૧૦૩ વર્ષના દાદાજીઃ વિશ્વના સૌથી સલામત વાહનચાલક

Wednesday 20th January 2016 05:53 EST
 
પોતાની પ્રિય મિત્સુબિશિ લેન્સર સાથે જિઓવાન્ની દાદા. જીવનના અંતિમ શ્વાસ સુધી કાર ચલાવતા રહેવાની તેમની ઇચ્છા છે.
 

લંડનઃ બ્રિટનમાં રહેતા જિઓવાન્ની રોઝ્ઝોએ ડ્રાઈવિંગનો અનોખો વિક્રમ નોંધાવ્યો છે. જિઓવાન્ની દાદા અત્યારે ૧૦૩ વર્ષના છે અને છેલ્લા ૮૦ વર્ષથી તેઓ ડ્રાઈવિંગ કરે છે, પણ આઠ દાયકાના ડ્રાઈવિંગમાં દાદાએ એક પણ વખત અકસ્માત ન નોંધાવીને સલામત ડ્રાઈવિંગનો રેકોર્ડ સર્જયો છે.
ચાર પૌત્રોના દાદા જિઓવાન્નીને જોકે ત્રણ વખત દંડ ભરવો પડયો છે, પણ તે કોઇ અકસ્માત માટે નહીં. બે વખત તેમની કાર નક્કી મર્યાદા કરતા વધુ ઝડપે દોડી હતી (ઓવર સ્પીડિંગ) તેથી તેમણે દંડ ચૂકવ્યો છે અને એક વખત તેમને ખોટા પાર્કિંગ માટે દંડ થયો હતો.
જોકે આઈસક્રીમ વેચવાનો વ્યવસાય કરી ચૂકેલા દાદાએ કોઈને ગાડી અડાડી દીધી હોય એવું કદી બન્યું નથી. કેમ્બ્રિજમાં રહેતા જિઓવાન્ની પોતાની રસોઈ બનાવવા સહિતના ઘણા કામો હાથે કરી લે છે. ઈટલીથી ૫૦ના દાયકામાં તેઓ બ્રિટન આવ્યા ત્યારે શરૂઆતમાં છ વર્ષ તેમણે બ્રિટિશ રેલવેમાં નોકરી કરી હતી.
ગયા વર્ષે જિઓવાન્ની દાદાના પત્નીનું અવસાન થયુ હતું. એ પછીથી દરરોજ સવારે તેઓ કાર લઈને સદગત જીવનસાથીની કબર પર ફૂલો ચડાવવા જાય છે. ડ્રાઈવિંગ માટે છેલ્લા ૨૩ વર્ષથી તેઓ મિત્સુબિશિ લેન્સર વાપરે છે.
પોતાનો ભૂતકાળ યાદ કરતાં તેમણે જણાવ્યું હતું કે હું ૨૦ વરસનો હતો ત્યારથી ગાડી ચલાવી રહ્યો છું. એ વખતે હું ઈટાલિયન આર્મીમા હતો અને લશ્કરી વાહનો ચલાવવાથી શરૂઆત કરી હતી.
૧૦૩ વર્ષની વયે પણ તેમનુ શરીર તરોતાજા છે. તેમની આંખો બરાબર કામ આપે છે, ડ્રાઇવિંગ માટે જરૂરી તમામ હલન-ચલન તેઓ કરી શકે છે. આથી જ તેમણે ડ્રાઇવિંગ પડતું મુકવાનો વિચાર નથી કર્યો. જિઓવાન્ની પાસે ૧૯૫૩થી તો ડ્રાઇવિંગનું બ્રિટિશ લાઈસન્સ છે. બ્રિટનની રોયલ સોસયટીએ અકસ્માતો ન કરવા બદલ જિઓવાન્નીને ૧૯૬૨માં સુરક્ષા સર્ટિફિકેટથી પણ સન્માની ચૂકી છે.
ડ્રાઈવિંગ શરૂ કરવા માટે વયમર્યાદા છે, પણ પૂરું કરવા માટે નથી. આથી જિઓવાન્નીની ઈચ્છા તો છેલ્લા શ્વાસ સુધી ગાડી ચલાવવાની છે. જોકે ૭૦ વર્ષના થયા પછી દર ૩ વર્ષે લાઈસન્સ રિન્યુ કરાવવું પડે છે, જે તેઓ નિયમિત કરાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter