બોબી વાઈનની રેલીઓ પર પ્રતિબંધ

Tuesday 19th September 2023 12:45 EDT
 
 

કમ્પાલાઃ યુગાન્ડાની પોલીસે જાહેર વ્યવસ્થાની સમસ્યા આગળ ધરી વિપક્ષી નેતા બોબી વાઈન ઉર્ફ રોબર્ટ ક્યાગુલાન્યીના રાષ્ટ્રવ્યાપી રેલી અભિયાન પર અચોક્કસ મુદત સુધી પ્રતિબંધ લાદી દીધો છે. નેશનલ યુનિટી પ્લેટફોર્મ દ્વારા 2 સપ્ટેમ્બરથી શરૂ કરાયેલા રેલી અભિયાનને મંજૂરી આપી હતી. બોબી વાઈને જણાવ્યું હતું કે દેશભરમાં રેલીઓનાં અભિયાનને તેઓ ચાલુ રાખવાનો ઈરાદો ધરાવે છે. જોકે, યુગાન્ડાની પોલીસે બુધવાર 13 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે જે સ્થળોએ રેલીઓ યોજાઈ ત્યાં જાહેર વ્યવસ્થામાં અવરોધ, બિનજરૂરી ટ્રાફિક જામ, ધંધાકીય નુકસાન અને પ્રોપર્ટીઝને ઈરાદાપૂર્વક નુકસાન જોવા મળ્યું હતું.

હોઈમા ટાઉન સહિતની રેલીઓનો ઉપયોગ હિંસાને ઉત્તેજન, વિભાજનવાદને પ્રોત્સાહન, ચૂંટાયેલી સરકારને ઉથલાવી દેવાની ઉશ્કેરણી તેમજ રિપબ્લિકના પ્રેસિડેન્ટ વિરુદ્ધ બદનક્ષીકારક નિવેદનો માટે કરાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું. પ્રમુખપદની 2021ની ચૂંટણીમાં પ્રમુખ યોવેરી મુસેવેનીને 58 ટકા જ્યારે બોબી વાઈનને 35 ટકા મત મળ્યા હતા. યુગાન્ડામાં 1986થી સત્તા પર રહેલા મુસેવેનીએ 2026ની ચૂંટણીમાં ઉમેદવારીનો ઈરાદો હજુ જાહેર કર્યો નથી પરંતુ, તેમના પુત્ર જનરલ મુહુઝી કાઈનેરુગાબાએ માર્ચ મહિનામાં ઉમેદવારીનો ઈરાદો જાહેર કર્યો હતો.

કેન્યાના પ્રમુખ રુટોનું યુએસ ટેક કંપનીઓ અને રોકાણકારોને આમંત્રણ

નાઈરોબીઃ કેન્યાના પ્રમુખ વિલિયમ રુટોએ ઘરઆંગણે બિઝનેસીસ પર ટેક્સીસમાં ભારે વધારો કર્યો છે અને બીજી તરફ, અગ્રણી યુએસ ટેકનોલોજી કંપનીઓ અને રોકાણકારોને કેન્યામાં આમંત્રણ આપ્યું છે. સાન ફ્રાન્સિસ્કોમાં સંબોધન કરતા પ્રમુખ રુટોએ કેન્યામાં ઈન્વેસ્ટમેન્ટની તકો અને સરકારની વ્યૂહાત્મક પ્રાથમિકતાઓ પર ભાર મૂક્યો હતો. જોકે, ટીકાકારોનું કહેવું છે કે રુટોની સરકારે વધારેલા ટેક્સીસ અને નવા સૂચિત ટેક્સીસના લીધે કેન્યામાં ટેક સેક્ટર સહિત બિઝનેસ કરવાનો ખર્ચ વધી જશે. આ વર્ષના પ્રથમ બજેટમાં ઉત્પાદનોના પ્રચાર અને વેચાણ માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરતા વિદેશ ટેક જાયન્ટ્સને લક્ષ્ય બનાવી ડિજિટલ સર્વિસ ટેક્સ બમણો કરી દેવાયો છે. આના પરિણામે સરકારને સ્થાનિક ચલણમાં બિલિયન્સ શિલિંગ્સની આવક થશે પરંતુ, ટેક ઈન્વેસ્ટર્સ નાહિંમત થશે તેવી ચેતવણી ઉચ્ચારાઈ છે.

નાઈજિરિયામાં ડિપ્થીરીઆના રોગમાં ભારે ઉછાળો

અબુજાઃ નાઈજિરિયામાં ડિપ્થીરીઆના રોગમાં નાટ્યાત્મક ઉછાળો આવ્યો છે. ગ્લોબલ હેલ્થ એજન્સી અનુસાર 30 જૂનથી 31 ઓગસ્ટ 2023ના ગાળામાં 11 રાજ્યોની 59 સ્થાનિક સરકારના ક્ષેત્રોમાં 5898 શંકાસ્પદ કેસીસ જોવાં મળ્યા છે. દેશના મુખ્યત્વે છ રાજ્યો કાનો (1816), કાટ્સિના (234), યોબ (158), બાઉચી (79), કાડુના (45) અને બોરનો (33)માં ગળા અને શ્વાસ સંબંધિત આ રોગના કેસીસનો ઉછાળો જોવા મળ્યો છે. ડિપ્થીરીઆ કોર્નીબેક્ટેરિઅમ ડિપ્થેરી નામના બેક્ટિરિયાથી સીધા સંપર્ક તેમજ ખાંસી-ઉધરસના ડ્રોપ્લેટ્સથી ફેલાતો ભારે ચેપી રોગ છે જેના 5થી 10 ટકા કેસીસમાં જીવલેણ બની રહે છે અને નાના બાળકોમાં તેનો મૃત્યુદર ઊંચો રહે છે. ડિપ્થીરીઆને વેક્સિનથી અટકાવી શકાય છે. ડિપ્થીરીઆના રોગમાં લસિકા ગ્રંથિ (લિમ્ફ નોડ્ઝ) પર સોજા આવતા ગળું છોલાય છે, ભારે ખાંસી અને તાવ આવે છે. ગંભીર કેસીસમાં એરવેઝ બ્લોક થઈ જવાથી શ્વાસ લેવામાં કે ખોરાકપાણી ગળે ઉતારવામાં ભારે તકલીફ પડે છે.

કેન્યાના ફાઈનાન્સ એક્ટ અંગે 24 નવેમ્બરે ચુકાદો

નાઈરોબીઃ કેન્યાવાસીઓ પર કરવેરાનો ભારે બોજ લાદતા વિવાદાસ્પદ ફાઈનાન્સિયલ એક્ટ 2023 અંગે 24 નવેમ્બરે ચુકાદો આપવાની જાહેરાત કરાઈ છે. હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ માર્થા કૂમે દ્વારા નિયુક્ત જજીસ જસ્ટિસ ડેવિડ માજાન્જા, જસ્ટિસ ક્રિસ્ટિન મેઓલી અને લોરેન્સ મુગામ્બીની બેન્ચે ફાઈનાન્સ એક્ટને પડકારતી 12 પિટિશન્સની સુનાવણી પૂર્ણ કરી છે. એક્ટની જોગવાઈઓ લાગુ કરવાની પ્રક્રિયા, હાઉસિંગ લેવી સહિતના મુદ્દાઓને પડકાર અપાયો છે. સરકારે એક્ટ પસાર કરવાની પ્રક્રિયામાં કશું અનુચિત ન હોવાનું જણાવી પિટિશન્સ ફગાવી દેવા કોર્ટને વિનંતી કરી છે.

મેજિસ્ટ્રેટે સમયસર સુનાવણીની ખાતરી આપી

કેપ ટાઉનઃ ઈસ્ટ લંડન કોર્ટ સમક્ષ ઈકોનોમિક ફ્રીડમ ફાઈટર્સના નેતા જુલિયસ માલેમા વિરુદ્ધ કેસમાં ભારે વિલંબની જોરદાર ટીકા કરાયાના પગલે મેજિસ્ટ્રેટ ટ્વાનેટ ઓલિવિયરે નિયમિત અને સમયસર સુનાવણીની ખાતરી આપી છે. માલેમા અને તેના બોડીગાર્ડ એડ્રિઆન વિરુદ્ધ પાર્ટીની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે 2018માં ફાયરિંગ કરાયાનો આરોપ લગાવાયો છે. માલેમાએ આક્ષેપ કર્યો હતો કે પાંચ વર્ષથી તેઓ ન્યાયની રાહ જોઈ રહ્યા છે પરંતુ, મેજિસ્ટ્રેટ કોઈ કોર્ટમાં સમયસર પહોંચતા નથી. મેજિસ્ટ્રેટ્સ અને પ્રોસિક્યુટરોએ આ રીતે તેમનું અપમાન કરવાનો અધિકાર નથી. મેજિસ્ટ્રેટ કોર્ટમાં સતત મોડાં આવવા બદલ કોઈ પત્રકારે અવાજ ઉઠાવ્યો નહિ હોવાનો અફસોસ પણ માલેમાએ વ્યક્ત કર્યો હતો.

આફ્રિકન સિંહના અસ્તિત્વ સામે સંકટ

જોહાનિસબર્ગઃ આફ્રિકાના જંગલી સિંહોના અસ્તિત્વ સામે સંકટ તોળાઇ રહ્યું છે અને સિંહની વસતીમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આ સમસ્યાની વિસ્તૃત રજૂઆત કરતા અભ્યાસમાં અનુસાર આના માટે પર્યાવરણીય ઉપરાંત, સામાજિક અને રાજકીય પરિબળો પણ જવાબદાર છે. સુદાન જેવા દેશમાં સિંહોની ઘટતી સંખ્યા પાછળ સૌથી મોટું કારણ સામાજિક- રાજકીય છે. અભ્યાસમાં, તત્કાળ પગલા લેવાની હિમાયત કરાઈ છે. અભ્યાસમાં દાવો કરાયો છે કે, આફ્રિકાના સિંહો લુપ્ત થવાના આરે પહોંચી રહ્યા છે. આફ્રિકામાં સંરક્ષણના પ્રયાસોને યોગ્ય દિશા મળે તે દિશામાં કામ કરવાની જરૂર છે. અભ્યાસ મુજબ 62 મુક્ત રેન્કિંગ જંગલી આફ્રિકન સિંહની વસતીવાળા વિસ્તારોમાં અડધાથી ઓછા વિસ્તારમાં જ 100થી વધુ સિંહ છે. આ સિંહ માત્ર 25 આફ્રિકી દેશોમાં રહે છે. જે પૈકી અડધામાં 250થી પણ ઓછા સિંહ છે. આફ્રિકામાં માનવજાતિ દ્વારા ઉભા કરાયેલા પડકારોના કારણે જ સિંહનું ભાવિ અનિશ્ચિત દેખાઇ રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter