લખનૌ: ઉત્તર પ્રદેશના જોનપુર જિલ્લામાં આવેલા માધોપટ્ટી ગામની વસ્તી જૂઓ તો માત્ર ૭૫ પરિવારોની, પરંતુ આ ખોબા જેવડા ગામે દેશને બે-ચાર નહીં પરંતુ ૪૭ જેટલા આઈએએસ - આઈપીએસ અધિકારીઓ આપ્યા છે. આથી ૮૦૦ લોકોની વસ્તી ધરાવતા આ માધોપટ્ટી ગામે અફસરોના ગામ તરીકે ઓળખ મેળવી છે.
આ ગામના આઈએએસ (ઇંડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વીસ) અને આઈપીએસ (ઇંડિયન પોલીસ સર્વીસ) અધિકારીઓ હોમ સ્ટેટ ઉત્તર પ્રદેશ ઉપરાંત દેશના અનેક રાજ્યોમાં સેવા આપી છે. એટલું જ નહીં, આ ગામના સંતાનો ભાભા ઈન્સ્ટિટ્યુટ અને વર્લ્ડ બેન્કમાં અધિકારીઓ તરીકે ફરજ બજાવી રહ્યા છે. જે ભારતીય યુવાનો સનદી પરીક્ષા પાસ કરીને ઉચ્ચ અધિકારી બનવા ઈચ્છે છે તેમના માટે આ ગામ રોલ મોડેલ જેવું બની રહ્યું છે.
આ અંતરિયાળ ગામમાં આજકાલથી નહીં પરંતુ અંગ્રેજોના જમાનાથી સ્પર્ધાત્મક પરીક્ષા આપીને અફસર બનવાની પરંપરા છે. પ્રાપ્ત માહિતી મુજબ ઈ.સ. ૧૯૧૪માં માધોપટ્ટી ગામના યુવક મુસ્તુફા હુસૈનને અંગ્રેજોએ ઉચ્ચ અધિકારી તરીકે પસંદ કર્યો હતો. ૧૯૪૭માં દેશ આઝાદ થયા પછી ૧૯૫૨માં માધોપટ્ટી ગામના ઈન્દુપ્રકાશસિંહ સનદી અધિકારી બન્યા હતા. ઈન્દુપ્રકાશ સિવિલ સર્વિસમાં જોડાઇને આઇએએસ બન્યા પછી તો જાણે ગામમાં અફસર બનવાની હોડ જામી, જે આજ દિન સુધી ચાલી રહી છે. ઈન્દુપ્રકાશ સિંહે બાદમાં ફ્રાંસ સહિત અનેક દેશોમાં ભારતીય રાજૂદત તરીકે પણ ફરજ બજાવી હતી. ઈન્દુપ્રકાશ સહિત કુલ પાંચ સગા ભાઈઓએ સનદી અધિકારી બનીને રેકોર્ડ સ્થાપ્યો છે, જે આજેય અતૂટ છે. ૧૯૫૫માં વિનયસિંહે સનદી પરીક્ષા પાસ કરીને આગળ જતાં બિહાર રાજ્યના ચીફ સેક્રેટરી બન્યા હતા. ૧૯૬૪માં તેમના બે સગા ભાઈઓ - છત્રપાલસિંહ અને અજયસિંહે એકસાથે આઈએએસની પરીક્ષા પાસ કરી હતી. જ્યારે ચોથા ક્રમના ભાઈ શશિકાંત સિંહ પણ ૧૯૬૮માં પરીક્ષા પાસ કરી સિવિલ સર્વિસમાં જોડાયા હતા. એક જ પરિવારમાં પાંચ ભાઈઓ આઈએએસ અધિકારી બન્યા પછી પણ આ ક્રમ અટક્યો નથી. ૨૦૦૨માં શશિકાંતસિંહના પુત્ર યશસ્વી ૩૧મા ક્રમ સાથે સિવિલ સર્વિસમાં ઉર્તિણ થયા હતા.
માધોપટ્ટીના લોકોના જણાવ્યા અનુસાર તેમના ગામે સ્પર્ધાત્મક પરીક્ષાની જે આહલેક જગાડી છે તે સમગ્ર દેશમાં અનોખી છે. કોલેજમાં અભ્યાસ કરતી વેળા જ યુવા પેઢીનું સપનું હોય છે અફસર બનવું અને આ માટે તેઓ ખંતથી તૈયારીઓ પણ કરતા હોય છે. ગામના યુવક - યુવતી ઉપરાંત પરણીને આવેલી વહુઓ પણ અફસર બન્યાના દાખલા છે.
૧૯૮૦માં આશાસિંહ અને ૧૯૮૨માં ઉષાસિંહ તેના બે ઉદાહરણો છે. ૧૯૮૩માં ચંદ્રમોલસિંહ સાથે તેમના પત્ની ઈન્દુસિંહ અને ૧૯૯૪માં ઈન્દુપ્રકાશસિંહ અને તેમના પત્ની સરિતાસિંહ સનદી પરીક્ષા
પાસ કરીને આઈપીએસ થયા હતા. માધોપટ્ટી ગામે ૧૭ જેટલા પીસીએસ (પ્રોવિન્સિયલ સિવિલ સર્વીસ) અધિકારીઓ પણ આપ્યા છે. આ ગામના અન્મજયસિંહ મનીલા લાખે વર્લ્ડ બેંકમાં ટોચના અધિકારી છે. લાલેન્દ્ર પ્રતાપસિંહ ભાભા ઈન્સ્ટિટ્યુટમાં સાયન્ટિસ્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે
તો જ્ઞાનુ મિશ્રા નેશનલ સ્પેસ એજન્સીમાં સેવાઓ આપી રહ્યા છે.