ઘાનામાં સેકન્ડ હેન્ડ કપડાંથી પ્રદુષણમાં વધારો

Tuesday 13th February 2024 11:47 EST
 
 

અક્રાઃ ઘાનાનું કાપડ માર્કેટ ખોટા કારણોસર ચર્ચામાં આવ્યું છે. 30 કરતા વધુ વર્ષોથી અક્રાનું કાંટામન્ટો માર્કેટ 3,000થી વધારે વેપારીઓનું ઘર છે. આ વેપારીઓ ચીન, બ્રિટન અને કેનેડા જેવા દેશોમાંથી સેકન્ડ હેન્ડ કપડાં અને શૂઝને મોટી માત્રામાં આયાત કરે છે. આ કારણે હવે દેશમાં મોટી સમસ્યા ઊભી થઈ છે. આયાત કરવામાં આવતા સામાનમાંથી 60 ટકાથી વધુ સામાન વેચાતો ન હોવાથી અહીં કપડાંના પર્વતો જોવા મળી રહ્યાં છે. આ વસ્ત્રોને છેવટે બાળી નાખવાની ફરજ પડે છે જેના કારણે, પ્રદૂષણની મોટી સમસ્યા જોવા મળી રહી છે.

ઝિમ્બાબ્વેમાં બ્રિટિશ વારસાની ડેથ પેનલ્ટીને નાબૂદ થશે

હરારેઃ ઝિમ્બાબ્વેએ બ્રિટિશ સંસ્થાનવાદના કાળથી વારસામાં મળેલી ડેથ પેનલ્ટીને નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. કેબિનેટ દ્વારા ખાનગી સભ્યે પાર્લામેન્ટમાં ગયા વર્ષે દાખલ કરેલા ડેથ પેનલ્ટી એબોલિશન બિલના મુસદ્દાને બહાલી આપી છે જેના પરિણામને હત્યા સહિતના ગંભીર અપરાધો માટે અપાતા મૃત્યુદંડનો અંત આવશે. ઝિમ્બાબ્વેમાં લગભગ બે દાયકા અગાઉ 2005માં મૃત્યુદંડની સજા અપાઈ હતી. આ પછી, વિવાદાસ્પદ સજા પદ્ધતિનો અમલ બંધ કરાયો હતો.

ઝિમ્બાબ્વેની કેબિનેટે ન્યાયસંગત અને સંતુલિત સજાપદ્ધતિ જાળવવા પર ભાર મૂક્યો છે જેમાં ગંભીર અપરાધો માટે આજીવન કેદની સજાની જોગવાઈ રખાશે. દેશના પ્રેસિડેન્ટ એમર્સન મ્નાન્ગગ્વાએ આ ઐતિહાસિક નિર્ણયમાં કેન્દ્રીય ભૂમિકા ભજવી છે જેમને ખુદ બ્રિટિશ શાસનથી આઝાદી મેળવવાની ચળવળ દરમિયાન ડેથ પેનલ્ટીની સજા ફરમાવાઈ હતી.

પૌલ મેકેન્ઝી સહિત 30 સામે 191 બાળકોની હત્યાનો આરોપ

નાઈરોબીઃ ધ ગૂડ ઈન્ટરનેશનલ ચર્ચ સંપ્રદાયના વડા પાદરી પૌલ ન્થેન્ગે મેકેન્ઝી અને અન્ય 29 સામે 191 બાળકોની હત્યાનો આરોપ લગાવાયો છે. ગયા વર્ષે તટવર્તી કેન્યાના શાકાહોલા જંગલોમાં મળી આવેલા 425 મૃતદેહોમાં 191 બાળકોનો સમાવેશ થયો હતો. માલિન્ડી કોસ્ટલ ટાઉન કોર્ટમાં તમામ આરોપીએ આરોપોને નકાર્યા હતા. પાદરી મેકેન્ઝીએ તેના અનુયાયીઓને તેમના સહિત બાળકોને ભૂખ્યા રહેવાનો આદેશ આપ્યો હતો જેથી વિશ્વનો અંત આવે તે પહેલા સ્વર્ગમાં જઈ શકે અને જિસસ ક્રાઈસ્ટને મળી શકે. 429 મૃતદેહની ઓટોપ્સી કરાયા પછી બહુમતી લોકોનાં મોત ભૂખ્યા રહેવાથી થયા હોવાનું તેમજ ઘણાં બાળકોને ગળાં દબાવી, માર મારીને ખતમ કરી નખાયા હોવાનું બહાર આવ્યું હતું. પૌલ મેકેન્ઝી સામે આતંકવાદનો પણ આરોપ લગાવાયો છે.

DRCમાં બળવાખોરો દ્વારા વિસ્ફોટોથી લોકહિજરત

કિન્હાસાઃ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)માં નોર્થ કિવુના સાકે સિટીમાં M23 બળવાખોરો દ્વારા કરાયેલા બોંબવિસ્ફોટોથી ગભરાયેલા નાગરિકોએ હિજરત શરૂ કરી દીધી છે. આ વિસ્તારમાં સિક્યુરિટી દળો અને બળવાખોરો વચ્ચે સતત લડાઈ ચાલતી હોવાથી નાગરિકો ભયમાં મૂકાયા છે. પૂર્વીય કોંગોના સૌથી સક્રિય બળવાખોર જૂથોમાં M23 જૂથ પડોશી રવાન્ડા સાથે સંબંધો ધરાવતા હોવાનું કહેવાય છે. બળવાખોરોએ દક્ષિણ કિવુ પ્રાંતને ગોમા સાથે સાંકળતા માર્ગના સંપર્કને કાપી નાખ્યો છે. આ વિસ્તારના સૌથી મોટા શહેર ગોમાની આસપાસ હુમલાઓ દ્વારા આ જૂથ ગોમા અને સાકે સિટી પર કબજો મેળવવાનો ઈરાદો ધરાવે છે. એક દાયકા અગાઉ આ જૂથે કોંગોના લશ્કરી દળો અને માનવતાવાદી વર્કર્સ માટે મુખ્ય મથક ગોમા પર કબજો હાંસલ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter