મુસેવેનીએ LGBTQ+વિરોધી કાયદાનો બચાવ કર્યો

Wednesday 07th June 2023 03:00 EDT
 

કમ્પાલાઃ યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેનીએ સજાતીય સેક્સ દ્વારા HIV/ એઈડ્સ જેવા જીવલેણ રોગો ફેલાવનારા કહેવાતા સીરિયલ અપરાધીઓને મારી નાખવાની સત્તા આપતા સૌથી કઠોર સજાતીયતાવિરોધી બિલનો બચાવ કર્યો છે. યુગાન્ડાની પાર્લામેન્ટમાં માત્ર એક સાંસદ સિવાય બધા સભ્યોએ બિલને ટેકો આપ્યો હતો. યુએસ અને યુકે સહિત આંતરરાષ્ટ્રીય સમુદાયે માનવતાવિરોધી નવા કાયદાને વખોડી કાઢ્યા પછી મુસેવેનીએ કહ્યું હતું કે હસ્તાક્ષર થઈ ગયા છે, કોઈ અમને ચલાયમાન કરી શકશે નહિ.

પ્રમુખ યોવેરી મુસેવેનીએ જણાવ્યું હતું કે જે લોકો બળજબરીથી બાળકોને ઉઠાવી જાય છે અને તેમના પર બળાત્કાર કરે છે તેમણે મૃત્યુદંડનો સામનો કરવો પડશે. જોકો પોતાને સજાતીય તરીકે ઓળખાવવા બદલ કોઈને સજા કરાશે નહિ પરંતુ, તેનો પ્રસાર કે પ્રચાર કરી શકાશે નહિ. આમ કરનારાને 20 વર્ષ જેલની સજાની જોગવાઈ છે.

યુગાન્ડાના 54 સૈનિકના સોમાલિયામા આતકી હુમલામાં મોત

કમ્પાલાઃ સોમાલિયામા 26 મેએ કટ્ટરવાદી ઈસ્લામિસ્ટ આતંકી હુમલામાં યુગાન્ડાના 54 સૈનિક મોત પામ્યા હોવાનું યુગાન્ડાએ જાહેર કર્યુ છે. સોમાલિયાની રાજધાની મોગાડીશુથી 120 કિ.મીના અંતરે બુલો મારેર ખાતે આફ્રિકન યુનિયન દળોના થાણા પર અલ કાયદા સાથે સંકળાયેલા સંગઠન શેબાબના 800 જેટલા આતંકીઓ દ્વારા હુમલો કરાયો હતો. હુમલાખોરો કાર બોમ્બ અને સુસાઈડ બોમ્બર્સની સાથે ઓટોમેટિક શસ્ત્રોથી સજ્જ હતા. શેબાબ સંગઠન સોમાલિયામા ઈસ્લામિક કાયદો સ્થાપવા 15 કરતા વધુ વર્ષથી લોહિયાળ હુમલાઓ કરતું આવ્યું છે. યુગાન્ડાના પ્રમુખ મુસેવેનીએ મૃતક સૈનિકોના પરિવારોને દિલસોજી પાઠવતા કહ્યું હતું કે મોટા હુમલાથી ગભરાયેલા બે કમાન્ડરોએ સૈનિકોને પીછેહઠ કરવાનો આદેશ આપ્યો હતો. આફ્રિકન યુનિયન દળોમાં યુગાન્ડા, કેન્યા, બુરુન્ડી, દિબુતી અને ઈથિયોપિયાના સૈનિક અને પોલીસમેન સામેલ છે.

કેન્યન પોલીસનો 12 લોકોની હત્યામાં સંડોવણીનો આક્ષેપ

નાઈરોબીઃ કેન્યાની પોલીસ માર્ચ મહિનામાં વિપક્ષી હિંસક વિરોધી દેખાવો દરમિયાન બે બાળકો સહિત 12 વ્યક્તિની હત્યામાં સંડોવાઈ હોવાનો આક્ષેપ હ્યુમન રાઈટ્સ વોચ અને એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ કેન્યા સંસ્થાઓ દ્વારા કરાયો છે. સંસ્થાઓએ જણાવ્યું હતું કે કેન્યામાં એકસ્ટ્રા-જ્યુડિશિયલ હત્યાઓ વધી છે અને પોલીસને જવાબદાર ઠેરવાઈ હોય તેવા ન્યાયિક ઉદાહરણો જવલ્લે જોવાં મળ્યાં છે. બે માનવાધિકાર સંસ્થાઓના જણાવ્યા મુજબ તેમણે પરિવારજનો અને સાક્ષીઓને મળી 12 વ્યક્તિની હત્યા સંબંધે ડોક્યુમેન્ટેશન કર્યું છે. મૃતકોમાંથી મોટા ભાગના તો વિરોધી પ્રદર્શનો જોઈ રહ્યા હતા કે રાહદારી અથવા તેમના ઘરમાં બેઠેલાં લોકો હતા. પોલીસે કિબેરાના નિવાસી વિસ્તારમાં ટિયર ગેસ ફાયર કર્યા પછી તેની અસરથી આરોગ્ય સમસ્યા સર્જાતા ચાર બહિનાના બાળકનું પણ મોત થયું હતું.

ઝિમ્બાબ્વેમાં 23 ઓગસ્ટે સામાન્ય ચૂંટણી યોજવાની જાહેરાત

હરારેઃ સાઉથ આફ્રિકન દેશ ઝિમ્બાબ્વે ગંભીર આર્થિક કટોકટી સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે 80 વર્ષીય પ્રમુખ એમર્સન મ્નાન્ગાગ્વાએ 23 ઓગસ્ટ 2023ના રોજ પુ્રમુખપદ અને સંસદીય ચૂંટણીઓ યોજવાની જાહેરાત કરી છે. પ્રમુખ મ્નાન્ગાગ્વા 2018માં હોદ્દા પર ચૂંટાયા હતા અને તેઓ બીજી વખત પ્રમુખપદ માટે ઉમેદવારી કરવાના છે. 2017ના લશ્કરી બળવામાં રોબર્ટ મુગાબેને પ્રમુખપદેથી ઉથલાવી દેવાયા પછી યોજાયેલી ચૂંટણીમાં એમર્સન મ્નાન્ગાગ્વા પ્રમુખ બન્યા હતા.

પ્રમુખ એમર્સન મ્નાન્ગાગ્વાના મુખ્ય હરીફ 45 વર્ષીય લોયર અને પાદરી નેલ્સન ચામીશા છે જેઓ નવા રચાયેલા સિટિઝન્સ કોએઓલિશન ફોર ચેઈન્જ (CCC)ના નેતા છે. વિરોધ પક્ષોએ આક્ષેપ લગાવ્યો છે કે સત્તાધારી પાર્ટી Zanu-PF રાજકીય વિરોધીઓ સામે દમનનો આશરો લઈ રહી છે. ઝિમ્બાબ્વેએ 1980માં આઝાદી હાંસલ કર્યા પછી Zanu-PF પાર્ટી જ સત્તા પર રહી છે. અગાઉ ચામીશાએ આક્ષેપ કર્યો હતો કે પ્રમુખ મ્નાન્ગાગ્વા ચૂંટણીઓની તારીખ બાબતે સ્પષ્ટ નથી. આના એક દિવસ પછી જ પ્રમુખે સંસદીય ચૂંટણીની તારીખો જાહેર કરી હતી.

નામીબિયામાં ફૂડ પોઈઝનિંગથી એક જ પરિવારના 13 સભ્યોનાં મૃત્યુ

વિન્ડહોકઃ નામીબિયાની ફૂડ પોઈઝનિંગની એક દર્દનાક ઘટનામાં એક જ પરિવારના 13 સભ્યોના એક સાથે મોત થયા હતા. પરિવારના સાત સભ્યો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, ચાર સભ્યોની હાલત ગંભીર હતી. મૃતકોની ઉંમર 4થી 13 વર્ષ વચ્ચે હોવાનું કહેવાય છે.

એક રિપોર્ટ અનુસાર, નામીબિયાના કવાંગો પૂર્વ ક્ષેત્રમાં એક જ પરિવારના 13 સભ્યોના ખોરાકી ઝેરના કારણે મૃત્યુ થયા હતા. તેમના શરીરમાં નોંધપાત્ર પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પરિવારના સભ્યોએ ખોરાકમાં દારૂ ભેળવીને ઓટ્સની જેમ ખાધો હોવાનું તેમના મોત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. નામીબિયા સરકારના અધિકારીઓએ જણાવ્યા અનુસાર પરિવારના કુલ 20 સભ્યોએ ઝેરી ખોરાક ખાધો હતો. જેમાંથી કુલ 13 સભ્યો મૃત્યુ પામ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter