કમ્પાલાઃ યુગાન્ડામાં યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા મિશને ૨૦૨૧ની સામાન્ય ચૂંટણીમાં નિરીક્ષક તરીકે ભાગ લેવામાં રસ દાખવ્યો હતો. ૮મી ડિસેમ્બરે અમેરિકન એમ્બેસીએ માર્ક સી ટોનરના નેતૃત્વ હેઠળના તેના કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ મારફતે ચૂંટણીના અંત સુધી ચૂંટણીની પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે ડિપ્લોમેટિક ટીમનો હિસ્સો બનવા માટે વિદેશ બાબતોના મંત્રાલયને અરજી કરી હતી.
ટોનરે જણાવ્યું કે અમેરિકા આ ચૂંટણીમાં રસ દર્શાવે છે તેનો અર્થ એ નથી કે તે કોઈક ચોક્કસ ઉમેદવારને સમર્થન આપે છે પરંતુ, તે માત્ર નિરીક્ષક બનવા માગે છે. યુગાન્ડામાંની અમેરિકન એમ્બેસી તેના સ્ટાફ દ્વારા આગામી ૧૪ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ યોજાનારી ચૂંટણીનું ઓબ્ઝર્વેશન કરવા માટે આયોજન કરી રહી છે. યુગાન્ડામાં અગાઉની ચૂંટણીમાં પણ અમેરિકાએ નિરીક્ષણ કર્યું હતું. તેમણે ઉમેર્યું કે અમેરિકન સરકાર કોઈ પક્ષ કે ઉમેદવારની તરફેણ કરતી નથી કારણકે તે પોતે લોકશાહી પ્રક્રિયાને સમર્થન આપે છે.
તેમણે ઉમેર્યું કે આગામી ચૂંટણીમાં નિરીક્ષક તરીકે ભાગ લેવાનો અમેરિકાનો હેતુ યુગાન્ડામાં લોકશાહીને પ્રોત્સાહન આપવાનો છે. અમેરિકાનો ડિપ્લોમેટિક ઓબ્ઝર્વેશનનો હેતુ મુક્ત, નિષ્પક્ષ, શાંતિપૂર્ણ અને સર્વસમાવેશી ચૂંટણી પ્રક્રિયાનો છે. અમારા ડિપ્લોમેટિક ઓબ્ઝર્વરો ચૂંટણીમાં ભાગ લેનાર અથવા કોઈપણ ચૂંટણી પ્રક્રિયાના સલાહકાર નથી. પરંતુ, તેઓ સ્થાનિક કાયદાના પાલન સાથે તટસ્થપણે અને કોઈ દખલ વિના ચૂંટણી યોજાય તે જોવા માટે છે.
૨૦૨૧ની સામાન્ય ચૂંટણીમાં ઓબ્ઝર્વર તરીકે ભાગ લેવા ઈચ્છતી સિવિલ સોસાયટી, વિદેશી એજન્સીઓ અને વ્યક્તિઓને તેમની અરજી સુપરત કરવા ગયા જૂનમાં વિદેશ બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું તેના સંદર્ભમાં અમેરિકાએ અરજી કરી હતી.