કોંગોમાં લશ્કરી ભરતીમાં ભાગદોડઃ 31ના મોત

Tuesday 28th November 2023 03:57 EST
 

બ્રાઝિવેલેઃ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)ના બ્રાઝિવિલેમાં લશ્કરી ભરતી દરમિયાન ભારે ભાગદોડ મચી જવાથી 31 લોકોના મોત થયા હતા અને 145થી વધુ લોકોને ઈજા પહોંચી હતી જેમાંથી ઘણા લોકોની હાલત ગંભીર હતી. આ ઘટનાના પગલે સમગ્ર દેશમાં 22 નવેમ્બર બુધવારે રાષ્ટ્રીય શોક પાળવામાં આવ્યો હતો તેમજ જાહેર વહીવટી સંસ્થાઓ અને શાળાઓમાં રાષ્ટ્રધ્વજને અર્ધી કાઠીએ ફરકાવાયો હતો. બાર અને અન્ય મનોરંજન સ્થળો પણ બંધ રહ્યાં હતાં.

રાજધાનીના મિચેલ ડી’ઓરનાઓ સ્ટેડિયમમાં 14 નવેમ્બરથી કોંગોલીઝ આર્મી માટે 1500 પોસ્ટની ભરતી ચાલી રહી હતી ત્યારે સોમવાર 20 નવેમ્બરની રાતથી મંગળવારના ગાળામાં હજારો યુવાનોએ પ્રવેશ મેળવવા મુખ્ય દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો હતો અને કેટલાકે તો દીવાલો પરથી કૂદકા માર્યા હતા. વર્લ્ડ બેન્કના 2022ના રિપોર્ટ અનુસાર મધ્ય આફ્રિકાના ટચુકડા દેશમાં 5.7 મિલિયનની વસ્તીમાંથી 47 ટકા લોકો 18 વર્ષથી ઓછી વયના છે અને તેમાંથી 42 ટકા યુવાનો બેરોજગાર છે.

પૂરગ્રસ્ત સોમાલિયામાં ભારે તબાહીઃ 53ના મોત

મોગાડિશુઃ અલ નીનોના કારણે સોમાલિયામાં આવેલા વિનાશક પૂરથી શહેરો અને કોમ્યુનિટીઓને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે જેના કારણે કટોકટી જાહેર કરાઈ છે. સોમાલિયા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના જણાવ્યા મુજબ પૂરના લીધે 53 લોકોએ જાન ગુમાવ્યા હતા. સોમાલિયાના વડા પ્રધાન હમ્ઝા આબિદી બારેએ માનવતાવાદી એજન્સીઓને તાકીદે સહાયની અપીલ કરી છે. શાબેલે નદી નજીક વસેલા મધ્ય સોમાલી નગર બેલેડ્વિને અને આસપાસના વિસ્તારોમાં પૂરે ભારે તબાહી સર્જી છે અને 1.7 મિલિયન લોકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. પૂરના પાણી સમગ્ર ટાઉનમાં ફરી વળ્યા હતા, મકાનો અને ઘરવખરી તણાઈ જતા લોકોને ઊંચા સ્થળોએ કામચલાઉ આશરામાં રહેવું પડ્યું છે. સોમાલિયાની 1.5 મિલિયન હેક્ટર જમીનમાં વરસાદના પાણી ફરી વળ્યા હતા. પડોશના દેશો ઈથિયોપિયા અને કેન્યાની માફક સોમાલિયા પણ હાલમાં જ દુકાળની હાલતમાંથી બહાર આવ્યું હતું. હવે પૂરના પાણી ફરી વળતાં લોકો ફરી વિસ્થાપિત થયા છે.

કેન્યામાં પ્રવાસીજૂથ નદીના પૂરમાં તણાતા મોત

નાઈરોબીઃ કેન્યાના દક્ષિણ-પૂર્વીય પ્રાંતમાં એક પ્રવાસી જૂથ નદીના ધસમસતા પૂરમાં તણાતા ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયાં હોવાનો ભય સેવાય છે. સ્થાનિક નેતાએ જણાવ્યા મુજબ પ્રવાસીઓ નદીનેઓળંગવાના પ્રયાસમાં મધ્યમાં પહોંચ્યા હતાં ત્યારે જ અચાનક આવેલું પૂર તેમને તાણી ગયું હતું. આ પ્રવાસીઓ નાઈરોબીમાં ફર્સ્ટ લેડી રાશેલ રુટોને મળીને તેમના મુકૈની કાઉન્ટીમાં આવેલા ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે જ પૂરના પાણીમાં તણાઈ ગયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter