ગુપ્તાબંધુઓને દક્ષિણ. આફ્રિકા લાવવાના પ્રયાસ ફરી શરૂ

Tuesday 13th June 2023 14:12 EDT
 
 

કેપ ટાઉનઃ દક્ષિણ આફ્રિકાની જસ્ટિસ મિનિસ્ટ્રીએ છેતરપીંડી, ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના આરોપોમાં સંડોવાયેલા ગુપ્તાબંધુ – અતુલ અને રાજેશને યુનાઈટેડ આરબ અમિરાતથી પ્રત્યર્પણ કરાવવાના પ્રયાસો પુનઃ શરૂ કર્યા છે. યુએઈ અને સાઉથ આફ્રિકાના અધિકારીઓની સંયક્ત ટીમ 15 જૂને યોજાનારી બેઠકમાં પ્રત્યર્પણની નવેસરથી વિનંતી મુદ્દે ચર્ચા કરશે. પૂર્વ પ્રમુખ જેકબ ઝૂમા અને ગુપ્તાબંધુઓ વચ્ચે ગાઢ સબંધ હતા તેમજ ઝૂમાના 9 વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર થકી 500 બિલિયન રેન્ડથી વધુ રકમની સરકારી તિજોરીમાંથી ઉચાપત થઈ હોવા બાબતે જ્યુડિશિયલ ઈન્ક્વાયરી પણ થઈ હતી. ઝૂમા અને ગુપ્તાબંધુઓએ ભ્રષ્ટાચારનો ઈનકાર કર્યો છે. ઈન્ટરપોલના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં મૂકાયેલા અતુલ અને રાજેશ ગુપ્તાને જૂન 2022માં યુએઈમાં ઝડપી લેવાયા હતા. બે મહિના પહેલા યુએઈની કોર્ટે કાનૂની દસ્તાવેજો અપૂરતાં ગણાવીને ગુપ્તા ભાઈઓના પ્રત્યર્પણની સાઉથ આફ્રિકન સરકારની વિનંતી ફગાવી દીધી હતી. સાઉથ આફ્રિકન સરકારે ગપ્તાબંધુઓને ન્યાયના પિંજરામાં લાવવા લાખો રેન્ડ ખર્ચી નાખ્યા છે.

યુગાન્ડાના પ્રેસિડેન્ટ મુસેવેની કોવિડ ટેસ્ટ પોઝિટીવ

કમ્પાલાઃ યુગાન્ડાના 78 વર્ષીય પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેની કોવિડ ટેસ્ટ પોઝિટીવ જાહેર થયા છે. મુસેવેનીએ કહ્યું હતું કે તેમણે કોરોના પોઝિટિવ જાહેર કરાયા પછી ફરજિયાત રજા લીધી છે અને કામની જવાબદારી પ્રાઈમ મિનિસ્ટર રોબિનાહ નાબાન્જાને સુપરત કરી છે. જોકે, તેમની તબિયત સારી છે અને તમામ કાળજીનું પાલન કરવા સાથે પોતાની ફરજો નિભાવશે તેમ દેશની હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા અગાઉ જણાવાયું હતું. 7 જૂન બુધવારની સવારે પાર્લામેન્ટ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રજોગ સંબોધન કરતી વેળાએ પ્રેસિડેન્ટ મુસેવેનીએ તેમને કોરોનાનો ચપ લાગ્યો હોવાનો પ્રથમ સંકેત આપ્યો હતો. જોકે, તેમના અગાઉના બે ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કોવિડ-19 મહામારીના ગાળામાં યુગાન્ડાએ કોરોનાના પ્રસારને અટકાવવા કરફ્યૂ, બિઝનેસીસ અને શાળાઓ અને સરહદો બંધ કરવા સહિત આફ્રિકાના સૌથી કડક પગલાં લીધા હતા.

કેન્યાના ફાઈનાન્સ બિલ સામે લોકોમાં ભારે રોષ

નાઈરોબીઃ કેન્યામાં ફ્યૂલ, ફૂડ, બ્યૂટી પ્રોડક્ટ્સ, ક્રિપ્ટો કરન્સી સહિત વિવિધ ચીજવસ્તુઓ પર કર લાદતા અને વધારતા નવા ફાઈનાન્સ બિલ સામે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગત મંગળવાર 6 જૂને નાઈરોબીની શેરીઓમાં સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવા પાર્લામેન્ટ બિલ્ડિંગ તરકફ જઈ રહલા 100થી વધુ લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું અને પોલીસે ટીઅર ગેસના શેલ્સ છોડી 11થી વધુ લોકોની ધરપકડ કરી હતી. વિપક્ષી નેતા રાઈલા ઓડિન્ગાની અઝિમીઓ પાર્ટી પણ ફાઈનાન્સ બિલનો વિરોધ કરે છ. પ્રેસિડેન્ટ વિલિયમ રુટોની સરકાર કર વધારી ખાલી તિજોરી ભરવા માગે છે પરંતુ, ગરીબ લોકો માટે જીવવું મુશ્કેલ બની જશે. સરકારે વર્ષ 2023/24 માટે Ksh3.6 ટ્રિલિયન ($26.2 બિલિયન ડોલર) નું બજટ તૈયાર કર્યું છે જેમાં નવા સૂચિત ટેક્સીસથી 289 બિલિયન શિલિંગ્સ ઉભાં કરવાની ધારણા છે.

કેન્યાના સામૂહિક હત્યાકાંડ જંગલને સ્મારકસ્થળમાં ફેરવાશે

નાઈરોબીઃ કેન્યામાં કયામતના દિવસે ઈસુ ખ્રિસ્તને મળવા મૃત્યુ સુધી ભૂખ્યા રહેવાની પાદરી પોલ ન્થેન્ગે મેકેન્ઝીની હાકલને અનુસરવાના પરિણામે 251લોકોએ જીવ ગુમાવ્યો હતો તેવા સામૂહિક હત્યાકાંડના સ્થળ શાકાહોલા જંગલને સ્મારકસ્થળમાં ફેરવાશે. ઈન્ડિયન ઓશનના તટે માલિન્ડી ટાઉનથી અંદર 800 એકરમાં ફેલાયેલા જંગલમાં સામૂહિક કબરોમાંથી મૃતકોના શરીર બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનાએ સમગ્ર આફ્રિકાને હચમચાવી દીધુ હતું. ઈન્ટિરિયર મિનિસ્ટર કિથુરી કિન્ડિકીએ જણાવ્યું હતું કે આ હત્યાકાંડ આચરાયો તે સ્થળ અગાઉના જેવું નહિ રહે. અહીં શું થયું હતું તે કેન્યનો અને વિશ્વ ભૂલે નહિ તે માટે કેન્યાની સરકાર રાષ્ટ્રીય સ્મારક બનાવાશે. 14 એપ્રિલે બહાર આવેલા આ હત્યાકાંડ સંદર્ભે ઓછામાં ઓછાં 35 લોકોની ધરપકડ કરાયેલી છે. જંગલમાંથી 95 લોકોને બચાવી લેવાયા હતા જ્યારે પોલીસના જણાવ્યા અનુસાર 613 લોકો લાપતા થયા હતા. પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ હત્યાકાંડની તપાસ કરાવવા ઈન્ક્વાયરી કમિશનની જાહેરાત કરી છે.

રોમાનિયાના રાજદૂતે આફ્રિકનોને વાંદરા સાથે સરખાવ્યા

નાઈરોબીઃ રોમાનિયાના કેન્યાસ્થિત રાજદૂત ડ્રેગોસ વિઓરેલ ટિગાઉએ નાઈરોબીમાં એક મીટિંગમાં આફ્રિકનોની સરખામણી વાંદરા સાથે કરવાના પરિણામે તેમને સ્વદેશ પાછા બોલાવી લેવાયા છે. નાઈરોબીમાં 26 એપ્રિલે યુનાઈટેડ બિલ્ડિંગમાં કોન્ફરન્સ રૂમની બારીમાં એક વાંદરાએ દેખા દીધી ત્યારે રોમાનિયન એમ્બેસેડર ડ્રેગોસ વિઓરેલ ટિગાઉએ એવી ટીપ્પણી કરી હતી કે,‘આફ્રિકન ગ્રૂપ આપણી સાથે જોડાયું છે.’ આફ્રિકન દેશોના જૂથે આ ટીપ્પણીનો ભારે વિરોધ કર્યો હતો. રોમાનિયાના વિદેશ મંત્રાલયે માફી માગી એમ્બેસેડર ટિગાઉને પાછા બોલાવી લીધા હતા. ટિગાઉએ પણ આ બાબતે લેખિત માફી માગી હતી જેનું નિવેદન બુખારેસ્ટમાં 9 જૂને આફ્રિકન દેશોના રાજદૂતોને મોકલાયું હતું.

કોંગો સહાય પ્રોગ્રામના $900,000ની ઉચાપત

કિન્હાસાઃ યુએસની ફંડરેઈઝિંગ સંસ્થા ‘ગિવડાયરેકટલી’ ચેરિટીએ આક્ષેપ કર્યો છે કે તેના કોંગો પ્રોગ્રામના આશરે 900,000 ડોલરની રોકડ રકમની ઉચાપત સંસ્થાના કર્મચારીઓ અને બહારના માણસોએ કરી છે અને 1700થી વધુ ગરીબ પરિવારો માટે 6 મહિનાથી વધુ સમયની સહાય અન્યત્ર વાળી હતી. આ ઉચાપત ઓગસ્ટ 2022થી શરૂ કરાઈ હોવાનું પણ સંસ્થાએ જણાવ્યું હતું. આની તપાસ ચાલી રહી છે અને ઉચાપત કરાયેલા ભંડોળમાંથી નજીવી રકમ જ પરત મેળવી શકાઈ છે. જોકે, આ ફ્રોડથી અસર પામેલા પરિવારોને નાણા મળે તેની તજવીજ કરાઈ હોવાનું ચેરિટીએ જણાવ્યું હતું. ‘ગિવડાયરેકટલી’ ચેરિટી મુખ્યત્વે આફ્રિકન સહિત વિશ્વભરના ડઝન જેટલા દેશોના 650 મિલિયનથી વધુ લોકોને મોબાઈલ મની ટેકનોલોજી મારફત રોકડ સહાય પૂરી પાડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter