કમ્પાલાઃ ચૂંટણી પ્રચાર દરમિયાન હિંસા વચ્ચે યુગાન્ડામાં ૧૪ જાન્યુઆરીએ મતદાન યોજાશે. પ્રચાર દરમિયાન પ્રમુખ યોવેરી મુસેવેની પર કોઈપણ ભોગે સત્તા પર ટકી રહેવાનો આરોપ મૂકાયો હતો. કોરોના વાઈરસની મહામારી વધી રહી છે તેવામાં યોજાઈ રહેલી આ ચૂંટણી પહેલા ઉમેદવારોની ધરપકડ કરાઈ હતી, રેલીઓ પર પ્રતિબંધ મૂકાયો હતો અને અંધાધૂંધીભર્યા તથા લોહિયાળ ઘટનાક્રમોમાં ઘણાં દેખાવકારો માર્યા ગયા હતા.
પ્રમુખપદ અને પાર્લામેન્ટરી બેલેટ માટે અંદાજે ૧૮ મિલિયન મતદારો નોંધાયેલા છે. આ ચૂંટણીમાં મુસેવેની તથા તેમના નેશનલ રેઝિસ્ટન્સ મુવમેન્ટ (NRM)ની સામે સંખ્યાબંધ વિપક્ષી ઉમેદવારો અને પક્ષો છે. ૭૬ વર્ષીય મુસેવેની ૧૯૮૬થી પ્રમુખ છે જે તેમને આફ્રિકાના સૌથી લાંબો સમય સેવા આપનારા નેતા બનાવે છે. તેમને પ્રચારના પોસ્ટરો દ્રઢ વિશ્વાસપૂર્વક તેમની જીત માટે દિવસો ગણી રહ્યા છે. જોકે, આવી વાત તેમના હરિફો માટે કહી શકાય તેમ નથી. તેમણે પીઢ નેતા અને તેમની સરકાર વિરુદ્ધ ઘણાં આક્ષેપો કર્યા છે.
મુસેવેનીના કટ્ટર હરિફ સિંગરમાંથી સાંસદ બનેલા બોબી વાઈને મોટાભાગનો ચૂંટણી પ્રચાર કોમ્બેટ હેલ્મેટ તથા બૂલેટપ્રુફ જેકેટ પહેરીને કર્યો છે. ખુલ્લી કારમાં પ્રચાર કરતાં તેમણે પોતાના માટે મત માગ્યા છે.
સુરક્ષા દળોએ તેમની રેલીઓને નિષ્ફળ બનાવવા માટે ટીયરગેસ અને રબરની બુલેટનો ઉપયોગ કર્યો હતો અને વાઈનની ધરપકડ પછી ઠેરઠેર થયેલા વિરોધ દેખાવો દરમિયાન નવેમ્બરમાં બે દિવસની હિંસામાં અંદાજે ૫૪ લોકોને ઠાર માર્યા હતા.
તાજેતરમાં વાઈને તેમની કેમ્પેઈન ટીમના સંખ્યાબંધ સભ્યોની અટકાયતને સત્તાનો દુરુપયોગ ગણાવીને વખોડી કાઢી હતી. તેમણે જણાવ્યું હતું કે યુગાન્ડામાં કાયદા મુજબ શાસન ચાલતું નથી. તેમણે ઉમેર્યું કે તેમણે સલામતી અંગે દહેશત હોવાથી તેમના ચાર બાળકોને ચૂંટણી સમયગાળા દરમિયાન અમેરિકા મોકલ્યા છે.