ચંડીગઢ: શહેરના સેક્ટર 49માં રહેતા રહીશો સવારે છ વાગે ઘરમાં બેઠાં બેઠાં ચાની ચૂસ્કી લેતા હોય છે તેવા સમયે 88 વર્ષના એક વડીલ લારી લઈને શેરીમાં પડેલો કચરો ઉઠાવવા નીકળી પડે છે. આ વડીલ છે 1996માં વયનિવૃત્ત થઈ ગયેલા પંજાબ પોલીસના ડીઆઇજી ઇન્દરજિતસિંહ સિદ્ધુ છે. સિદ્ધુસાહેબ રોજ સવારે તેઓ રહે છે તેની આસપાસનો વિસ્તાર સ્વચ્છ રહે તે માટે ફરી વળે છે. તેઓ આઈએએસ-આઇપીએસ ઓફિસર્સ કોઓપરેટિવ સોસાયટીમાં રહે છે, પરંતુ પોતાના વિસ્તારમાં થતા કચરાના ઢગ તેમને ગમતા નહોતા. સુધરાઈ સત્તાવાળાને વારંવાર ફરિયાદો કરવા છતાં સમસ્યા ટળતી નહોતી. આખરે તેમણે જાતે જ આસપાસના રસ્તા સાફ રાખવાનો નિર્ણય લીધો.
સ્વચ્છતામાં જ પ્રભુતા છે તે સૂત્ર સાથે તેમણે એકલે હાથે આ પ્રયાસ હાથ ધર્યા ત્યારે લોકો હસતા હતા. કેટલાક તેમને પાગલ કહેતા હતા, પરંતુ આજે હવે કેટલાક નાગરિકો પણ તેમની ઝુંબેશમાં જોડાયા છે. કમસેકમ હવે સપોર્ટ કરી રહ્યા છે. દેશના જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ તેમના કાર્યની નોંધ લેતાં ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ‘શક્તિશાળી સેવા. સ્વચ્છ સર્વેક્ષણ યાદીમાં ચંડીગઢની રેન્ક નીચી જાય તે તેમને ગમતું નહોતું. પરંતુ શહેરને સ્વચ્છ રાખવા ફરિયાદ કરવાને બદલે તેમણે પોતે પગલાં લેવાનું પસંદ કર્યું. હેતુ કદી નિવૃત્ત નથી થતો, સેવાને ઉંમરનો બાધ નડતો નથી.’