પૂર્વ આફ્રિકા – સંક્ષિપ્ત સમાચાર

Tuesday 13th October 2020 17:08 EDT
 

                                 • વિશ્વવિક્રમધારક બ્રિગીડ કોસ્ગેઈને બીજું લંડન મેરેથોન ટાઈટલ

વિશ્વવિક્રમ સર્જનાર બ્રિગીડ કોસ્ગેઈએ શ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા ૨ કલાક ૧૮ મિનિટ અને ૫૮ સેકન્ડમાં દોડ પૂરી કરીને પોતાનું બીજું લંડન મેરેથોન ટાઈટલ મેળવ્યું હતું. લંડનમાં ભારે વરસાદ વચ્ચે તેણે વિશ્વ ચેમ્પિયન રુથ ચેપન્ગેટીકને પાછળ પાડી દીધી હતી. દોડના છેલ્લાં ૫૦૦ મીટરમાં અમેરિકાની સારા હોલ કરતાં રુથ પાછળ પડી ગઈ હતી અને તેણે બીજું સ્થાન ગુમાવ્યું હતું. વિશ્વ ચેમ્પિયન રુથ બીજા ક્રમે આવશે તે નિશ્ચિત જ લાગતું હતું. પરંતુ, તે ૨ કલાક ૨૨ મિનિટ અને ૫ સેકન્ડ સાથે ત્રીજા ક્રમે રહી હતી. જ્યારે સારાએ પોતાનો નવો વિક્રમ સ્થાપ્યો હતો. તે લંડન મેરેથોન ૨ કલાક ૨૨ મિનિટ અને ૧ સેકન્ડમાં પૂરી કરીને બીજા ક્રમે રહી હતી.  

                                   • યુકે દ્વારા કોવિડ-૧૯ સામે લડવા યુગાન્ડાને Shs ૬ બિલિયન

 કોરોના વાઈરસ સામેની લડતને મદદ માટે યુકે સરકારે યુગાન્ડાને ૧.૩ બિલિયન યુરો એટલે કે લગભગ Shs ૬ બિલિયન ફાળવ્યા હતા. આ નાણાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અને ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશન પાસે ખાસ હેતુસર જાય છે. WHO આ રકમનો ઉપયોગ સર્વેલન્સ અને લેબોરેટરીમાં કેસોની પુષ્ટિ સહિત કોવિડ-૧૯ સામે લડતની તૈયારી અને તેને લગતી પ્રવૃત્તિઓમાં કરશે. IOM બોર્ડર પોઈન્ટ સર્વેલન્સ પર વિશેષ ધ્યાન આપી રહી છે અને તે હેલ્થ ઓફિસરોની નિમણૂક કરશે.  

                                    • યુગાન્ડામાં રોજના ૧૦૦ બાળકો મૃત હાલતમાં જન્મે છેઃ

દુનિયામાં મૃત હાલતમાં જન્મતા (stillbirth) બાળકોની ટકાવારીમાં થોડો ઘટાડો નોંધાયો હોવા છતાં, યુગાન્ડામાં આવા બાળકોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. હાલ પૂરા થયેલા દાયકામાં એટલે કે ૨૦૧૦થી ૨૦૧૯ દરમિયાન મૃત હાલતમાં જન્મતા બાળકોની સંખ્યામાં નવ ટકાનો વધારો થયો છે. સત્તાવાર આંકડા મુજબ યુગાન્ડામાં દર વર્ષે ૧.૬ મિલિયન બાળકોનો જન્મ થાય છે. તેમાં ૪૫,૦૦૦ જેટલાં બાળકો જન્મ દરમિયાન મૃત્યુ પામે છે અને તેટલી જ સંખ્યામાં મૃત હાલતમાં જન્મે છે. ડો. લિવિંગસ્ટન મકાન્ગાએ હેલ્થ વર્કરોની અપૂરતી આવડતને લીધે સ્ટીલબર્થમાં વધારો થયો હોવાનું જણાવ્યું હતું.  

                                   • પાર્ટ ટાઈમ શિક્ષણ પર પ્રતિબંધથી સ્કૂલોની મુશ્કેલી વધી

મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનની નવી સૂચના મુજબ શિક્ષકોને અલગ અલગ સ્કૂલોમાં પાર્ટ ટાઈમ ભણાવવા પર પ્રતિબંધ મૂકાયો છે. દાયકાઓ જૂની પદ્ધતિમાં પ્રાઈમરી અને સેકન્ડરી બન્ને પ્રકારની ખાનગી સ્કૂલો પૂરો પગાર આપ્યા વિના શ્રેષ્ઠ અને અનુભવી ટીચરોના કૌશલ્યનો લાભ મેળવી શકતી હતી. તે પણ હવે કોવિડ -૧૯નો ભોગ બની છે. તેને લીધે સ્કૂલોમાં શિક્ષણની ગુણવત્તામાં ઘટાડો થશે એટલું જ નહિ, સારા શિક્ષકોની આવકને પણ વિપરીત અસર થશે. સ્કૂલો ફરી શરૂ કરવા માટેની ગાઈડલાઈન્સમાં મંત્રાલય દ્વારા ભારપૂર્વક જણાવાયું છે કે સંક્રમણનું જોખમ ઘટાડવા ટીચરો એક સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં જઈ શકશે નહિ.      

                                               • કેન્યામાં ૧૨ ઓક્ટોબરથી સ્કૂલો ખૂલી

વિદ્યાર્થીઓેને કોવિડ-૧૯ સામે રક્ષણ આપવા સલામતીના અસંતોષકારક પગલાંની ચિંતા વચ્ચે અભ્યાસ ફરી શરૂ થવાની મહિનાઓની અનિશ્ચિતતા અને મૂંઝવણ પછી કેન્યામાં ૧૨ ઓક્ટોબરથી સ્કૂલો ફરી ખૂલી છે. શિક્ષણ વિભાગના જ્યોર્જ મગોહાએ જણાવ્યું હતું કે ગ્રેડ ૪, સ્ટાન્ડર્ડ ૮ અને ફોર્મ ૪ના વિદ્યાર્થીઓની બીજી ટર્મ ૧૨ ઓક્ટોબરથી શરૂ થઈ છે. કેન્યા સર્ટિફિકેટ ઓફ પ્રાઈમરી એજ્યુકેશન (KCPE) અને કેન્યા સર્ટિફિકેટ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (KCSE)ની પરીક્ષા અનુક્રમે માર્ચ અને એપ્રિલ ૨૦૨૧માં લેવાશે. જોકે, બાકીના લગભગ ૧૨ મિલિયન વિદ્યાર્થીઓનો અભ્યાસ ક્યારે શરૂ થશે તે વિશે તેમણે મૌન સેવ્યું હતું. ગયા માર્ચમાં દેશમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી સ્કૂલો બંધ છે.

                                        • બ્રિટિશ સૈન્ય જાન્યુઆરીમાં ટ્રેનિંગ માટે કેન્યા પાછું આવશેઃ

બ્રિટિશ આર્મી ટ્રેનિંગ યુનિટ ઈન કેન્યા (Batuk) હેઠળ ટ્રેનિંગ પ્રોગ્રામમાં જોડાવા માટે બ્રિટનનું સૈન્ય ફરી કેન્યા આવશે. કોવિડ -૧૯ને પગલે નેન્યુકી સ્થિત ટ્રેનિંગ યુનિટને ગયા માર્ચમાં યુકે પરત બોલાવી લેવાયું હતું. બ્રિટિશ હાઈ કમિશન દ્વારા જણાવાયું હતું કે કોરોનાના સંક્રમણમાં ઘટાડો નોંધાયો છે તે સંજોગોમાં Batuk કેન્યામાં તેના સહયોગી કેન્યા ડિફેન્સ ફોર્સીસ (KDF) સાથે ફરી ટ્રેનિંગ શરૂ કરવા તૈયાર છે. બ્રિટિશ હાઈ કમિશનના ડિફેન્સ સલાહકાર બ્રિગેડિયર માર્ક થોર્નહિલે જણાવ્યું હતું કે નેન્યુકીમાં Batukમાં જાન્યુઆરી ૨૦૨૧માં સત્તાવાર રીતે ટ્રેનિંગ શરૂ થશે.

 
                                       • બિઝનેસમેન સુધીર રૂપારેલિયાએ સિમ્બામાન્યો હાઉસ ખરીદ્યુઃ

બિઝનેસમેન સુધીર રૂપારેલિયાની માલિકીના મીરા ઈન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડે કમ્પાલામાં વધુ એક બિલ્ડિંગ સિમ્બામાન્યો હાઉસ ખરીદ્યું હતું. આ બિલ્ડીંગના માલિક ઈક્વિટી બેંક યુગાન્ડાની લોન ભરપાઈ કરી શક્યા ન હોવાનું મનાય છે. મિનિસ્ટ્રી ઓફ જેન્ડરની ઓફિસો, કમ્પાલા ઈમેજિંગ સેન્ટર સહિત અન્ય ઓફિસો સાથેના આ બિલ્ડિંગની માલિકી અગાઉ બિઝનેસમેન પીટર કામ્યાની માલિકીની સિમ્બામાન્યો એસ્ટેટ્સ લિમિટેડની હતી. આ બિલ્ડિંગ મીરા ઈન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડે ખરીદ્યું હોવાની જાણ બિલ્ડિંગના ભાડૂતો અને કબજેદારોને ૮ ઓક્ટોબર, ૨૦૨૦ની નોટિસ દ્વારા કરાઈ હતી. આ નોટિસ CL રિસ્ક મેનેજમેન્ટ સર્વિસીસ દ્વારા અપાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter