‘કોરોના’, ‘લોકડાઉન’ ‘સેનિટાઇઝર’... આ છે નવજાત બાળકોના નામનો અનોખો ટ્રેન્ડ

Wednesday 06th May 2020 06:45 EDT
 
 

નવી દિલ્હી: ‘કોરોના’, ‘કોવિડ’, ‘લોકડાઉન’ ‘સેનિટાઇઝર’... આ બધા શબ્દો હાલ વિશ્વભરમાં પ્રસરેલી મહામારીને કારણે બોલચાલમાં સામાન્ય બની ગયા છે. જોકે હવે કેટલાક યુગલો તેમના નવજાત બાળકોના નામ પણ કોરોના, કોવિડ, લોકડાઉન અને સેનેટાઈઝર રાખવા માંડયા છે. ટૂંકમાં અત્યાર સુધી જે માત્ર શબ્દો જ હતા, તેમણે હવે માનવસ્વરૂપ ધારણ કરી લીધું છે.
મહામારીનો જનમાનસ પર અત્યંત ઘેરો પ્રભાવ પડયો છે અને આ મુશ્કેલ સમયમાં પૃથ્વી પર આવેલા નવા મહેમાનોના નામની સાથે પ્રવર્તમાન શબ્દોને કાયમ માટે જોડી દેવાનો પ્રયાસ માતા-પિતા કરી રહ્યા છે. તાજેતરમાં રાજસ્થાનમાં જન્મેલા એક બાળકનું નામ ‘લોકડાઉન’ રાખવામાં આવ્યું હતું. તેના પિતા સંજય બાઉરીએ કહ્યું કે, આ મુશ્કેલ સમયમાં અમે જે કોઈ પરિસ્થિતિનો સામનો કર્યો તે યાદ રહે તે માટે અમે તેનું નામ લોકડાઉન રાખ્યું છે.
થોડા દિવસ અગાઉ ફિલિપાઈન્સમાં આવેલા બાકોલોડ શહેરમાં કોલીન તાબેસાએ પુત્રીને જન્મ આપ્યો હતો. તેના પિતા જોન ટુપાસે પુત્રીનું નામ ‘કોવિડ મારિયા'’ રાખ્યું હતું. તેણે કહ્યું કે, મારે કહેવું છે કે, કોવિડ માત્ર મુશ્કેલી લઈને નથી આવ્યો પણ અમારા માટે તો આ સમય આશીર્વાદરૂપ સાબિત થયો છે.
ઉત્તર પ્રદેશમાં જન્મેલા એક બાળકનું નામ ‘સેનેટાઈઝર’ રાખવામાં આવ્યું હતું. તેના પિતા ઓમવીર સિંઘે કહ્યું કે, સેનેટાઈઝર હાલના સમયમાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે, જેના કારણે અમે અમારા બાળકનું નામ તેના પરથી રાખવાનું નક્કી કર્યું હતુ.
અગાઉ આંધ્રમાં જન્મેલા જોડકા બાળકોને કોરોના કુમાર - કોરોના કુમારી નામ આપવામાં આવ્યા હતા. છત્તીસગઢમાં પણ એક પરિવારે તેમના જોડકા બાળકોને ‘કોરોના’ અને ‘કોવિડ’ નામ આપ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter