કેન્યામાં HIVની બનાવટી દવાઓ ઝડપાઈ

Tuesday 05th December 2023 12:26 EST
 
 

નાઈરોબીઃ સમગ્ર વિશ્વમાં HIV (હ્યુમન ઈમ્યુનોડેફિસિઅન્સી વાઈરસ) ને અટકાવવા માટે ઉપયોગમાં લેવાતી ટ્રુવાડા (Truvada) ડ્રગ્સના બનાવટી લેબલ્સ સાથે દવાઓની બે બેચીસ દેશના ફાર્મસી એન્ડ પોઈઝન્સ બોર્ડ દ્વારા ઝડપી લેવાઈ છે. બોર્ડે લોકોને નકલી દવાઓના ઉપયોગ બાબતે સાવધ રહેવાનું જણાવી આવી દવાઓના ઉત્પાદન, સંગ્રહ, વેપાર અને વિતરણમાં સંડોવાયેલા કોઈ પણ સામે સખત કાનૂની અને નિયંત્રક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

 કેન્યાની પોલીસે જણાવ્યું હતું કે બજારમાં નકલી ટ્રુવાડા ડ્રગ્સ મોટા પ્રમાણમાં ફેલાઈ ગઈ છે. UNAIDS ના 2022ના ડેટા અનુસાર કેન્યામાં આશરે 1.4 મિલિયન લોકો HIVથી પીડાય છે અને તેમાંથી 1.2 મિલિયન લોકો એન્ટિરેટ્રોવાઈરલ થેરાપી ડ્રગ્સની સારવાર મેળવે છે. કેન્યાની નેશનલ સિન્ડેમિક ડિસીઝીસ કન્ટ્રોલ કાઉન્સિલે જણાવ્યા મુજબ  2021 અને 2022ના વર્ષોનાં ગાળામાં 15થી  29 વયજૂથના લોકોમાં HIVઈન્ફેક્શન દરમાં 61 ટકાનો ઉછાળો આવ્યો છે. ટ્રુવાડાનું ઉત્પાદન કરતી યુએસસ્થિત ગિલેડ સાયન્સીસ ઈન્ક. દ્વારા જાન્યુઆરીમાં ચેતવણી અપાઈ હતી કે તેની HIVવિરોધી દવાઓની બનાવટી બેચીસની લાખો ડોલરની દવાઓ યુએસમાં ફેલાયેલી છે. હવે ઈસ્ટ આફ્રિકાના વેપારકેન્દ્ર કેન્યામાં HIVવિરોધી બનાવટી ડ્રગ્સ મળી આવતા તેના પર નિયંત્રણ મેળવવું મુશ્કેલ જણાય છે.

કેન્યાની 35 સરકારી કંપનીનું ખાનગીકરણ કરાશે

નાઈરોબીઃ કેન્યામાં બ્યુરોક્રસીમાં કાપ મૂકવાનો કાયદો પસાર કરાયા પછી સરકાર હવે 35 સરકારી કંપનીઓનું ખાનગીકરણ કરવાના માર્ગે આગળ વધી રહી છે તેમજ વધુ 100 કંપનીની ઓળખ કરાઈ રહી છે તેમ પ્રેસિડેન્ટ રુટોએ જણાવ્યું હતું. આ કાયદા હેઠળ સરકારી એકમોને ખાનગી કંપનીઓને વેચાણ આપી શકાય છે. અગાઉ, 2008માં ટેલિકોમ્યુનિકેશન કંપની સફારીકોમના 25 ટકા શેરનું જાહેર વેચાણ કરાયું હતું. આ પછી, 2009માં કેન્યા પાઈપલાઈન કંપની, કેન્યા ઈલેક્ટ્રિસિટી જનરેટિંગ કંપની અને બેન્કો સહિત 26 કંપનીના ખાનગીકરણની યાદી તૈયાર કરાઈ હતી પરંતુ, આજ સુધી કોઈ પગલાં લેવાયા નથી. પ્રમુખ રુટો અને ફાઈનાન્સ મિનિસ્ટર ન્જુગુના એન્ડુગેએ 35 કંપનીના નામ જાહેર કરવાનું નકાર્યું છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ કેન્યાને 938 મિલિયન ડોલરની લોન આપવા સંમત થયું છે અને આગામી વર્ષે દેશને 2 બિલિયન ડોલરના યુરોબોન્ડની પુનઃ ચૂકવણી થવાની છે. બીજી તરફ વિશ્વ બેન્કે પણ કેન્યાને આગામી ત્રણ વર્ષમાં 12 બિલિયન ડોલરની સહાયની શક્યતા દર્શાવી છે. જોકે, કેન્યાના માથે જૂન મહિનાના અંત સુધીમાં કુલ જાહેર દેવું 10.1 ટ્રિલિયન શિલિંગ્સ (66બિલિયન ડોલર)થી પણ વધુ હતું જે તેની કુલ ઘરેલુ પેદાશ (gdp)ના બે તૃતીઆંશ જેટલું થયું છે અને ફાઈનાન્સિયલ માર્કેટ્સમાંથી વધુ ભંડોળ મળી શકે તેમ નથી.

સિએરા લીઓનમાં બળવાનો પ્રયાસઃ 21ના મોત

ફ્રીટાઉનઃ વેસ્ટ આફ્રિકાના દેશ સિએરા લીઓનમાં બળવાનો પ્રયાસ કરવા બદલ 13 લશ્કરી અધિકારીઓ અને એક સિવિલિયનની ધરપકડ કરાઈ હતી. દેશની ચૂંટાયેલી સરકારને ઉથલાવી બળવાના નિષ્ફળ પ્રયાસમાં સિએરા લીઓનની મુખ્ય લશ્કરી બેરેક્સ, શસ્ત્રાગાર અને પ્રિઝન્સ પર રવિવાર 26 નવેમ્બરની વહેલી સવારે હુમલાઓ કરાયા હતા. બે જેલોમાંથી મોટા ભાગના કેદીઓ મુક્ત કરી દેવાયા હતા. હુમલાની ઘટનાઓમાં 14 સૈનિક અને ત્રણ હુમલાખોર સહિત 21ના મોત નીપજ્યા હતા. હુમલાખોરોની શોધખોળ ચાલી રહી છે. જૂન મહિનામાં ચૂંટણીવિવાદ વચ્ચે પ્રેસિડેન્ટ જુલિયસ માડા બાયો બીજી મુદત માટે ચૂંટાઈ આવ્યા તેના પછી આવો પ્રયાસ કરાયો છે. વેસ્ટ અને સેન્ટ્રલ આફ્રિકામાં લશ્કરી બળવાઓ સામાન્ય બની ગયા છે. આ વર્ષે નાઈજર અને ગાબોનમાં બળવા સહિત2020 પછી આઠ બળવાઓમાં લશ્કરે સત્તા સંભાળી છે.

કેન્યાની ચૂંટણીહિંસામાં ICCની તપાસ પૂર્ણ

નાઈરોબીઃ કેન્યામાં 2007ની ચૂંટણીઓ પછી ફાટી નીકળેલી હિંસા સંબંધિત અપરાધોમાં વધુ તપાસ પડતી મૂકાઈ હોવાની જાહેરાત ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)ના ડેપ્યુટી ચીફ પ્રોસિક્યુટરે કરી છે. 2007-2008ની ચૂંટણી હિંસામાં 1200થી વધુ લોકોએ જાન ગુમાવ્યા હતા અને અંદાજે 600,000 લોકો ઘરવિહોણા બની ગયા હતા. હેગસ્થિત ટ્રિબ્યુનલે 2010 માં હિંસાની તપાસ આરંભી હતી. હિંસા સંબંધિત અપરાધોના શકમંદોમાં કેન્યાના વર્તમાન પ્રમુખ વિલિયમ રુટો અને પુરોગામી પ્રમુખ ઉહુરુ કેન્યાટાનો પણ સમાવેશ થયો હતો. જોકે, કેન્યાના પૂર્વ ચીફ પ્રોસિક્યુટર ફાટોઉ બેનસૌડાએ 2014માં કેન્યાટા વિરુદ્ધ આરોપ પાછા ખેં ચી લીધા હતા જ્યારે 2016માં રુટો સામેનો કેસ પણ બંધ કરી દેવાયો હતો.

સોમાલિયાને ઈસ્ટ આફ્રિકન કોમ્યુનિટી ટ્રેડ બ્લોકમાં પ્રવેશ

ડોડોમા,મોગાડિશુઃ આફ્રિકામાં મુક્ત વેપારને ઉત્તેજન આપવા સોમાલિયાને પ્રાદેશિક ટ્રેડ બ્લોક ઈસ્ટ આફ્રિકન કોમ્યુનિટી (EAC)ના આઠમા સભ્ય તરીકે પ્રવેશ અપાયો છે. બુરુન્ડી, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC), કેન્યા, રવાન્ડા, સાઉથ સુદાન, ટાન્ઝાનિયા અને યુગાન્ડાના બનેલા આ વેપારજૂથમાં સોમાલિયા 2012થી પ્રવેશ માગી રહ્યું હતું. ટાન્ઝાનિયાના આરુષા શહેરમાં મથક ધરાવતા EACની સ્થાપના વર્ષ 2000માં કરાઈ હતી, જે સભ્ય દેશો વચ્ચે કસ્ટમ્સ ડ્યૂટી નાબૂદ કરી વેપારને ઉત્તેજન આપવાની કામગીરી બજાવે છે. તેના દ્વારા 2010માં કોમન માર્કેટની સ્થાપના થઈ હતી. સોમાલિયા પહેલા DRCને એપ્રિલ 2022માં EACમાં પ્રવેશ અપાયો હતો.

ઓસ્કાર પિશ્ટોરિયસને હત્યાના દાયકા પછી પેરોલ

કેપ ટાઉનઃ સાઉથ આફ્રિકાના પેરાલિમ્પિક સ્ટાર ઓસ્કાર પિશ્ટોરિયસને ગર્લફ્રેન્ડ રીવા સ્ટીનકેમ્પની હત્યાના દાયકા પછી 5 જાન્યુઆરી 2024માં પેરોલ પર મુક્ત કરાશે. કાર્બન ફાઈબર પ્રોસ્થેટિક પગના લીધે ‘બ્લેડ રનર’ તરીકે પ્રખ્યાત પિશ્ટોરિયસે 2013ના વેલેન્ટાઈન ડેના દિવસે ગર્લફ્રેન્ડ રીવાની હત્યા કરી હતી. તેને 2014માં હાઈ કોર્ટે પાંચ વર્ષની જેલની સજા ફરમાવી હતી પરંતુ, અપીલના પગલે સુપ્રીમ કોર્ટે પહેલા 6 વર્ષની સજા અને તે પછી 2017માં વધારીને 13 વર્ષ અને પાંચ મહિનાની સજા કરી હતી.

ચાઈલ્ડ સેક્સના અમેરિકી અપરાધીની પુનઃ ધરપકડ

નાઈરોબીઃ કેન્યામાં 9 વર્ષ પહેલા ચાઈલ્ડ સેક્સના દોષિત ઠરાવાયેલા 68 વર્ષીય અમેરિકી નાગરિક અપરાધી ટેરી રે ક્રીગરની નવા આરોપોસર પુનઃ ધરપકડ કરાઈ છે. તેને 2014માં કેન્યન બાળકોના યૌનશોષણના આરોપો બદલ50 વર્ષની જેલની સજા કરાયા પછી આઠ જ વર્ષની સજા કાપ્યા પછી નવેમ્બર 2022માં રહસ્યમય રીતે મુક્ત કરી દેવાયો હતો અને મુક્તિના મહિનાઓ પછી ત્રણ વર્ષના બાળક પર જાતિય હુમલો કરવાના આરોપસર 10 નવેમ્બરે તેની ફરી ધરપકડ કરાઈ છે. ક્રીગરને 21 નવેમ્બરે નાઈરોબીની બહાર માવોકો કાઉન્ટીની કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. તેના કેસની 27 નવેમ્બરે સુનાવણી થાય ત્યાં સુધી તેને પોલીસ કસ્ટડીમાં રાખવા મેજિસ્ટ્રેટ કોર્ટે આદેશ આપ્યો હતો.યુએસના મિશિગનના વતની ક્રીગરને સગીર બાળક સાથે જાતિય વર્તન બદલ 1992માં દોષી ઠરાવાયો હતો અને યુએસમાં ત્રણ વર્ષ જેલમાં વીતાવ્યા પછી 1995માં તેને મુક્ત કરાયો હતો.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter