કમ્પાલાઃ યુગાન્ડાના ભૂતપૂર્વ વોરલોર્ડ ડોમિનિક ઓંગ્વનને નેધરલેન્ડના હેગમાં આવેલી ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) એ વોર ક્રાઈમ તેમજ હત્યા, દુષ્કર્મ, અત્યાચાર, જાતીય ગુલામી અને બાળ સૈનિકોનો ઉપયોગ કરવાના માનવતા વિરુદ્ધના ૭૦માંથી ૬૧ કાઉન્ટમાં દોષી ઠેરવ્યા હતા. ICC સમક્ષ વોર ક્રાઈમના પીડિત અને કથિત કુકર્મીને સાંકળતો ઓંગ્વાનનો આ પ્રથમ કેસ હતો. આ કેસની ટ્રાયલ અને ચૂકાદો સીમાચિહ્ન છે કારણ કે દુનિયાના કોઈપણ ભાગમાં ચુકાદા સુધી પહોંચેલો હોય તેવો લોર્ડ્સ રેઝિસ્ટન્સ આર્મી (LRA) નો આ પ્રથમ કેસ છે.
આફ્રિકાના સૌથી ક્રૂર બળવાખોર જૂથો પૈકી એક LRA હેઠળ ૨૦૦૨થી ૨૦૦૪ વચ્ચે લુકોડી અને અન્ય સ્થળે આ જુલમ આચરવામાં આવ્યો હતો. તેમાંના કેટલાંક પીડિતોએ તેના આદેશ હેઠળ અનુભવેલા આતંકની વાત કરી હતી.
ઓલાન્યા મુહમ્મદે જણાવ્યું કે તેમને કોર્ટ પર પૂરો વિશ્વાસ હતો. આ કેસની શરૂઆતથી ચૂકાદો આવ્યો ત્યાં સુધી તેમણે કેસ પર ધ્યાન આપ્યું હતું. લોકોની તરફેણ કરવા બદલ લુકોડીનો સમુદાય કોર્ટનો આભારી છે.
લોકલ કાઉન્સિલના ચેરમેન લાલોબો વિલ્ફ્રેડે રાહતનો શ્વાસ લીધો હતો. તેમણે કહ્યું કે શરૂઆતમાં તેમને ચિંતા હતી કે કોર્ટે જે વિસ્તારોને ધ્યાને લેવાની હતી તેમાંથી કદાચ લુકોડીને બાકાત રખાશે. પરંતુ, ઓંગ્વને ત્યાં જે અત્યાચાર ગુજાર્યો તેના માટે તેને જવાબદાર ઠેરવાયો હોવાથી પોતે ખુશ છે.
પીડિતોના ગ્રૂપના આયોજક વિન્સેન્ટ ઓયેટ ચૂકાદાથી ખૂશ હતા. તેમણે જણાવ્યું કે પ્રભુની તેમના પર કૃપા છે. તે દિવસે બચી ગયા અને પછી ૧૫ વર્ષ...તેમના ઘણાં સહયોગીઓ બચી ગયા હતા પણ આજના આ સમાચાર સાંભળી શકે તેમ ન હતા. તે બાળક હતો ત્યારે બળવાખોરોએ તેનું અપહરણ કર્યું હતું.