યુગાન્ડાના ઓલિમ્પિક દોડવીર બેન્જામિન કિપ્લાગાટની હત્યા

Wednesday 03rd January 2024 06:18 EST
 
 

નાઈરોબી, કમ્પાલાઃ યુગાન્ડાના 34 વર્ષીય ઓલિમ્પિક દોડવીર બેન્જામિન કિપ્લાગાટ શનિવાર 30 ડિસેમ્બરે તેના ટ્રેનિંગ કેમ્પ નજીક કારમાં જીવલેણ ઘાની ઈજા સાથે મળી આવ્યો હતો. બેન્જામિન કિપ્લાગાટનો જન્મ કેન્યામાં થયો હતો પરંતુ તેણે યુગાન્ડા તરફથી ત્રણ ઓલિમ્પિક રમતોત્સવ અને 6 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. તેણે 2012ના લંડન ઓલિમ્પિક્સમાં 3000 મીટરની સ્ટીપલચેઝમાં દોડ લગાવી હતી. હાલ તે કેન્યાના એલ્ડોરેટ ટાઉનમાં તાલીમ લઈ રહ્યો હતો. તેની ગરદન અને છાતી પર સ્ટેબિંગની જીવલેણ ઈજા જોવા મળી હતી. પોલીસ હત્યારાની શોધ ચલાવી રહી છે. વર્લ્ડ એથેલેટિક્સે બેન્જામિન કિપ્લાગાટના મૃત્યુના સમાચારથી આઘાત અને દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.

કોંગોમાં ભારે વરસાદ અને પૂરથી 60ના મોત

કિન્હાસાઃ પૂર્વીય ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં 26 ડિસેમ્બરની આખી રાતના મૂશળધાર વરસાદથી સર્જાયેલા પૂર અને જમીનો ધસી પડવાથી ભારે તારાજી ઉપરાંત, ઓછામાં ઓછાં 60 વ્યક્તિના મોત નીપજ્યા હતા અને ૪૦૦થી વધુ લોકો લાપતા છે. બુકાવુ શહેરમાં 30 અને ત્યાંથી 50 કિલોમીટરના અંતરે આવેલા બુરિન્યી ગામમાં પણ30 મૃતદેહ મળી આવ્યા હતા. પૂર અને ભૂસ્ખલનના લીધે સંખ્યાબંધ મકાનો ધરાશાયી થયા હતા. સ્થાનિક રહેવાસીઓ કાદવમાં મૃતદેહો શોધી રહેલા નજરે પડ્યા હતા. પૂરના કારણે અનેક પરિવારો બેઘર બન્યા છે. કોંગોમાં મોટાભાગના રસ્તા ધોવાઇ જવા સાથે રેલવે ટ્રેક અને બસ સ્ટેશનો જળબંબાકાર થઈ જવાથી પરિવહન સેવા સદંતર ઠપ થઇ છે. અગાઉ ડિસેમ્બરની શરૂઆતમાં પૂર્વી કોંગોના બુકાવુ શહેરમાં ભારે વરસાદથી 14 લોકોના જ્યારે મે મહિનામાં સાઉથ કિવુ પ્રાંતમાં વિનાશક પૂર અને જમીનો ધસી પડવાની ઘટનાઓમાં 400થી વધુના મોત થયા હતા.

બુરુન્ડીમાં સશસ્ત્ર હુમલોઃ 20ના મોત

કિન્હાસાઃ કોંગોની પશ્ચિમ સરહદે આવેલા સૌથી ગરીબ દેશોમાં એક બુરુન્ડીના વુગિઝો ગામમાં બળવાખોરો દ્વારા 22 ડિસેમ્બર શુક્રવારની સાંજે કરાયેલા અંધાધૂંધ ગોળીબારના હુમલામાં 12 બાળકો અને 3 મહિલા સહિત 20 નાગરિકોના મોત નીપજવા સાથે 9 લોકોને ઈજા પહોંચી હતી. હુમલાખોરોએ નવ મકાનોને ટાર્ગેટ બનાવ્યા હતા. બુરુન્ડીની સરકારે આતંકવાદી જાહેર કરેલા સશસ્ત્ર ઉગ્રવાદી સંગઠન રેડ તબારાએ આ હુમલાની જવાબદારી લીધી હતી અને લશ્કરના નવ સૈનિક અને પોલીસ અધિકારીના મોતનો દાવો કર્યો હતો. હુમલાખોરોએ બે ગર્ભવતી મહિલાને પણ નિશાન બનાવી હતી. 2011માં અસ્તિત્વમાં આવેલાં આ બળવાખોર સંગઠને કોંગોમાં અડ્ડો જમાવ્યો છે અને 2015 પછી બુરુન્ડીમાં અનેક હુમલા કરી ચુક્યું છે.

સજાતીય દંપતીઓને પથ્થરો મારવા બુરુન્ડીના પ્રમુખની હાકલ

બુજુમ્બુરાઃ વિશ્વમાં LGBTQ+ કોમ્યુનિટીના અધિકારો વિશે ચર્ચા ચાલી રહી છે ત્યારે બુરુન્ડીના પ્રેસિડેન્ટ એવારિશ્તે ન્ડાઈશિમિયેએ સજાતીય લગ્નો પર આકરા પ્રહાર કરવા સાથે સજાતીય દંપતીઓને ધાર્મિક કારણોસર પથ્થરો મારવાની હાકલ કરી સનસનાટી મચાવી દીધી છે. રૂઢિચુસ્ત ક્રિશ્ચિયન મૂલ્યો અને વિચારો માટે જાણીતા પ્રેસિડેન્ટે સજાતીયતા અને સજાતીય લગ્નોને ઘૃણાસ્પદ ગણાવ્યા હતા. તેમણે LGBTQ+ કોમ્યુનિટીના અધિકારોની તરફેણ કરનારા દેશો પાસેથી સહાયને ફગાવી દઈ જે લોકો સજાતીયતાની આવી માન્યતા ધરાવતા હોય તેમને વિદેશમાં જ રહેવા જણાવ્યું હતું.

દક્ષિણ આફ્રિકાના લેડીસ્મિથમાં પૂરથી 21નાં મોત

જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકાના ક્વાઝુલુ-નાતાલ પ્રાંતના નાના શહેર લેડીસ્મિથમાં અચાનક પૂરના પાણી ફરી વળવાથી ઓછામાં ઓછાં 21 લોકોના મોત થયાના અહેવાલ છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યા મુજબ 21 મૃતદેહ મળી આવ્યા છે અને મોટી સંખ્યામાં લોકો લાપતા હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા છે. ક્રિસમસના દિવસે જ શહેરમાં અચાનક પૂર આવતાં લગભગ 1400 ઘરનો નાશ થયો હતો. બચાવ અને રાહત ટુકડીઓ લાપતા લોકોને શોધવાની કામગીરીમાં લાગેલી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter