‘ઇસરો’નું વર્ચ્ચુઅલ સ્પેસ મ્યુઝિયમ ‘સ્પાર્ક’

Friday 19th August 2022 07:12 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતમાં અવકાશ સંશોધન ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન આપી રહેલી ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (‘ઇસરો’)એ આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે વર્ચ્યુઅલ સ્પેસ મ્યુઝિયમ ‘સ્પાર્ક’ લોન્ચ કર્યું છે. આ એક ડિજિટલ કન્ટેન્ટ છે, જેમાં ‘ઇસરો’ના ઇતિહાસ અને સફળતાની ઝાંખી રજૂ થઇ છે. ‘ઇસરો’એ spacepark.isro.gov.inનામની વેબસાઈટ લોન્ચ કરી છે, જેમાં લોકો ‘ઇસરો’ના ઇતિહાસ અને સેટેલાઇટ લોન્ચિંગ સંબંધિત અનેકવિધ દસ્તાવેજો, તસ્વીરો, વીડિયો વગેરે જોઇ શકે છે.

આ ઉપરાંત મિશનની વાર્તા, રોકેટ્સ, સેટેલાઈટ અને અન્ય વૈજ્ઞાનિક જાણકારી આ વેબસાઇટ ઉપર મૂકાઇ છે. વેબસાઈટનું બીજું વર્ઝન ‘ઇસરો’ની સાઇટ ઉપર છે. ‘સ્પાર્ક’ પહેલો થ્રી-ડી વર્ચ્યુઅલ સ્પેસ ટેક પાર્ક છે, જેમાં મ્યુઝિયમ, થિએટર, ઓબ્ઝર્વેટરી અને બગીચા પણ છે. બાળકોના રમવા માટે પાર્ક ઉપરાંત રોકેટ પણ બતાવવામાં આવ્યા છે. ‘સ્પાર્ક’ મ્યુઝિયમની ખાસિયત એ છે કે તેમાં ‘ઇસરો’ સંબંધિત તમામ જાણકારી ઉપરાંત પાર્કનો 360 ડિગ્રી વ્યૂ જોઈ શકાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter