મશ્રી કાંતિભાઈ પટેલ લગભગ ૫૦ વર્ષ અગાઉ અમદાવાદ આવીને વસ્યા હતા. તેમને અત્યાર સુધીમાં ગાંધીજી અને સરદાર પટેલ સહિતના અનેક નેતાઓના સેંકડો સ્ટેચ્યુ બનાવ્યા છે. અમદાવાદ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં ૯૨૭૦ ચોરસવાર વિસ્તારમાં શિલ્પભવન સ્ટુડિયો સહિતની મિલકત આવેલી છે. તેમાં જમીન ઉપરાંત વલસાડી ટેસ્ટના ચીકુ પકવતી વાડી તથા ફાઉન્ડ્રી વગેરેનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter