ઝામ્બીઆમાં કોલેરાથી 700ના મોત

Tuesday 27th February 2024 13:05 EST
 

લુસાકાઃ ઝામ્બીઆમાં જાન્યુઆરી 2024થી કોલેરાના કેસીસમાં ભારે ઉછાળો આવ્યા પછી મૃત્યુઆંક 700એ પહબોંચ્યો હોવાનું ડોક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ ચેરિટીએ જમાવ્યું છે. દેશમાં ઓક્ટોબર 2023માં કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યા પછી આશરે 20,000ને ચેપ લાગ્યો હોવાનું નોંધાયું છે.

શરૂઆતમાં ઝામ્બીઆના બે મોટા શહેર લુસાકા અને ન્ડોલામાં રોગચાળો મર્યાદિત રહ્યા પછી દેશના તમામ વિસ્તારોમાં ફેલાયો હતો અને સમગ્ર દક્ષિણ આફ્રિકા ખંડમાં તેની અસર થવાની આશંકા છે. ઝિમ્બાબ્વે, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને માલાવીમાં પણ કોલેરા રોગચાળાના કેસીસ જોવા મળ્યા છે. રાજધાની લુસાકાના વિશાળ સોકર સ્ટેડિયમને સારવાર સુવિધામાં ફેરવી દેવાયું છે ત્યારે પ્રેસિડેન્ટ હાકાઈન્ડે હિશિલેમાની સરકાર રોગચાળાનો સામનો કરવા નકકર રણનીતિ ધરાવતી ન હોવાની ટીકા થઈ રહી છે.

બાળભિક્ષુકોની 100થી વધુ માતાને કોમ્યુનિટી સર્વિસની સજા

કમ્પાલાઃ યુગાન્ડાની કોર્ટે પોતાના બાળકોને ભીખ માંગવા મોકલનારી 100થી વધુ માતાને એક મહિના માટે કોમ્યુનિટી સર્વિસની સજા ફરમાવી હતી. કોર્ટે આ માતાઓને તેમને કમ્પાલામાં પાછા નહિ ફરવા અને ઉત્તર યુગાન્ડાના નાપાક જિલ્લામાં પાછી મોકલી દેવા સત્તાવાળાને આદેશ આપ્યો હતો. બાળકોને મધ્ય યુગાન્ડાના માસુલિટા ચિલ્ડ્રન્સ વિલેજ ખાતે મોકલી દેવાયા હતા.

રાજધાની કમ્પાલામાં ત્રણ આંતરરાષ્ટ્રીય સમિટ્સની અગાઉ થી ભીખારીઓની હકાલપટ્ટીના અભિયાનમાં ગયા મહિને આ સ્ત્રીઓની ધરપકડ કરાઈ હતી. આરોપી સ્ત્રીઓએ દયા દાખવવા કોર્ટને વિનંતી કરતાં જણાવ્યું હતું કે ઘણી સ્ત્રીઓ વિધવા અને એકાકી માતા છે. મેજિસ્ટ્રેટ એડગર કારાકિરેએ સજા ફરમાવતા જણાવ્યું હતું કે આ સ્ત્રીઓ માટે જેલની સજા યોગ્ય નહિ લેખાય. આથી કોમ્યુનિટી સર્વિસ કરવાની રહેશે જે પૂર્ણ નહિ થાય તો એક મહિનો જેલમાં રહેવું પડશે. યુગાન્ડામાં બાળકો પાસે ભીખ કે દાન મંગાવવું ચાઈલ્ડ પ્રોટેક્શન લોઝનો ભંગ છે અને તેના માટે મહત્તમ છ મહિનાની સજા થઈ શકે છે.

કેન્યામાં ટીબીના નિદાન માટે AI એપનું પરીક્ષણ

નાઈરોબીઃ ટ્યુબરક્લોસિસ અને શ્વસનતંત્રના અન્ય રોગોનું નિદાન કરી શકાય તે માટે કેન્યા મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના વિજ્ઞાનીઓ AIનો ઉપયોગ કરતી મોબાઈલ ફોન એપ્લિકેશનનું પરીક્ષણ કરી રહ્યા છે. ટ્યુબરક્લોસિસ જેવાં શ્વસનતંત્રના રોગો ધરાવતા અને નહિ ધરાવતા લોકોની ઉધરસ-ખાંસીનું રેકોર્ડિંગ કરાઈ રહ્યું છે જેનો હેતુ આ બંને વચ્ચે તફાવત પારખી શકે તેવા સોફ્ટવેરની રચના કરવાનો અને ટીબી તેમજ અન્ય રોગો સાથે સંકળાયેલી ઉધરસ-ખાંસીને ચોકસાઈથી પારખી શકે તેવી મોબાઈલ ફોન એપ્લિકેશન બનાવવાનો છે. સસ્તા, હાઈ ડેફિનેશન અને સ્માર્ટફોન પરના માઈક્રોફોન સહિત કુદરતી અને બનાવટી ખાંસીનું રેકોર્ડિંગ કરી તેના પરિણામો યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનને મોકલાય છે તેને વર્તમાન ResNet 18 કોમ્પ્યુટર સોફ્ટવેર સિસ્ટમ પર સેટ કરવામાં આવે છે. આ પરીક્ષણો સફળ થશે તો ટીબીના નિદાનમાં બે-ત્રણ મહિનાથી એક વર્ષનો લાંબો સમય લાગે છે તેને ઘટાડી શકાશે અને તેની વેળાસર સારવાર થઈ શકશે.

કેપ ટાઉનમાં 19,000 ગાય સાથે જહાજ લાંગરતાદુર્ગંધ ફેલાઈ

કેપ ટાઉનઃ સાઉથ આફ્રિકાના પોર્ટ સિટી કેપ ટાઉનમાં ફેલાઈ ગયેલી ત્રાસજનક દુર્ગંધનો આખરે ઉકેલ આવી ગયો છે. શહેરના બંદરે 19,000 ગાય સાથે આવેલું અલ કુવૈત જહાજ ઈરાક જવાં રવાના થતાં શહેરની દુર્ગંધ દૂર થઈ હતી. આ જહાજ ગત રવિવારે બ્રાઝિલથી આવ્યું હતું અને પશુધણના ચારા ભરવા વગેરે માટે બંદર પર રોકાયું હતું પરંતુ, શહેરમાં તેના કારણે ભારે દુર્ગંધ ફેલાયાની ફરિયાદો આવવાં લાગી હતી. કેપ ટાઉનના સત્તાવાળાઓએ તત્કાળ તપાસ આદરી હતી.

એનિમલ વેલ્ફેર ગ્રૂપ નેશનલ કાઉન્સિલ ઓફ સોસાયટીઝ ફોર પ્રીવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ (NSPCA) ના જણાવ્યા મુજબ મોટી સંખ્યામાં ગાયો બે સપ્તાહથી વધુ સમય જહાજમાં ભારે ખરાબ હાલતમાં હતી અને તેમના મળ અને પેશાબની ખરાબ વાસ ફેલાતી હતી. તેમની તપાસ દરમિયાન કેટલાક પશુ રોગિષ્ટ અને ઈજાગ્રસ્ત જણાયા હતાં અને તેમનાં જ મળમૂત્રમાં રહેલાં હતાં. ઘણી ગાય મૃત હાલતમાં મળી આવી હતી. NSPCAએ જીવંત પશુની સમુદ્રી નિકાસ પર પ્રતિબંધ લગાવવાની માગણી દોહરાવી છે.

માનવ તસ્કરીમાં કેન્યન પોલીસની સંડોવણી

નાઈરોબીઃ માનવ તસ્કરી અને હેરફેરમાં કેન્યન પોલીસ અધિકારીઓની સંડોવણી બહાર આવ્યા પછી સત્તાવાળાઓએ ચાર અધિકારીની ધરપકડ કરી છે. નાઈરોબી નજીક એક મકાનમાં દરોડાના પગલે માનવ તસ્કરીના સંભવિત શિકાર 37 ઈથિયોપિયન નાગરિકોને બચાવી લેવાયા હતા. આ લોકો સારા જીવનની શોધમાં સાઉથ આફ્રિકા જઈ રહ્યા હતા. મકાનના માલિક સહિત આ ઘટનામાં સંડોવાયેલા અને સ્મગલિંગ ટોળકીના સભ્યો સહિત તમામને ઝડપી લેવા શોધ ચાલી રહી છે. સાઉથ આફ્રિકામાં ગેરકાયદે પ્રવેશવાનો પ્રયાસ કરનારા ઈથિયોપિયન માઈગ્રન્ટ્સ માટે કેન્યા સામાન્ય ટ્રાન્ઝિટ રૂટ છે. ઈથિયોપિયન નાગરિકો મોયાલે સરહદથી કેન્યામાં પ્રવેશે છે અને ત્યાંથી ટાન્ઝાનિયા થઈને સાઉથ આફ્રિકા પહોંચે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter