સુદાનના દારફુર પર હુમલામાં 800થી વધુ મોતઃ યુએન

Tuesday 21st November 2023 15:36 EST
 

ખાર્ટુમઃ સુદાનના યુદ્ધગ્રસ્ત દારકુર શહેરમાં 800થી વધુ લોકોના મોત થયા છે. યુએનની શરણાર્થી એજન્સી યુનાઇટેડ નેશન્સ હાઇ કમિશનર ફોર રેફ્યૂજીસ (યુએનએચસીઆર) દ્વારા અપાયેલી માહિતી મુજબ અર્ધલશ્કરી દળો અને તેમના સાથી આરબ લડવૈયાઓ દ્વારા સતત કરાતા હુમલામાં આટલી મોટી જાનહાનિના અહેવાલ છે. સુદાનના લશ્કર અને અર્ધલશ્કરી દળ રેપિડ સપોર્ટ ફોર્સીસ (આરએસએફ) વચ્ચે છેલ્લા કેટલાય મહિનાઓથી યુદ્ધ જારી છે.

આ મહિનાની શરૂઆતમાં પશ્ચિમ દારકુર પ્રાંતમાં અરદામાતાને નિશાન બનાવાયું હતું જે હુમલામાં પણ મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. આર્મી ચીફ જનરલ અબ્દેલ ફતહ બુરહાન અને આરએસએફના કમાન્ડર જનરલ મોહમ્મદ હમદાન ડાગાલો વચ્ચે જારી તણાવ યુદ્ધમાં ફેરવાયા બાદ ગત એપ્રિલથી જ સુદાનમાં આ સ્થિતિ છે. 2019માં લશ્કરી બળવા બાદ નિરંકુશ શાસક ઉમર અલ-બશીરને સત્તા પરથી હટાવાયા બાદથી સુદાનમાં હિંસક ઘટનાઓ બની રહી છે.

પાદરી પૌલ મેકેન્ઝી દોષી ખરો, પણ હત્યાઓનો નહિ

નાઈરોબીઃ સામુહિક સાંપ્રદાયિક નરસંહારમાં 400થી વધુ લોકોને મોત તરફ ઘસડી જનારા કેન્યાના ઉપદેશક પૌલ મેકેન્ઝીને મેજિસ્ટ્રેટ કોર્ટે દોષી ઠરાવ્યો છે. જોકે, તેને નરસંહાર માટે નહિ પરંતુ, કેન્યા ફિલ્મ ક્લાસિફિકેશન બોર્ડ પાસેથી લાયસન્સ મેળવ્યા વિના ટીવી સ્ટુડિયોના સંચાલન અને ફિલ્મ ડિસ્ટ્રિબ્યુશન માટે માલિન્ડી ટાઉનના સીનિયર મેજિસ્ટ્રેટ દ્વારા દોષી ઠરાવાયો હતો. તેને આ ગુનાસર ડિસેમ્બરમાં સજા જાહેર કરાશે જે પાંમચ વર્ષ સુધીની જેલની સજા હોઈ શકે છે. તટવર્તી ક્લિફી કાઉન્ટીમાં તેની 800 એકરની પ્રોપર્ટીના વન વિસ્તારમાંથી સામૂહિક કબરોમાંથી સેંકડો મૃતદેહો મળી આવ્યા પછી પાદરી પૌલ એપ્રિલ મહિનામાં ધરપકડ પછી પોલીસ કસ્ટડીમાં રખાયો છે. પ્રોસીક્યુટર્સના જણાવ્યા મુજબ ઉપદેશકે તેના ખ્રિસ્તી અનુયાયીઓએ જિસસ ક્રાઈસ્ટને મળવું હોય તો આમરણ ઉપવાસ કરવા પડશે તેવો આદેશ આપ્યો હતો. ભૂખનાં કારણે બાળકો અને સ્ત્રીઓ સહિત સેંકડો અનુયાયી મોતના મુખમાં ધકેલાયા હતા. મેકેન્ઝી વિરુદ્ધ સત્તાવાર આરોપ ઘડાયા નથી.

ઝિમ્બાબ્વેના હરારેમાં કોલેરાનો કોપઃ ઈમર્જન્સી જાહેર

હરારેઃ ઝિમ્બાબ્વેની રાજધાની હરારેમાં કોલેરાનો રોગ ફાટી નીકળ્યા પછી ઈમર્જન્સી જાહેર કરવામાં આવી છે. કોલેરાના 7000થી વધુ શંકાસ્પદ કેસીસ છે અને સંખ્યાબંધ લોકોના મોત થયા છે. હરારેના મેયર ઈઆન માકોનેને ટાંકી સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે ઈમર્જન્સી જાહેર કરાઈ છે. કોલેરાના રોગચાળાના લીધે પીવાના શુદ્ધ પાણીની તંગી પણ સર્જાઈ છે. કોલેરાના સૌથી વધુ કેસ હરારેની ગીચ વસ્તી ધરાવતા સબર્બ કુવાડઝાનામાં જોવા મળ્યા છે. હેલ્થ મિનિસ્ટ્રી અનુસાર 50 નોંધાયેલા મોત, 7398 શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે અને 109 લોકો હોસ્પિટલમાં દાખલ છે. વર્ષ 2008માં કોલેરાનો રોગચાળો ફાટી નીકળવાના પગલે 4000થી વધુ લોકોના મોત અને ઓછામાં ઓછાં 100,000 લોકો ચેપગ્રસ્ત થયાની યાદ તાજી થઈ છે. 2018માં પણ કોલેરા અને ચાઈફોઈડના રોગચાળાના કારણે 20થી વધુ મોત અને 2000થી વધુ કેસ નોંધાયા હતા.

યુગાન્ડાની AGOAમાંથી હકાલપટ્ટીથી કોઈ ચિંતા નહિઃ મુસેવેની

કમ્પાલાઃ અમેરિકાએ આફ્રિકન ગ્રોથ એન્ડ ઓપોર્ચ્યુનિટી એક્ટ (AGOA)ના લાભાર્થીઓની યાદીમાંથી યુગાન્ડાને હટાવી દેતા પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીએ ચિંતાનું કોઈ કારણ ન હોવાની ટીપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે બાહ્ય તાકાતો એવું વિચારવાની ભૂલ કરે છે કે આફ્રિકન દેશો તેમના ટેકા વિના આગળ વધી શકશે નહિ.યુગાન્ડાને લાગેવળગે છે ત્યાં સુધી કેટલીક બાહ્ય તાકાતો સપોર્ટ ના કરે તો પણ તેના વિકાસ અને કાયાપલટના લક્ષ્યાંકો હાંસલ કરી લેશે. યુએસ પ્રમુખ જો બાઈડને જાન્યુઆરી 2024થી AGOAના લાભાર્થીઓની યાદીમાંથી યુગાન્ડા, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, ગાબોન અને નાઈજરને દૂર કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય માન્ય માનવાધિકારોના ઉલ્લંઘનો બદલ યુગાન્ડાને દૂર કરાશે. વર્ષ 2000થી શરૂ કરાયેલા AGOA પ્રોગ્રામ હેઠળ લાભાર્થી દેશોની નિકાસોને યુએસ બજારની ડ્યૂટીફ્રી સુવિધા મળી શકે છે. યુગાન્ડાએ આ પ્રોગ્રામ હેઠળ 2022માં 10.6 મિલિયન ડોલરના સામાનની નિકાસ કરી હતી.

સાઉથ આફ્રિકન મિનિસ્ટર લૂંટાયાં

કેપટાઉનઃ સાઉથ આફ્રિકાના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર સિન્ડિસિવે ચિકુન્ગા જાહાનિસબર્ગની બહાર પ્રવાસે જઈ રહ્યાં હતાં ત્યારે મંગળવાર 7 નવેમ્બરે રસ્તા પર વેરાયેલા ખીલાના કારણે ફરજિયાત અટકી ગઈ હતી અને લૂંટારાંઓએ પિસ્તોલની અણીએ કિંમતી માલસામાનની લૂંટ ચલાવી હતી. મિનિસ્ટ્રી ઓફ ટ્રાન્સપોર્ટેશને જણાવ્યા મુજબ મિનિસ્ટરના બોડીગાર્ડ્સ ટાયર બદલવા નીચે ઉતર્યા ત્યારે આ ઘટના ઘટી હતી. ચિકુન્ગાએ આ અનુભવને આઘાતજનક ગણાવી કહ્યું હતું કે સારા વસ્ત્રોમાં સજ્જ ત્રણ લૂંટારાએ કારનો દરવાજો ખોલી તેમના માથા પર ગન મૂકી નીચે ઉતરવા ઓર્ડર કર્યો હતો. ગુનેગારોએ નાણા માગ્યા હતા પરંતુ, મિનિસ્ટર પાસે આશરે 10 યુરોની સમકક્ષ રોકડ રકમ હતી. લૂંટારાએ બોડીગાર્ડ્સ પાસેથી શસ્ત્રો છીનવી લીધા હતા.

કેન્યા 2032 સુધીમાં 15 બિલિયન વૃક્ષ વાવશે

નાઈરોબીઃ કેન્યા સરકારે 2032 સુધીમાં 15 બિલિયન વૃક્ષ રોપવાનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય સ્થાપ્યું છે અને રાષ્ટ્રવ્યાપી વૃક્ષારોપણ દિવસ તરીકે 13 નવેમ્બર સોમવારે જાહેર રજા રાખી હતી જ્યારે ક્લાઈમેટ કટોકટી સામે લડવા દરેક વ્યક્તિએ ખભેખભા મિલાવ્યા હતા. પ્રેસિડેન્ટ વિલિયમ રુટોના અધ્યપદે મળેલી કેબિનેટ મીટિંગમાં ઈન્ટિરિયર મિનિસ્ટર કિથુરે કિન્દિકીએ 2032 સુધીમાં 15 બિલિયન વૃક્ષ રોપવાનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્યના ભાગરૂપે ખાસ પબ્લિક હોલીડેની જાહેરાત કરી હતી. તાજેતરમાં કેન્યાની મુલાકાતે આવેલા બ્રિટિશ કિંગ ચાર્લ્સ તૃતીયે મહત્ત્વાકાંક્ષી વૃક્ષારોપણ કાર્યક્રમની પ્રશંસા કરી હતી. કેન્યાનું વન્યાવરણ હાલ 7 ટકા જેટલું છે પરંતુ, તેને 10 ટકાથી પણ આગળ લઈ જવા આ નાણાકીય વર્ષમાં 80 મિલિયન ડોલર (64.6 મિલિયન પાઉન્ડ)થી વધુ રકમની ખાસ ફાળવણી કરી છે. ક્લાઈમેટ ચેન્જના કારણે કેન્યા સહિત હોર્ન ઓફ આફ્રિ્કામાં અતિ ખરાબ દુકાળ જોવા મળ્યા છે અને વરસાદની સતત પાંચ સીઝન નિષ્ફળ નીવડી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter