સાસુમાની સલાહ તે વળી કેમ ઉવેખાય?! અનેક પ્રોપર્ટીનો માલિક બન્યો ચેઇનચોર

Wednesday 17th May 2017 06:56 EDT
 
 

થાણેઃ અંબીવલી જેવી સ્કીમમાં આલિશાન મકાન, દિલ્હીમાં બે બંગલો અને દેશમાં એકથી વધુ જગ્યાએ પ્રોપર્ટી એમ અધધધ સંપતિ ધરાવતો એક ધનવાન વ્યક્તિ ચેઈનચોર હોવાનું કોઇ માને? તમે ભલે નનૈયો ભણો, પણ આ હકીકત છે. વળી આ સીધોસાદો ચેઈનચોર નથી, ભારતના નવ મોટા શહેરોમાં એનું ચેઈન ચોરીનું નેટવર્ક ફેલાયેલું છે. ક્યારેક તેની ગેંગ લોકોને સીબીઆઈ અધિકારી બનીને પણ લૂંટી લેતી હતી. આ ચોરના કારનામાએ પોલીસને આશ્ચર્યચકિત કરી દીધી છે.
જોકે સૌથી વધુ આશ્ચર્યજનક બાબત તો એ છે કે આ ચોરીઓ કરનાર નાસીરના તમામ ગેરકાનૂની કૃત્યો પાછળનું મુખ્ય ભેજું તેની સાસુ હોવાની પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ચોર-ઉઠાવગીરોની દુનિયામાં એની સાસુ ‘મમ્મા’ તરીકે ઓળખાય છે. સાસુમા તમામ ચોરીઓની યોજનાને આકાર આપે છે, નાસીર તેનો અમલ કરે છે. સમગ્ર પ્રકરણમાં નાસીરની સાસુ મુખ્ય આરોપી હોઈ ટૂંક સમયમાં એની ધરપકડ કરવામાં આવશે એમ થાણેના એન્ટી ચેઈન સ્નેચિંગ યુનિટના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
ચેઈનચોરનું નામ છે નાસીર ખાન ઉર્ફે સમીર અલી હોઈ. તે ૩૬ વર્ષનો છે, અને એમ્બીવેલીમાં રહે છે. ૧૫ વર્ષની ઉંમરથી આ ધંધામાં સક્રિય છે. દેશમાં મુંબઈ, થાણે, કલ્યાણ, નવી મુંબઈ, બેંગ્લૂરુ, કોલકતા, દિલ્હી, હૈદરાબાદ અને ચેન્નઈ વગેરે શહેરોમાં એનું ચેઈનચોરીનું નેટવર્ક છે. થાણે અને દિલ્હીમાં રહીને સમગ્ર નેટવર્કનું સંચાલન કરતો હતો.
ધંધામાંથી મોટા પ્રમાણમાં રૂપિયા આવવાની સાથે એની લાઈફસ્ટાઈલ પણ બદલાઈ હતી. એકલા દિલ્હીના નિઝામુદ્દીન પરિસરમાં એના બે બંગલા ઉપરાંત દેશમાં અનેક ઠેકાણે એની પ્રોપર્ટી છે. ૨૦૧૪માં થાણે પોલીસે એની પ્રથમ વખત ધરપકડ કરી હતી. જામીન પર છૂટ્યા બાદ દિલ્હીમાં સ્થાયી થયો હતો.
નાસીરને પકડવા માટે એડિશનલ પોલીસ કમિશનરના નેતૃત્વ હેઠળ એક ટીમ તૈયાર કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી એણે દિલ્હીમાં પડાવ નાખ્યો હતો એની પાછળનું કારણ શું છે તે જાણવા પોલીસ પૂછપરછ કરી રહી છે.

સાસુમાનો ડર

અનેક ભારતીય કુટુંબોમાં સાસુ શબ્દ સાંભળતા મનમાં ફડકો પેસે છે - પછી તે વ્યક્તિ વહુ હોય કે જમાઈ. દેશનો સૌથી મોટો ચેઈનચોર નાસીર પણ એમાંથી અપવાદ નથી. નાસીરની સાસુનું સંપૂર્ણ દેશમાં ચોરીનું નેટવર્ક છે. બેંગ્લૂરુ, કોલકતા, દિલ્હી, હૈદરાબાદ, ચેન્નઈ ઉપરાંત મહારાષ્ટ્રમાં મુંબઈ, થાણે, કલ્યાણ, નવી મુંબઈ પરિસરમાં એનું નેટવર્ક સૌથી વધારે સક્રિય છે. નાસીર જાણતો હતો કે તેની સાસુમા ખતરનાક છે. આથી તે ક્યારેય તેના આદેશને ટાળવાની હિંમત કરતો નહોતો.

ભાણિયાની મદદ

નાસીર એના ભાણિયા અમજદ ખાનની મદદથી ગુના આચરતો હતો. માત્ર થાણેમાં જ એણે અત્યાર સુધીમાં ૪૦ ગુના આચર્યા છે. એણે દિલ્હી, અંબીવલી અને કલ્યાણના યુવાનોને સાથે લઈને એની ગેંગ વધારી હોવાનું પોલીસનું જણાવવું છે. એની ગેંગમાં કામ કરનાર આરોપીઓનું મુખ્ય કામ સોનાની ચેઈનની ચીલઝડપનું હતું. તેની ગેંગના સભ્યો મોટી વયની મહિલાઓને એકલી જોઈને ડરાવી-ધમકાવીને તેમના દાગીના ઉતરાવી લેતી હોવાનું પોલીસે જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter