આફ્રિકાઃ સંક્ષિપ્ત સમાચાર

Tuesday 20th October 2020 15:58 EDT
 

WTO નું નેતૃત્વ પ્રથમ વખત મહિલા હસ્તકઃ

૨૫ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)નું નેતૃત્વ મહિલા સંભાળશે. આ વર્ષે WTOના આગામી ડાયરેક્ટર – જનરલની પસંદગીમાં બે મહિલા ઉમેદવારો પર અટકી છે. તેમાં નાઈજીરિયાના ન્ગોઝી ઓકોન્જો-ઈવીલા અને દક્ષિણ કોરિયાના યુ મ્યુંગ-હીનો સમાવેશ થાય છે. આ બે મહિલામાંથી એક મહિલા અમેરિકા અને ચીનના વધતા જતા ટ્રેડ વોર વચ્ચે રાજીનામું આપનારા રોબર્ટો એઝેવેડોનું સ્થાન સંભાળશે. તમામ દેશોના લાભ માટે મુક્ત વેપારને પ્રોત્સાહન આપવા માટે ૧૯૯૫માં WTOની સ્થાપના કરાઈ હતી. ઓકોન્જો નાઈજીરિયાના અર્થશાસ્ત્રી અને ભૂતપૂર્વ ફાઈનાન્સ મિનિસ્ટર છે. ૨૫ વર્ષ વર્લ્ડ બેંકમાં ફરજ બજાવીને તેઓ મેનેજિંગ ડિરેક્ટર ઓફ ઓપરેશન્સનો હોદ્દો સંભાળે છે.

• ભ્રષ્ટાચાર નહિ ચલાવી લેવાયઃ

યુગાન્ડાના સ્ટેટ હાઉસ એન્ટિ-કરપ્શન યુનિટના વડા લેફ. કર્નલ એડિથ નાકાલેમાએ સ્પષ્ટ કર્યું હતું કે પોતાને ‘અસ્પૃશ્ય’ ગણાવતા તમામ ભ્રષ્ટાચારી નેતાઓ સામે કામ ચલાવવા તેઓ તૈયાર છે. પોતાને કોઈ કશું કરી શકે નહિ તેમ માનતા લોકો અથવા નેતાઓ સામે તપાસ અને કાનૂની કાર્યવાહી માટે નવી સ્થપાયેલી લિડરશિપ કોડ ટ્રિબ્યુનલને મદદ કરશે તેમ ડિસેમ્બર ૨૦૧૮માં હોદ્દો સંભાળનારાં મહિલા અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘હું સોલ્જર છું અને મને કોઈનો ડર નથી. હું ફરજ પર મોતને ભેટવાં પણ તૈયાર છું.’ નાકાલેમાએ એમ પણ કહ્યું હતું કે તેમના યુનિટે પબ્લિક પાસેથી ફરિયાદો મેળવવા ૨૪ કલાક ફરજરત ટીમ ઊભી કરી છે.

• મુસેવેનીનું સત્તાવાર ચૂંટણીપ્રચાર પોર્ટ્રેટ જારીઃ

યુગાન્ડાના સત્તાધારી પક્ષ નેશનલ રેઝિસ્ટન્સ મૂવમેન્ટ (NRM) દ્વારા જાન્યુઆરી ૨૦૨૧માં યોજાનારી સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે દેશના પ્રમુખપદના તેમના ઉમેદવાર યોવેરૂ કાગુટા મુસેવેનીનું સત્તાવાર ચૂંટણીપ્રચાર પોર્ટ્રેટ જારી કર્યું છે. પાર્ટીના સેક્રેટરી જનરલ જસ્ટિન કાસુલે લુમુમ્બાએ કમ્પાલામાં જણાવ્યું હતું કે આગામી પ્રચાર અભિયાનો ‘સુરક્ષિત ભાવિ’ના થીમ પર યોજાશે. ઉમેદવારના પોર્ટ્રેટ પર ‘ટિબુહાબુરવા’ નામ લખાયું ન હોવા મુદ્દે લુમુમ્બાએ જણાવ્યું હતું કે ઈલેક્ટોરલ કમિશન દ્વારા નવું નામ મૂકવાને મંજૂરી અપાઈ જશે પછી નવા નામનો ઉપયોગ કરાશે. પાર્ટી તેમના પ્રમુખપદના ઉમેદવારને ૨ નવેમ્બર ૨૦૨૦ના રોજ સ્વતંત્ર ઈલેક્ટોરલ કમિશન સમક્ષ રજૂ કરશે.

• સુગર એક્ટનો અમલ જરુરીઃ

યુગાન્ડાના સ્પીકર રેબેકા કાડાગાએ જણાવ્યું છે કે સુગર એક્ટ ૨૦૨૦ના અમલ માટે પૂરતું ભંડોળ મળી રહે તે માટે તેઓ કટિબદ્ધ છે. કાડાગાએ કહ્યું હતું કે યુગાન્ડાના શેરડી ઉત્પાદક ખેડૂતો અને સુગર પ્રોસેસર્સને ઈસ્ટ આફ્રિકા વિસ્તારોની બહાર પણ માર્કેટ મળી રહે તે શોધવું જોઈએ. તેમણે ટેરિફના અવરોધો દૂર કરવા અને કોમન માર્કેટ ફોર ઈસ્ટર્ન એન્ડ સધર્ન આફ્રિકા (COMESA) પ્રદેશનો ઉપયોગ કરવાની પણ હાકલ કરી હતી.

• આફ્રિકાના સૌથી ઉંચા બિલ્ડિંગ પિનેકલ ટાવર્સનું સ્વપ્ન હજુ જીવંતઃ

આફ્રિકામાં સૌથી ઉંચુ બિલ્ડિંગ બાંધવાનું આયોજન કરી રહેલા ઈન્વેસ્ટરોએ બાંધકામની શરૂઆત માટે તૈયારી કરી દીધી છે અને જાહેર કર્યું હતું કે પિનેકલ ટાવર્સ પૂરું કરવાનું સ્વપ્ન હજુ જીવંત છે. તેમણે ઉમેર્યું કે કેન્યામાં ૨૦૧૮માં અટકી ગયેલી ફાઈનાન્સ મેળવવાની અને પ્રોજેક્ટના ડિઝાઈનિંગની કામગીરી હાથ ધરાઈ છે. જમીનમાલિકો આગામી કાર્યવાહી માટે નેશનલ કન્સ્ટ્રક્શન ઓથોરિટી (NCA)નો સંપર્ક સાધશે. આ બિલ્ડિંગ કેન્યાના જમીનમાલિક જાબાવુ વિલેજ લિમિટેડ અને ભારત સ્થિત કંપની વ્હાઈટ લોટસનું સંયુક્ત સાહસ છે. આ બિલ્ડિંગમાં હિલ્ટન અપર હિલ હોટલ અને ૭૦ માળના એપાર્ટમેન્ટ્સ અને ઓફિસ બ્લોકનું આયોજન છે. આ બિલ્ડિંગ પ્રોજેક્ટમાં ડેવલપરોએ અત્યાર સુધીમાં ૨૦ મિલિયન ડોલરનો ખર્ચ કર્યો છે.

• ફેસબુકના રોકાણથી યુગાન્ડાના ટેલિકોમ ઓપરેટરો અને IPSને ફાયદોઃ

સબ-સહારન આફ્રિકા (SSA)માં ઈન્ટરનેટ કનેક્ટિવિટી આડેના અવરોધોનો સામનો કરવાના હેતુથી ફેસબુક દ્વારા આ પ્રદેશમાં કરવામાં આવેલા મૂડીરોકાણથી યુગાન્ડાના ટેલિકોમ ઓપરેટરો અને ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ (IPS)ને ફાયદો થઈ રહ્યો છે. ફેસબુક ૨૦૨૦થી ૨૦૨૪ દરમિયાન ૫૭ બિલિયન ડોલરથી વધુ રકમનો ખર્ચ કરશે. ફેસબુકે ઓપન ટ્રાન્સપોર્ટ નેટવર્ક્સ દ્વારા ફાઈબર બેકહોલમાં મૂડીરોકાણ કર્યું છે. ઓપરેટર BCS અને એરટેલ સાથે ભાગીદારીમાં ફેસબુકે યુગાન્ડામાં ૭૭૦ કિ.મી અને નાઈજીરિયામાં મેઈન વન સાથે ભાગીદારીમાં ૭૫૦થી ૮૦૦ કિ.મીમાં ફાઈબર નેટવર્ક બિછાવ્યું છે તેનાથી ૪ મિલિયન લોકોને 3G/4G કવરેજનો લાભ મળી રહ્યો છે.

• મેકરેર યુનિ.ને ફરી ઊભી કરવા સ્ટેન્બિક બેંકની મદદઃ

તાજેતરમાં લાગેલી ભીષણ આગમાં યુગાન્ડાની મેકરેર યુનિવર્સિટીના મેઈન બિલ્ડિંગ તરીકે જાણીતા ભાગમાં ભારે નુક્સાન થયું હતું. તેના એડમિનિસ્ટ્રેશન સેન્ટરનું કામકાજ ફરી શરૂ થાય તે માટે સ્ટેન્બિક બેંકે યુનિવર્સિટીને sh૧૦૦ મિલિયનની કિંમતના કમ્પ્યુટરો ડોનેટ કર્યા છે. આઈવરી ટાવર તરીકે પ્રખ્યાત આ બિલ્ડિંગમાં ગયા સપ્ટેમ્બરના છેલ્લાં અઠવાડિયામાં આગ લાગી હતી. પોલીસ દ્વારા હજુ તેની તપાસ ચાલી રહી છે. આગમાં હ્યુમન રિસોર્સિસ, ફાઈનાન્સ અને પબ્લિક રિલેશન્સ સહિત કેટલાંક ડિપાર્ટમેન્ટનાં ફર્નિચર અને ઓફિસ ઈક્વિપમેન્ટ નાશ પામ્યા હતા. સ્ટેન્બિક બેંક યુગાન્ડાના ચીફ એક્ઝિક્યુટિવ એન જુકોએ જણાવ્યું કે તેમના કોર્પોરેટ સોશિયલ ઈન્વેસ્ટમેન્ટમાં શિક્ષણ મુખ્ય સ્તંભ સમાન હોવાથી સ્ટેન્બિક બેંક માટે આ ડોનેશન ખૂબ મહત્ત્વનું છે.

• કોવિડને લીધે યુગાન્ડામાં ૩ મિલિયન લોકો ગરીબીમાં ધકેલાયાઃ

કોવિડ મહામારીને લીધે અર્થતંત્ર ખોરવાઈ જવાથી યુગાન્ડામાં૩.૧ મિલિયન લોકો ગરીબીમાં ધકેલાયા હોવાનું યુગાન્ડામાં કોરોના મહામારીની સામાજિક – આર્થિક અસર વિશેના યુનાઈટેડ નેશન્સના અહેવાલમાં જણાવાયું હતું. કમ્પાલામાં સાતત્યપૂર્ણ વિકાસ લક્ષ્યોના અમલીકરણ અંગે ઉચ્ચ સ્તરીય ચર્ચામાં જણાવાયું કે લોકડાઉને અને કન્ટેઈનમેન્ટને લીધે ગરીબ ન હતા તેવા ૧.૯ મિલિયન લોકો અસુરક્ષિત બન્યા હતા અને વધુ ૧.૯ મિલિયન અસુરક્ષિત લોકો ગરીબ બન્યા હતા. તેમાં પૂર્વ અને ઉત્તર પ્રદેશના લોકોને વધુ અસર થઈ હતી.

• કેન્યાની ડોકી સોફ્ટી ૨૦૨૧ના ઓસ્કાર એવોર્ડ માટે શોર્ટલિસ્ટઃ

સોફ્ટી, કેન્યન ફોટોગ્રાફર અને રાજકીય સક્રિય કાર્યકર બોનીફેસ મ્વાંગીના જીવન પર આધારિત કથા છે. ૨૦૨૧ના ઓસ્કર એવોર્ડ માટે બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિચરની કેટેગરીમાં શોર્ટલિસ્ટ કરાયેલી ૪૦ ફિલ્મમાં તેનો સમાવેશ કરાયો છે. ડર્બન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૦માં તેને બેસ્ટ ડોક્યુમેન્ટરીનો પુરસ્કાર અપાયો હતો. આ પછી એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સીસ દ્વારા આયોજીત ૯૩મા એકેડેમી એવોર્ડ્સ સમારોહ માટે ઓસ્કર ડોક્યુમેન્ટરીના શોર્ટલિસ્ટ માટે સોફ્ટી ક્વોલિફાય થઈ હતી. સ્ટ્રીટ પ્રોટેસ્ટ અને રાજકારણમાં પ્રવેશીને સ્ટારેહની બેઠકની સ્પર્ધામાં સામેલ થવાની મ્વાંગીની સાત વર્ષની સફરનું આ ફિલ્મમાં નિરુપણ કરાયું છે. ..


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter