લંડનઃ જે હોટેલમાં બે વર્ષ પૂર્વે લગ્ન અને રિસેપ્શન માટે બુકીંગ કરાવ્યું હોય અને પ્રસંગના બે જ દિવસ અગાઉ હોટેલને તાળાં લાગી જાય તો?! એડમ સેન્ડર્સ અને એમેન્ડા સામે આવી મુશ્કેલી સર્જાતા તેઓ પરેશાન થઈ ગયાં હતાં. આ સમયે સાઉથ માર્સ્ટન હોટલ એન્ડ લેઝર કલબના છૂટા કરાયેલાં કર્મચારીઓ તેમની મદદે આવ્યા. આ તમામે વિનામૂલ્યે સર્વીસ આપી લગ્નપ્રસંગને યાદગાર બનાવી દીધો.
૩૫ વર્ષના આ કપલે બે વર્ષ પૂર્વે લગ્નના આલીશાન જલસા માટે ૪૨૦૦ પાઉન્ડ ચૂકવી સ્વિન્ડનની સાઉથ માર્સ્ટન હોટલ એન્ડ લેઝર કલબમાં વ્યવસ્થા કરી હતી. ૨૦૦થી વધુ મહેમાનોને આમંત્રણ પણ પાઠવી દેવાયું હતું.
રવિવારે લગ્નપ્રસંગ હતો, પણ ગુરુવારે જ મેનેજમેન્ટે હોટેલ બંધ કરવાનો નિર્ણય જાહેર કરીને ૪૫ કર્મચારીને છૂટા કરી દીધા. ઓગસ્ટનો પગાર નહિ મળે તેવું પણ કહી દીધું. વાસ્તવમાં હોટેલ ઓક્ટોબરમાં બંધ થવાની હતી, પરંતુ અચાનક જ વહેલી બંધ કરી દેવાઈ હતી, જેની જાણ પણ એડમ-એમેન્ડાને કરાઇ નહોતી.
એડમ લગ્નની તૈયારીઓ જોવા હોટેલ પહોંચ્યો ત્યારે તેને આ જાણ થઇ હતી. આટલા ઓછા સમયમાં અન્યત્ર વ્યવસ્થા કરવી શક્ય ન હતી. એડમ્સની તકલીફ જોઇને ૧૫ કર્મચારીએ સંચાલકોને રવિવાર સુધી સ્થળ ખુલ્લું રાખવા વિનવણી કરી. મોડી રાત અને બીજા દિવસની સવાર સુધી તેમણે કપલ અને મહેમાનો માટે મફત કામ કરીને પ્રસંગ રંગેચંગે પાર પાડી દીધો હતો.