‘ત્રિશુર પુરમ્’ ફેસ્ટિવલમાં માનવ મહેરામણ

Saturday 06th May 2023 10:37 EDT
 
 

કોચીઃ માત્ર કેરળ જ નહીં, ભારતની આગવી ઓળખ બની ગયેલા 36 કલાક લાંબા ‘ત્રિશુર પુરમ્ ફેસ્ટિવલ’નો રવિવારથી પ્રારંભ થયો ત્યારે શ્રદ્ધાળુઓથી માંડીને સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રાજ્યના ત્રિશુરના થેક્કિનકાડુ મેદાનમાં આયોજિત આ પરંપરાગત ઉજવણીમાં ત્રિશુર અને આસપાસની દસ મંદિરના દેવીદેવતાઓની ભવ્ય શોભાયાત્રા નીકળે છે અને વડુક્કુમનનાથન્ મંદિરે ભગવાન શિવના દર્શને પહોંચે છે. ત્રણ દિવસીય ઉત્સવ દરમિયાન રાજ્યના સૌથી ઊંચા હાથી થચિક્કોઢુકાવુ રામચંદ્રન પર નેથાલક્કાવુ ભગવતીની મૂર્તિ સ્થાપિત કરાઇ હતી. 200 વર્ષથી ઉજવાતા આ પર્વની ઉજવણીનો આરંભ કોચીના શાસકે કરી હતી ત્રિશુર પુરમ ફેસ્ટિવલ સુંદર રીતે શણગારેલા ગજરાજોની પરેડ, પંચવાદ્યમ અને ભવ્ય આતશબાજી માટે જગવિખ્યાત છે. ગજરાજોની પરેડ નિહાળીને ખાસ કરીને બાળકો ઘણા ખુશ થાય છે. કાળઝાળ ગરમી છતાં ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે કેરળ ઉપરાંત પડોશી રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટે છે. ઘણા લોકો સપરિવાર પણ ફેસ્ટિવલમાં ભાગ લે છે. મિડલ ઇસ્ટમાં કેરળના લોકો મોટી સંખ્યામાં વસે છે. ત્યાંથી પણ સેંકડો લોકો દર વર્ષે ત્રિશુર પુરમ્ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે અચૂક આવે છે. જોકે, આ વખતે વરસાદની આગાહીને કારણે શ્રદ્ધાળુઓમાં ચિંતાનું મોજું જોવા મળતું હતું. ફેસ્ટિવલના મોટા આકર્ષણ સમાન રંગબેરંગી આતશબાજી સોમવારે યોજાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter