‘વાંઢાઓના ગામ’ તરીકે ઓળખાય છે બિહારનું બરવાન કાલા

Sunday 28th January 2024 07:04 EST
 
 

નવી દિલ્હીઃ ભારતની અનેક ઓળખ છે, અને તેમાંની એક ઓળખ છે ગામડાંઓના દેશ તરીકેની. કહેવાય છે કે અસલી ભારત શહેરોમાં નહીં, પરંતુ ગામડાંઓમાં વસે છે. ભારતની સંસ્કૃતિ અને સુંદરતા દર્શાવતા ગામો ખરા અર્થમાં દેશનો વારસો છે. તમે ભારતના આ જ ગામડાંઓની વિવિધતા કે વિશેષતા વિશે પણ સાંભળ્યું જ હશે. આ દેશમાં કેટલાક એવાં ગામડાંઓ પણ છે, જે કોઇને કોઇ કારણસર આગવી ઓળખ ધરાવે છે. જેમ કે, ભારતમાં એક એવું ગામને ‘વાંઢાઓના ગામ’ તરીકે ઓળખવામાં આવે છે.
આ ગામને ‘બેચલર્સ વિલેજ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કારણથી આ ગામ દેશભરમાં પ્રખ્‍યાત છે. ભારતનું આ અનોખું ગામ એટલે બિહાર રાજ્‍યના કૈમુર જિલ્લાના અધૌરા તાલુકામાં આવેલું બરવાન કાલા ગામ.
પટનાથી 300 કિલોમીટરના અંતરે આવેલા આ ગામમાં વર્ષોથી કોઈ યુવકના લગ્ન નથી થયા. જો તમે એવું માનતા હો કે આ યુવકો લગ્ન જ કરવા નથી ઇચ્છતા તો આ ધારણા ખોટી છે. આ ગામના યુવકોને તો લગ્ન કરવા હોય છે, પરંતુ તેમ છતાં તેઓ લગ્ન કરી શકતા નથી.
કોઇને પણ આ ગામ વિશે સાંભળીને પહેલો વિચાર એ આવે કે આ ગામને વાંઢાઓનું ગામ કેમ કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ ગામમાં ઘણા એવા લોકો છે જેમણે લગ્ન કર્યા જ નથી. એવું કહેવાય છે કે આ ગામમાં છેલ્લા 50 વર્ષમાં માત્ર એક જ વાર લગ્નની શરણાઈ વાગી હતી. આ ગામમાં દસકાઓ બાદ 2017માં પ્રથમવાર લગ્નની શરણાઈ વાગી હતી, જ્‍યારે અહીં રહેતા એક વ્‍યક્‍તિએ ગામ બહારની એક મહિલા સાથે લગ્ન કર્યા હતા. જોકે, અગાઉ અહીં રહેતા લોકો લગ્ન કરતા હતા.
તો પછી ગામ ‘વાંઢાઓના ગામ’ તરીકે બદનામ થઇ ગયું? વાત એમ છે કે બિહારનું આ ગામ એકદમ અંતરિયાળ વિસ્‍તારમાં આવેલું છે. આ ગામ પહોંચવા માટેના રૂટને લઈને સૌથી મોટી સમસ્‍યા છે. આ સાથે વીજળી અને પાણીની પણ ગંભીર સમસ્‍યા છે. આ ઓછું હોય તેમ સંદેશવ્‍યવહારની સુવિધા પણ પૂરતી નથી. આ શ્રેણીબદ્ધ સમસ્‍યાઓના કારણે જ કોઈ માબાપ આ ગામે પોતાની દીકરી આપવા માંગતું નથી કે કોઇ યુવતી પણ આ ગામમાં પરણવા માગતી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter